ડાર્ક સ્‍કાય ‌રિઝર્વઃ લદ્દાખથી એક જ ‘છલાંગે’ સીધા બ્રહ્માંડમાં!


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- લદ્દાખમાં ભારતની સર્વપ્રથમ ડાર્ક સ્‍કાય ‌રિઝર્વ કહેવાતી સેન્‍ચુઅરીનો આરંભ થવા જઈ રહ્યો છે. શું હોય, ડાર્ક સ્‍કાય ‌‌રિઝર્વ? અને શું છે તેનું મહત્ત્વ?

- આકાશદર્શન એવો મહાસાગર છે, જેમાં એક વાર ડૂબકી લગાવો ત્‍યાર પછી ફરી ફરીને ડાઇવ મારવાનું મન થયા કરે—અને દરેક ડાઇવ અગાઉ કરતાં વધુ ઊંડી હોય.

એક ‌મિ‌નિટ! પ્રસ્‍તુત લેખ ખગોળશાસ્‍ત્ર જેવા હેવીવેઇટ ગણાતા ‌વિષયનો હોવાનું જાણી તેને ‘પાસ’ કહી ગપચાવી જવાના હો તો પહેલાં બે ખુલાસા વાંચી લો. 

■ નંબર-1ઃ ખગોળશાસ્‍ત્ર ‌બિલકુલ હેવીવેઇટ ‌વિષય નથી. હા, તેની રજૂઆત ભારેખમ હોઈ શકે, જે અહીં ‌બિલકુલ નથી.

■ નંબર-2ઃ આકાશદર્શન ફક્ત ‌‌વિજ્ઞાન તથા વિજ્ઞાનીઓ પૂરતું ‘‌રિઝર્વ્ડ’ કાર્ય નથી. બલકે, સરેરાશ વ્‍ય‌ક્તિ (ખાસ કરીને નવી પેઢી) આકાશદર્શન વડે ‌વિજ્ઞાન ઉપરાંત તત્ત્વજ્ઞાનનું સ્‍વપ્ર‌શિક્ષણ મેળવી શકે છે. જીવનનાં મૂલ્‍યો સમજવા માટે ‌વિચારોરૂપી ચારો મેળવી શકે છે, જેને વાગોળવાનો આનંદ-સંતોષ એવો સોહામણો હોય કે ન પૂછો વાત! પ્રસ્‍તુત ચર્ચામાં આપણે તેના ‌વિશે પણ વાત કરવાની છે. પરંતુ આરંભ એક ન્‍યૂઝ આઇટમથી કરીએ.

ભારતના ‌વિજ્ઞાન-ટેક્નોલો‌જિ ખાતાએ ગયા અઠવા‌ડિયે લદ્દાખના ચંગથાંગ પ્રાંતના હાન્‍લે (સાચો ઉચ્‍ચાર આન્‍લે) નામના સ્‍થળને ડાર્ક સ્‍કાય ‌રિઝર્વ ઘો‌ષિત કર્યું છે. આ સમાચાર આવ્યા ત્‍યારે તે સાંભળીને આકાશદર્શનનો શોખ ધરાવતા ભારતીયોના કાનમાં મધ રેડાયું હોય એ સંભવ છે. કારણ કે આપણા દેશમાં પહેલી વાર કોઈ ક્ષેત્રને ડાર્ક સ્‍કાય ‌રિઝર્વ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ‌વિશ્વમાં આવાં ગણીને ફક્ત ૨૦ સ્‍થળો હોય અને તે નાનકડા ‌લિસ્‍ટમાં હવે લદ્દાખનું આન્‍લે ૨૧મા સ્‍થળ તરીકે સ્‍થાન મેળવે ત્‍યારે આકાશદર્શનના શોખીનોને ખુશાલીની લાગણી થવી સ્‍વાભા‌વિક છે.

સંભવ છે કે ઉપરોક્ત સમાચાર સામાન્‍ય માણસને પહેલી નજરે શુષ્‍ક જણાય. પરંતુ સમાચારની પાછળ રહેલી રસપ્રદ બાબત સમજવા જેવી છે, જેની માંડણી કરતા પહેલાં ડાર્ક સ્‍કાય ‌રિઝર્વ એટલે શું તે સમજવું રહ્યું. 

સૌ જાણે છે તેમ વન અને વન્‍યજીવોના રક્ષણ માટે કેટલોક પ્રદેશ અભયારણ્ય તરીકે ઘો‌ષિત કરવામાં આવતો હોય છે. આવા પ્રદેશમાં ન કોઈ માનવ વસાહત સ્‍થાપી શકાય કે ન વૃક્ષોનું ‌વિચ્‍છેદન કરી શકાય. ડાર્ક સ્‍કાય ‌રિઝર્વને ચાહો તો આકાશદર્શન માટેનું ર‌ક્ષિત ક્ષેત્ર ગણી શકો. આવા ક્ષેત્રની પસંદગી માટે આંતરરાષ્‍ટ્રીય ડાર્ક સ્‍કાય સંગઠને ચોક્કસ ધારાધોરણો નક્કી કરેલાં છે. રા‌ત્રિ આકાશ (સ્‍કાય) જ્યાંથી કાળું‌ડિબાંગ (ડાર્ક) જોઈ શકાતું હોય, કાળા મખમલમાં મહત્તમ ‘હીરા’નો ઝગમગાટ જોઈ શકાતો હોય, અાકાશી વાદળો જ્યાં અડચણ નાખતાં ન હોય, હવામાં પ્રદૂષણનંુ તથા ભેજકણોનું પ્રમાણ ન‌હિવત્ હોય તેમજ આકાશદર્શનમાં ખલેલ પહોંચાડે તેવા કૃ‌‌ત્રિમ પ્રકાશનું લાઇટ પોલ્‍યૂશન જ્યાં દૂર દૂર સુધી ન હોય તેવા ‌વિસ્‍તારને જ ડાર્ક સ્‍કાય ‌રિઝર્વ કહી શકાય. આવો એ‌રિઆ વળી ઓછામાં ઓછા ૭૦૦ ચોરસ ‌કિલોમીટરનો હોવો જોઈએ. આ તમામ શરતોનું આપણા લદ્દાખનું આન્‍લે પાલન કરતું હોવાથી આંતરરાષ્‍ટ્રીય ડાર્ક સ્‍કાય સંગઠને આકાશદર્શન માટેના ‌રિઝર્વ તરીકે માન્‍યતા આપી છે.

■■■

બ્રહ્માંડનું વાસ્‍ત‌વિક કદ કોઈ જાણતું નથી, એટલે તેની ‌વિશાળતા સૂચવવા માટે અનંત, અમાપ, અફાટ, અતળ, અગાધ વગેરે જેવાં ‌વિશેષણો વાપરવામાં આવતાં હોય છે. ગુફાવાસી આ‌દિમાનવથી માંડીને આજના પ્રમાદીમાનવ સુધીની લાંબી તવારીખમાં માનવજાતે વિશાળ બ્રહ્માંડનો મુઠ્ઠીભર ‌હિસ્‍સો પોતાની તેમજ ટે‌લિસ્‍કોપની પાવરફુલ આંખ વડે ફંફોસી નાખ્યો છે. આ ‌હિસ્‍સા માટે અહીં ભલે ‘મુઠ્ઠીભર’ શબ્‍દ વાપર્યો, પણ વાસ્‍તવમાં તેનું કદ જેવું તેવું નથી. બલકે, ૧૬ની પાછળ ૨૩ શૂન્‍યો ચડાવો એટલા ‌કિલોમીટરનું છે. ખગોળ‌વિદ્દો તેને visible universe/ દૃશ્‍ય બ્રહ્માંડ કહે છે, જે ૧ની પાછળ ‌મિ‌નિમમ ૨૧ અને મહત્તમ ૨૪ મીંડા લગાવો એટલા બધા તારાઓ વડે તગતગે છે. સંસ્‍કૃતમાં મહાક્ષોભ કહેવાતા એ આંકડા પૈકી કેટલા તારાને પૃથ્‍વીવાસી માનવ કોઈ એક સ્‍થળથી નરી આંખે જોઈ શકે તે જાણો છો? ફક્ત પ,૭૦૦ તારાને! અમદાવાદ, સુરત, મુંબઈ, પૂણે જેવાં નગરોમાં વસતા હો તો એટલા પણ જોવા ન પામો, કારણ કે મકાનોની દીવાબત્તીથી માંડીને સ્‍ટ્રીટ લાઇટનું પોલ્‍યૂશન ‌‌ક્ષિતિજ પાસેના આકાશને ઉજા‌સિત કરી મૂકે છે. તારાનો કુદરતી ટમટમાટ એ કૃ‌ત્રિમ પ્રકાશમાં દબાઈ જાય છે. આથી જ આકાશદર્શન માટેનું આદર્શ સ્‍થળ શહેર-નગરની સીમથી દૂર લાઇટ પોલ્‍યૂશન વગરની જગ્‍યા છે. કચ્‍છનું રણ, રાજસ્‍થાનનું થર રે‌ગિસ્‍તાન કે પછી આંદામાનનો કોઈ ટાપુ પણ આકાશદર્શન માટે આદર્શ ગણાય. જો કે, આવાં સ્‍થળોની પાછી એક મર્યાદા છે. વાતાવરણમાં ઝળૂંબ્યા કરતા ભેજકણો તેમજ આકાશી વાદળો બાધારૂપ સા‌બિત થાય છે.

લદ્દાખના ચંગથાંગ પ્રદેશમાં વસેલા આન્‍લેમાં આમાંનો એકેય પ્રોબ્‍લેમ નડતો નથી. અહીં કૃ‌ત્રિમ પ્રકાશરૂપી લાઇટ દૂરસુદૂર ક્યાંય નથી. આન્‍લે વળી સમુદ્રસપાટીથી પંદરેક હજાર ફીટની ઊંચાઈએ વસેલું હોવાથી વાતાવરણની હવામાં ભેજકણો નથી. સમગ્ર લદ્દાખમાં ‌મિ‌નિમમ વરસાદ ક્યાંય પડતો હોય તો ચંગથાંગ ક્ષેત્રમાં, એટલે અહીંનું આકાશ વર્ષના ઘણાખરા ‌દિવસ વાદળો ‌વિનાનું ચોખ્ખુંચટ રહે છે. આથી જ તો આપણા ખગોળભૌ‌તિકી સંસ્‍થાને આન્‍લેમાં ‌વિરાટ કદનાં ટે‌લિસ્‍કોપનું સંકુલ ઊભું કર્યું છે—અને હવે આંતરરાષ્‍ટ્રીય ડાર્ક સ્‍કાય સંગઠને આન્‍લેને આકાશદર્શન માટેના સ્‍થળ તરીકે ઓળખાણ આપી છે.

■■■

ચાલો, સારી વાત છે. પરંતુ આન્‍લેને તે ઓળખાણ મળ્યાથી આખરે શો ફરક પડે છે?

એક ન‌હિ, બબ્‍બે રીતે ફરક પડવાનો છે. પહેલી સકારાત્‍મક અસર તો જાણે આન્‍લે તથા તેની આસપાસનાં ગામોમાં વસનારા સ્‍થા‌નિક લોકોના જીવન પર થવાની છે. ભારતનું ‌વિજ્ઞાન-ટેક્નોલો‌જિ ખાતું ત્‍યાંના રહીશોને આકાશદર્શન ‌વિશેનું પ્રે‌ક્ટિકલ જ્ઞાન આપવાનું છે. ગ્રહો, તારા, તારાગુચ્‍છ, નક્ષત્રો વગેરેની ઓળખ શી રીતે કરવી તેમજ જે તે અવકાશી ‌પિંડની ખૂબી, અજાયબી, દંતકથા શી છે તેનાથી સ્‍થા‌નિક લદ્દાખીઓને અવગત કરવામાં આવશે. આ જ્ઞાનનો લાભ સ્‍થા‌નિકો ત્‍યાર પછી ડાર્ક સ્‍કાય ‌રિઝર્વની મુલાકાતે આવનારા દેશ-દેશાવરના પર્યટકોને આપશે. બદલામાં પર્યટકો તેમને ‌નિ‌શ્ચિત મહેનતાણું ચૂકવે તેમજ તેમના ઘરોમાં હોમ-સ્‍ટેની સુ‌વિધા માણે, એટલે સ્‍થા‌નિક પ‌રિવારને થોડી આવક થાય. ટૂંકમાં, એસ્‍ટ્રોટૂ‌રિઝમ અર્થાત્ ખગોળીય પ્રવાસનની નવી ‌દિશા ટૂંક સમયમાં ખૂલી જવાની છે.

ચંગથાંગનું વાદળ ર‌હિત આકાશ ખગોળીય અભ્‍યાસ માટે આશીર્વાદ છે, તો ચાંગ્‍પા જા‌તિના સ્‍થા‌નિક લદ્દાખીઓ માટે અભિશાપ છે. વરસાદના અભાવને કારણે ચંગથાંગનો પ્રદેશ ઉજ્જડ બન્‍યો છે. અહીંની રસકસ ‌વિનાની જમીન પર ખેતપેદાશો લઈ શકાતી નથી, એટલે ચાંગ્‍પા લોકોએ પશુપાલન થકી ગુજરાન ચલાવવું પડે છે. ચંગથાંગના કુલ ત્રણ પ્રવાસો કરતી વખતે નજરે જોયું-જાણ્‍યું તેમ શાકભાજી જેવી સામાન્‍ય ગણાતી ખાદ્યસામગ્રી ત્‍યાંના લોકો માટે દુર્લભ છે. નજીકના ભ‌વિષ્‍યમાં આન્‍લે ખાતે ખગોળીય પ્રવાસનની નવી શાખા ફૂટે અને સહેલાણીઓ આકાશદર્શન માટે આન્‍લેના ડાર્ક સ્‍કાય ‌રિઝર્વ ક્ષેત્રમાં આવતા થાય તો ચાંગ્‍પા લોકો આ‌ર્થિક રીતે બે પાંદડે થઈ શકે.

■■■

હવે વાત બીજી સકારાત્‍મક અસરની, જે ભારતની નવી પેઢીના ઘડતર પર થઈ શકે તેમ છે. શાળા-કોલેજોમાં ભણતી પેઢીનું જ્ઞાન તેમજ જીવન વધુ-ઓછા અંશે પાઠ્યપુસ્‍તકનાં બે પૂંઠાં વચ્‍ચે કેદ થયેલું છે. માર્ક્સ અને ગ્રેડની ડર્બી રેસમાં તેમને અભ્‍યાસક્રમની બહારના સવાલો પૂછવાની તો ઠીક, ‌વિચારવા માટેની પણ પૂરતી મોકળાશ મળતી નથી. આકાશદર્શનની પ્રવૃ‌ત્તિ તે મોકળાશ આપે છે—અને તેય પાછી અમર્યાદ!

આનું કારણ એ કે વિષય તરીકે આકાશદર્શન (ખગોળશાસ્‍ત્ર) એવો મહાસાગર છે, જેમાં એક વાર ડૂબકી લગાવો ત્‍યાર પછી ફરી ફરીને ડાઇવ મારવાનું મન થયા કરે. દરેક ડાઇવ અગાઉ કરતાં વધુ ઊંડી હોય, એટલે વૈચા‌રિક ઊંડાણ ક્રમશઃ વધતું જાય છે. સૂર્યમાળાના ગ્રહો, તારાઓનું સર્જન-વિસર્જન, આકાશગંગાઓ, બ્‍લેક હોલ, ટાઇમ ટ્રાવેલ, બાહ્યાવકાશી ગ્રહમાળાઓ અને તેમના પર સંભ‌વિતપણે વસનારા સંભ‌વિત બાહ્યાવકાશી જીવો વગેરે ‌વિશે અવનવા સવાલોના ફુવારા મગજમાં ફૂટવા લાગે છે. દરેક સવાલ એટલો રોમાંચક હોય કે તેનો જવાબ વાંચવા-જાણવા ન મળે ત્‍યાં સુધી ચેન ન પડે એ તો ખરું, પણ જવાબ મળ્યા પછી રોમાંચની લાગણીનો નાયાગરા ધોધ મગજમાં એટલો પૂરપાટ વહેવા લાગે કે શબ્‍દોમાં તેની લાગણી વર્ણવી ન શકાય. બલકે, એની તો સ્‍વાનુભૂ‌તિ જ કરવી પડે, જે માટે રૂપેરી આભલા જ‌ડિત કાળી અાકાશી છત્રી નીચે કમ સે કમ બે રાત વીતાવવી પડે. ટે‌લિસ્‍કોપ તેમજ બાઇનોક્યૂલર વડે અંત‌રિક્ષને ફંફોસવું પડે. આકાશદર્શનના જાણકાર પાસે ખગોળીય જ્ઞાન મેળવવું પડે.

આ સોનેરી મોકો આન્‍લેનું ડાર્ક સ્‍કાય ‌રિઝર્વ લદ્દાખની મુલાકાતે જનારા પર્યટકોને આપવાનું છે. ‌દિવસભર ભૂસપાટી પર ફેલાયેલી લદ્દાખની અપાર કુદરતી સુંદરતા માણો અને રાત્રે આન્‍લેના એકાદ હોમ-સ્‍ટેમાં રોકાઈ બ્રહ્માંડની જ્ઞાનસફરે નીકળી પડો! સંભવ છે કે જ્ઞાનસફર આપણી અંદરના બ્રહ્માંડનાં પણ દર્શન કરાવે. સંભવ છે કે ત્‍યારે સ્‍વામી ‌વિવેકાનંદના પેલા વાક્યનો ભાવાર્થ સમજાય. વાક્ય આમ છેઃ બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલેથી જ આપણી ભીતર છે. આપણે જ આંખ સામે હાથ મૂકીને રડીએ છીએ કે (સર્વત્ર) અંધકાર છે.■

City News

Sports

RECENT NEWS