For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માણસે પાળવા જેવી 9 પ્રતિજ્ઞાઓ .

Updated: Jan 13th, 2024

માણસે પાળવા જેવી 9 પ્રતિજ્ઞાઓ                    .

- એક જ દે ચિનગારી-શશિન્

- જીવન એ ઇશ્વરનું વરદાન છે અને ઇશ્વરનાં વરદાન સુંદર હોય છે ચમત્કારિક હોય છે દૈવી હોય છે. આ જીવનનો હેતુ તમને ઊંડા ગૂઢ જીવન સાથે સાંકળવાનો છે...

'ન વું' અને 'જૂનું' શબ્દો તો કાળગ્રસ્ત છે. આજ એ કાલે ભૂતકાળ બની જાય છે. જ્યારે આપણે નૂતન વર્ષ કે નવું વર્ષ કહીએ છીએ તે તો કાળના મહાસાગરની એક લહેર છે. વર્ષ તમને, મને, આપણને નૂતન વર્ષ કે નવું વર્ષ કહીએ છીએ તે તો કાળના મહાસાગરની એક લહેર છે. વર્ષ તમને, મને, આપણને પૂછે છે મારી વાત છોડો, હું નવું છું એમ તમે કહો છો પણ તમે નવા થયા ખરા ? નવું વર્ષ દિમાગને ખાલી કરવાનું વર્ષ, ઇર્ષ્યા - દ્વેષના પોપડા ઉખેડવાનું વર્ષ, મનમાં પડેલા કુવિચારોના કાટમાળને મનવટો આપવાનું વર્ષ. અંત:કરણની શુધ્ધિ અને સદબુધ્ધિની વૃદ્ધિનું વર્ષ. આત્મકેન્દ્રિતા છોડી વિશ્વબંધુત્વ અને વિશ્વકલ્યાણના ચિંતન માટેનું વર્ષ સદચિંતન એ આત્માના આંગણામાં પડેલો કચરો વાળી ઝૂડી દૂર કરવાની સાવરણી છે. નવું વર્ષ એટલે પ્રેમનું વર્ષ, લાગણીનું વર્ષ, આત્મસુધારણાનું વર્ષ. નવા વર્ષને ખ્રિસ્તી કેલેંડર સાથે જોડીએ ત્યારે ઇસા મસીહનું આપણે સ્મરણ કરીએ છીએ ખરા ? ગિરિપ્રવચનો આપણને યાદ આવે છે ખરાં ? ઇસુ કહેતા : પ્રિય બંધુઓ આપણે પરસ્પર પ્રેમ દાખવવો જોઇએ. કેમ કે પ્રેમ એ પરમાત્માનો અંશ છે અને પરમાત્માને તે ઓળખે છે. ઇસુની વાણીમાં માનવ કલ્યાણનો મહામૂલો સંદેશ છે. આજે જ્યારે જગતમાં વેર, હિંસા, વૈમનસ્યનું વાતાવરણ વાયુવેગે ફેલાઈ રહ્યું છે. પ્રદેશ વિસ્તાર, ધનેષણા, અને સત્તાની ભૂખને કારણએ વિશ્વના વિવિધ દેશો સાથે બોમ્બમારો કરતાં અચકાતાં નથી. ત્યારે ઇસુ ખ્રિસ્તની પ્રેમ, ક્ષમા અને નૈતિક મૂલ્યોની ભાવનાભરી વાણી અશાન્તિની આગને ઠારી શકે છે. જગતને શસ્ત્ર સન્યાસનો પાઠ શીખવી વસુધૈવ કુટુબકમનો આદર્શ મૂર્તિમંત કરવામાં સહાયભૂત થઇ શકે છે કે એક પિતા પ્રભુ આપણો, એક જ સૌ સંતાન.

વર્ષ શબ્દ વર્ષા પરથી આવેલો છે. ભગવદ્ગો મંડળ મુજબ એક વાર વર્ષા ઋતુ આવી હોય ત્યાંથી શરુ કરીને ફરીથી તેની તે ઋતુ આવે ત્યાં સુધીનો કાળ એટલે વર્ષ. વર્ષકાળના પાંચ ભેદ ગણવામાં આવ્યા છે : સંવત્સર, પરિવત્સર, ઇડાવત્સર, અનુવત્સર અને પૃથ્વી સૂર્યની એક પ્રદક્ષિણા તેટલા સમયને વત્સર કહેવામાં આવે છે. ચંદ્રની ગતિ પરથી ગણતરી કરી જે વર્ષ નક્કી થાય છે તે ચંદ્ર વર્ષ અને સૂર્યની ગતિ ઉપરથી ગણતરી કરી જે વર્ષ થાય છે તેને સૌર વર્ષ કહેવામાં આવે છે. ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષમાં દર વર્ષે ૧૦ દિવસ અને ૨૧ કલાકનો તફાવત આવે છે. હિંદુ પંચાંગમાં દર ત્રીજું વર્ષ ૧૩ મહિનાનું બનાવીને તફાવત દૂર કરવામાં આવે છે. વધારાના આ માસને અધિક માસ કે મલમાસ કહેવામાં આવે છે. જુદી જુદી પ્રજાનું નવું વર્ષ જુદી જુદી તારીખે શરૂ થાય છે. ચીનનું નવું વર્ષ ૧૮મી ફેબુ્રઆરી, ઇરાનનું ૨૧મી માર્ચ, યહૂદીઓનું સપ્ટેમ્બર તારીખ ૧૦ અને મુસલમાનોનું એપ્રિલ ૧૬મી શરૂ થતું મનાય છે. આ ઉપરાંત વિક્રમ સંવત્સર અને શક સંવત પણ જાણીતા છે. મુસલમાનોનું હિજરી વર્ષ ૩૫૪ દિવસનું પારસીઓનું ૩૬૫ દિવસનું, ખ્રિસ્તીઓનું સુધારાને પાત્ર ૩૬૫ દિવસનું અને વિશ્વ પંચાંગ સંસાનું સુધારાને પાત્ર ૩૬૫ દિવસનું. એમ વિવિધ પ્રકારનાં વર્ષો અને તેના દિવસો પ્રચારમાં છે. પ્રસન્નિકા કોશ મુજબ વર્ષના આધાર માટે સૂર્યની પૃથ્વી પ્રદક્ષિણા કરે તેટલા સમયને વર્ષ કહેવું એમ એવું ઠરાવવામાં આવ્યું પણ પછી ભારે મૂંઝવણ ઉભી થઇ કે પૃથ્વીને કઈ પ્રદક્ષિણાનો સમય લેવો ? પૃથ્વી પ્રદક્ષિણા કરતાં સૂર્યની નિકટ દૂર થાય છે. પૃથ્વી પરથી સૂર્ય સૌથી દૂરના બિંદુએ હોય તેને ઉચ્ચનો અને નિકટના બિંદુએ હોય તેને નીચનો કહે છે. એક વારનો ઉચ્ચનો સૂર્ય કરી ઉચ્ચ બિંદુએ આવે તેને એક વર્ષ કહીએ તો તેમાં પૃથ્વીના ૩૬૫.૨૫૯૬૪ દિવસ થાય છે. આને ઔચ્ચિક આકાશમાં સ્થિર તારાને આરંભબિંદુ ગણીએ તો તેમાં ૩૬૫.૨૫૬ દિવસ થાય આને નક્ષત્ર વર્ષ કહે છે. વિષુવૃત્તથી સાયન વર્ષ કહે છે તેમાં ૩૬૫.૨૪૨૨ દિવસ લાગે છે. ભારતે ચાંદ્રસૌર વર્ષની શોધ કરી જે વિશ્વની અનુપમ ભેટ ગણાય છે.

આજનું જીવન યાંત્રિક બની ગયું છે. બહુમાળી મકાનો કે અલાયદા ભવ્ય બંગલાઓમાં વસતા લોકો એક બીજાને નામ માત્રથી ઓળખે છે. આત્મીયતાની ઓટ આવી છે. ઘરમાં પણ માણસો ઉપર નીચેના માળમાં રહેતાં હોય તો મોટાભાગનો વ્યવહાર મોબાઈલ ફોન દ્વારા ચલાવે છે. સમય બદલાયો છે. કોઈ કોઇને ત્યાં રૂબરૂ શુભેચ્છા પાઠવવાને બદલે વ્હોટ્સ એપ દ્વારા ટૂંકાને ટચ સંદેશા ગણ્યા ગાંઠયા શબ્દોમાં પાઠવે છે. 'નમસ્તે'નું સ્થાન હલ્લો હાયે લઇ લીધું છે. 'આવજો'નું સ્થાન ગુડબાયે લઇ લીધું છે. બાળકો પણ મા-બાપના વર્તનમાંથી પ્રેરણા લઇ વડીલોને પ્રણામ કરવાને બદલે શેકહેન્ડ કરતાં થઇ ગયાં છે.

વર્ષ શબ્દ જો વરસાદ કે વર્ષા પરથી બન્યો હોય તો આપણે સાચા અર્થમાં પ્રેમ અને ક્ષમા તથા સહિષ્ણુતાની લાગણી દર્શાવીએ છીએ ખરા ? કેલવરી નામની ટેકરી પર ઇસુને આરોહણ કરાવી ખીલા ઠોકી શહીદ કરવામાં આવ્યા તેમ છતાં આ કરુણામૂર્તિ મહામાનવે પ્રાર્થનામાં કહ્યું : 'હે પ્રભુ ! તારી ઇચ્છા મુજબ થજો, મારી નહીં. તેઓ શું કરે છે તેની તેમને ખબર નથી એમને માફ કરજે.' આજનો માનવ અને આજના વિશ્વના દેશો આવી ઉદાત્ત ભાવના હૃદયમાં ધરાવે છે ખરા ? વર્ષ વિશ્વનું ભાવિ લોહિયાળ કલમે લખવા માટે નથી આવતું, વિશ્વનું ભાવિ સોનેરી કલમે લખવા આવે છે. પણ માનવજાતની સ્વાર્થ વૃધ્ધિ, દુર્બુધ્ધિ અને અહંકાર વર્ષ પાસેથી કલમ છીનવી લઇને વર્ષનું ભાગ્ય લેખન જાતે જ કરે છે અને વર્ષ ખરાબ નીવડયાની ફરિયાદ કરે છે. માણસે પ્રકૃતિ પાસેથી તેની પ્રાકૃતિકતા છીનવી લીધી છે. પ્રકૃતિ સાથે ચેડાં કરી મનમોજી પ્રયોગ કર્યા છે. વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે. નદીઓનાં જળને દૂષિત કર્યાં છે અને છતાંય માણસ વિશ્વની દુર્દશા માટે જે તે વર્ષને લજવે છે. વર્ષ દરમ્યાન થતાં રેલવે કે આકાશ માર્ગો પરથી થતા અકસ્માતો માટે વર્ષ કારણભૂત નથી પણ એક યા બીજા કારણે માણસની બેદરકારી, ઉધ્ધતાઈ અને એકાગ્રતાનો અભાવ જ કામ કરતો હોય છે. વર્ષ પોકારી-પોકારીને કહે છે કે માનવજાતિ તું સુધર નહીં તો તારી ખેર નથી ! ઋતુ ચક્ર સાથે તેં મનમાન્યું કર્યું છે એટલે ઋતુઓ પણ વિફરી છે. વર્ષાઋતુ ચોમાસામાં જ વરસે એવું નથી રહ્યું પણ બાર મહિનામાં ગમે ત્યારે વરસી માણસે વાતાવરણને પ્રદૂષિત કર્યાનો આક્રોશ વ્યક્ત કરે છે.

ગિરિપ્રવચનમાં ઉચિત જ કહેવામાં આવ્યું છે કે તું વણનોતર્યો કાજી ન બનીશ. પ્રથમ તું તારા પાપનું નિવારણ કર અને નિર્દોષ બન એ પછી ? 'માગો અને તમને આપવામાં આવશે. શોધો તો તે તમને મળશે. ટકોરા મારો તો બારણાં ઉઘડશે. તમારા સહુની બુધ્ધિ એક સરખી ચાલે, સૌના દિલમાં દયા હોય નમ્રતા હોય, સૌ એક મેકનું ભલું ઇચ્છે, દિલ સહુના મળેલાં હોય, સૌ એકમેકની સાથે શાન્તિથી રહે. બોલો, નવા વર્ષને તમે આવી ભેટ આપી શકશો ? માણસના મનની ક્ષુદ્રતા જ એને અને એના વર્તનને કંગાળ બનાવે છે. માણસના 'ઝરૂખે દીવા' બળે છે અને માણસ પ્રકાશવંચિત હોવાની ફરિયાદ કરે છે એથી વધુ બીજી કરુણતા શી હોઈ શકે ?'

સાધુ ટી.એલ. વાસવાણીના શબ્દો યાદ કરીએ 'જીવન એ ઇશ્વરનું વરદાન છે અને ઇશ્વરનાં વરદાન સુંદર હોય છે ચમત્કારિક હોય છે દૈવી હોય છે. આ જીવનનો હેતુ તમને ઊંડા ગૂઢ જીવન સાથે સાંકળવાનો છે. એ તમારા હાથમાં છે. તમારી અંદર વધુને વધુ ઊંડા ઉતરો, અંતમાં તમને પ્રેમ મળશે. પ્રેમ જીવનના કેન્દ્રમાં છે - પ્રેમ અને ઉદ્દેશપૂર્ણતા જીવન એક મિશન છે તમારા જીવનનું મિશન પ્રેમને પ્રતિબિમ્બિત કરવાનું છે.' નવા વર્ષે માણસે કરવા જેવી નવ પ્રતિજ્ઞાઓ કઇ ?

૧. હું ઘમંડી નહીં પણ નમ્ર અને નિર્મળ બનીશ. મારા ચારિત્ર્યને ઉજ્જવળ બનાવીશ.

૨. મારામાં સદગુણો વિકસાવી જગતને તેનું દાન કરીશ. સત્યનિષ્ઠ રહીશ.

૩. સમાજ અને દેશ-દુનિયાનાં મારા પર અનેક ઋણો છે. જગતને તે ઋણ ચૂકવી આપવા 'જન' નહીં પણ સજ્જન બનીશ. દેશને વફાદાર રહીશ.

૪. જગતની સર્વ સમસ્યાઓનું મૂળ પ્રેમનો અભાવ અને આત્મકેન્દ્રિતા છે. હું જગત પ્રત્યે પ્રેમાળ અને ઇર્ષ્યારહિત બનીશ.

૫. ક્ષમા અને સહિષ્ણુતા અપનાવી દુશ્મનનું પણ ભલું વાંછિશ.

૬. હિંસા, હત્યા, દુરાચાર દ્વારા આ જગતનો ચહેરો કદરૂપો ન બને તેવી જવાબદારી અદા કરીશ.

૭. મારામાં ભલે દેવત્વ ન પ્રગટે પણ સાચુકલો ઇન્સાન બનવાનો પ્રયત્ન કરીશ.

૮. જાતિ-જ્ઞાતિ, વર્ણ, ધર્મ કે સંપ્રદાયોના ભેદને ધ્યાનમાં લીધા સિવાય સહુ સાથે સુમેળ ભર્યું અને સન્માનપૂર્ણ વર્તન દાખવીશ.

૯. હું મારો નાગરિક ધર્મ શ્રેષ્ઠ રીતે પાળીશ. દેશના કાયદા કાનૂનોને અવગણીશ નહીં. હું મતદાતા તરીકેનું મારું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક અદા કરીશ અને મતદાન કરવાનું ટાળીશ નહીં.

Gujarat