For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નવા વર્ષને આ છ ભેટ આપીને ખુશહાલ બનાવો

Updated: Jan 6th, 2024

નવા વર્ષને આ છ ભેટ આપીને ખુશહાલ બનાવો

- એક જ દે ચિનગારી-શશિન્

- ઈસુએ સમજાવ્યું કે કોઈની હત્યા કે ખૂન કરવું એ ગુનો છે પણ કોઈ બીજા પર વિના કારણ ક્રોધ કરવો કે તેને ખોટા શબ્દો સંભળાવવા એ પણ પ્રભુ સમક્ષ દોષિત થશે

યુ ગયુગાંતરોમાં માનવજાતિને સન્માર્ગે વાળવાને પ્રબોધવા મહામાનવોએ જન્મ ધારણ કર્યો છે. શ્રીમદ્ ભગવદ્ગીતાએ તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ધર્મની ગ્લાનિ થાય ત્યારે ધર્મના અભ્યત્થાન માટે તથા સજ્જનોના રક્ષણ માટે તથા દુર્જનોના વિનાશ માટે હું (પરમાત્મા) જન્મ ધારણ કરું છું. રામ હોય કે કૃષ્ણ મહાવીર હોય કે તથાગત બુદ્ધ, ઓશો હોય કે ઈસા મસીહ એમના જીવનનું રહસ્ય જગસુધારણા જ હતું.

''હિંસાની ઘેરતી રાતો

વ્યાપે છે વિશ્વના પટે

રામકૃષ્ણ, ઈસુ, બુદ્ધ

અષો મહાવીર જન્મે છે

વિશ્વના પટે.''

ડિસેમ્બરના છેલ્લાં દિવસો અને જાન્યુઆરીના શરૂઆતના દિવસો એટલે એટલે પ્રેમાળ, ક્ષમામૂર્તિ, ત્યાગ અને બલિદાનની સાકાર પ્રતિમા ઈસા મસીહની સ્મૃતિનું મહાપર્વ. ડિસેમ્બરના છેલ્લાં સપ્તાહમાં નાતાલ ઉજવાય છે ને એ પછી નવી આશા સાથે નવું વર્ષ શરૂ થાય છે. 

આ નવું વર્ષ ખ્રિસ્તી નવું વર્ષ ગણાય છે, પરંતુ હવે તો દુનિયાભરમાં એની ઉજવણી થાય છે. ખ્રિસ્તી ધર્મને ક્રિશ્ચિયન ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધર્મના સ્થાપક જીસસ ક્રાઈસ્ટ (ઈસા મસીહ) છે. જીસસે માનવ જાતિને ઈશ્વર પ્રેમ અને માનવપ્રેમ તથા કરૂણા અને ક્ષમાનો સંદેશો આપ્યો કે જે મનુષ્યને ખરા હૃદયથી ચાહે છે ઈશ્વર તેને પ્રેમ કરે છે. ઈશ્વર એક દયાળુ પિતા સમાન છે. ઈસુએ પોતે ઈશ્વરના પ્રેમાળ સ્વરૂપને અભિવ્યક્ત કરી એમને ત્રાસ ગુજારનારને દંડ કરવાની ઈશ્વરને પ્રાર્થના કરવાને બદલે ક્ષમા આપવા વિનંતી કરી. ઈસુના ઉપદેશમાં માનવજાતિ માટે એક નવીન સંદેશ અને પ્રેરણા છે. ઈસુની વાણીમાં સરળતા અને નિરાડંબરતા છે. એમણે કહ્યું કે ''એક પિતા પ્રભુ આપણો એક જ સહુ સંતાન'' ઈસુની વાણીની અભિવંદના કરતાં સી. એફ. એન્ડ્રુઝ લખે છે : ''એમની વાણીએ લાખો માનવીનાં હૃદય હચમચાવી મૂક્યાં છે. પ્રત્યેક યુગે તેમની વાણીની સ્મૃતિ તાજી રાખી છે. આ વાણી માનવ જાતિની મહામૂલી સંપત્તિ છે.'' ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ ટૂંકમાં સ્મરીએ તો:

૧. પ્રભુનું રાજય અને પવિત્રતાનો સંદેશ, અહિંસા અને માનવસેવાનો સંદેશ

૨. પશ્ચાતાપ અને ક્ષમાનો સંદેશ

૩. પડોશીધર્મ અને અપરિગ્રહનો સંદેશ

૪. આત્મનિરીક્ષણ મન:શુદ્ધિ અને પ્રભુમાં અખૂટ વિશ્વાસનો સંદેશ

૫. નમ્રતા, ગરીબી અને સાદગીનો સંદેશ. ઈશ્વરના પ્રેમાળ પિતૃત્વનો સંદેશ

૬. ચારિત્ર્ય શુદ્ધિ, આડંબરહીનતા તથા મન-કર્મના સંબંધ અને સંયમનો સિદ્ધાંત આ સારસંક્ષેપ છે, આખરી અને સંપૂર્ણ યાદી નથી. ઈસુ ખ્રિસ્ત કહે છે.

''પ્રિય બંધુઓ! આપણે પરસ્પર પ્રેમ દાખવવો જોઈએ કેમ કે પ્રેમ એ પરમાત્માની ભેટ છે તેથી જ જે કોઈ પ્રેમ કરે છે તે પરમાત્માનો અંશ છે અને પરમાત્માને ઓળખે છે. ઈસુને પરમાત્માની કૃપામાં અગાધ વિશ્વાસ છે તેમના શબ્દોમાં માગો : અને તમને આપવામાં આવશે. શોધો : તો તે તમને મળશે. ટકોરો મારો તો બારણાં ઉઘડશે. નથી કોઈ ગુલામ કે નથી કોઈ આઝાદ. સૌ એકમેકનું ભલું ઈચ્છે, દિલ સહુનાં મળેલાં હોય, સૌ એક-મેકની સાથે શાન્તિથી રહે.'' એમની ઉપર ન્યાયના નાટક રૂપે મુકદ્દમો ચલાવી ગવર્નરે પૂજારીઓના દબાણને વશ થઈ ઈસુને દેહાંતદંડની સજા ફરમાવી અને ''કેલવરી'' નામની ટેકરી ઉપર ઈસુને આરોહણ કરાવી શહીદ કરવામાં આવ્યા ત્યારે આ મહામાનવે એટલું જ કહ્યું: ''હે પ્રભુ! તારી ઈચ્છા યજો, મારી નહીં. તેઓ શું કરે છે તેની તેને ખબર નથી એમને માફ કરજે.'' આવી ક્ષમાશીલ વાણી નિર્મળ, નિષ્કપટ અને વિનમ્ર ઈસુ મસીહ જ ઉચ્ચારી શકે. ઈસુને યાદ કરતાં એમ જ કહી શકાય -

''ખીલા ખાઈ અરિજન તણા,

સ્વર્ગ વાટે ગયો તું

તોયે તારાં અમર વચનો,

વિશ્વમાં ગૂંજતાં છે.''

ઈસુનો મહાન સંદેશનો સન્ ૩૨૬થી ૧૦૫૪ સુધી યુરોપમાં ફેલાવો થયો અને તેને રાજધર્મવત્ આદર સાંપડયો. ખ્રિસ્તી ધર્મ નીતિપ્રધાન છે. નિસ્વાર્થ ભાવસે દુ:ખી-પીડિત લોકોની સેવા દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. પ્રેમ, સેવા, ક્ષમા, નમ્રતા, નિરાડંબરતા અને ઈશ્વરમાં શ્રદ્ધા દ્વારા જ પરમાત્માના રાજયની પ્રતીતિ થઈ શકે છે. પીડાને પરમાત્માનો પુરસ્કાર માનનાર ઈસુની અંતિમ ક્ષણોનું આંસૂ કાળની કરુણતાનું મોતી હશે જે સમયની સપાટી પર થીજીને અમર મોતી બની ગયું છે. ઈસુનો ઉપદેશ ગુમરાહ બનતા માનવજીવન માટે દિવ્ય સંદેશ છે. ઈસુની વાણી માનવજાતિ જીવનમાં ઉતારી શકે તો વેર દુશ્મની અને યુદ્ધની શક્યતા સમાપ્ત થઈ જાય. ઈસા મસીહે પોતાના બાર શિષ્યોને દીક્ષિત બનાવ્યા બાદ એક દિવસ પર્વત ઉપર જે ઉપદેશ આપ્યો તે 'ગિરિપ્રવચન' અથવા 'સરમાન ઓન માઉન્ટ' કહેવામાં આવે છે. ઈસુની આ બોધવાણી ભાવપૂર્ણ સરળ છતાં ગાંભીર્યયુક્ત ઉપદેશથી પાવન છે. મહાત્મા ગાંધી આ વાણીથી અત્યંત પ્રભાવિત થયા હતા. એમણે કહ્યું : ''ઈસુનું ગિરિપ્રવચન બાઈબલની નિર્મળ અને ઉદાત્તમાં ઉદાત્ત વસ્તુ છે. તેમાં જે ઉપદેશ છે. જે જીવનસંદેશ તે મને પણ બહુ માન્ય લાગે છે.''

ઈસુએ યહુદી ધર્મની દસ આજ્ઞાઓ માન્ય ગણી પણ તેનું રહસ્ય આગવી રીતે સમજાવ્યું.

'ગિરિપ્રવચનો'માં અને તેમાં સમજાવવામાં આવેલું દશ આજ્ઞાઓનું રહસ્ય :

૧. ઈસુએ ભગવાનને કડક ન્યાયાધીશને બદલે પ્રેમાળ પિતા પિતા તરીકે ઓળખાવ્યા. એ એક જ પરમ પિતાનાં આપણે સહુ સંતાનો છીએ.

૨. ઈસુએ સમજાવ્યું કે કોઈની હત્યા કે ખૂન કરવું એ ગુનો છે પણ કોઈ બીજા પર વિના કારણ ક્રોધ કરવો કે તેને ખોટા શબ્દો સંભળાવવા એ પણ પ્રભુ સમક્ષ દોષિત થશે.

૩. જૂની આજ્ઞા પ્રમાણે તું વ્યભિચાર કરીશ નહીં પણ કોઈ પણ પુરુષ બીજાની સ્ત્રીને ખરાબ નજરે જુએ તે પોતાના મનમાં વ્યભિચાર જ કરે છે. કોઈ પણ પુરુષ અભિવ્યભિચારીણી ન હોય તેવી પત્નીને છૂટાછેડા આપે તો પાપનો ભાગીદાર બને છે.

૪. ઈસુએ કહ્યું તું ઈશ્વરના નામના અથવા તો જેરૂસલેમ જેવા પવિત્ર સ્થળના સોગંદ ન ખાતો. તારે સાદી, સત્ય અને સરળ વાણી બોલવી જોઈએ.

૫. જે તને ધિક્કારે- દુશ્મન ગણે તેને પણ ચાહજે. તારા પડોશીને પણ તારી જાત જેટલો પ્રેમ રાખજે.

૬. ઈસુએ અવેરનો ઉપદેશ આપતાં કહ્યું કે તું તારા દુશ્મનનો સામનો ન કરતો. જો કોઈ તારા ગાલ પર એક તમાચો મારે તો બીજો ગાલ સામે ધરજે.

૭. તમે તમારા સુકાર્યો વિશે આડંબર કરશો નહીં. પ્રાર્થના, દાન અને વિશ્વાસ ઈશ્વરની પ્રસન્નતા માટે છે. તેને ગુપ્ત રાખજે. જમણો હાથ જે દાન આપે તેની ડાબા હાથને ખબર ન પડે એ રીતે વર્તજો.

૮. દીન-દુખિયાની સેવા કરવી એ જ આપણો જીવનમંત્ર હોવો જોઈએ. જનસેવા એજ પ્રભુસેવા છે.

૯. દિવસની પ્રવૃત્તિ પછી તમે સાતમો દિવસ તમે નિવૃત્તિમાં ગાળજો. અને છ દિવસ તમારાથી ભૂલો થઈ ગઈ હોય તે તપાસજો. કારણ સિવાય પારકાની પંચાતમાં પડશો નહીં. અન્યના દોષ જોવા કરતાં પહેલાં પોતાની જાતને પહેલી તપાસજે. વગર નીમ્યો ન્યાયાધીશ બનીશ નહીં.

૧૦. સ્વર્ગ કે ઈશ્વરનું રાજય તે માનવીના હૃદયમાં જ છે.

નવું વર્ષ દિવસો ગણવા માટે નહીં પણ જીવનમાં વપરાએલી પવિત્ર કાર્યોની ક્ષણોની યાદો માટે છે. નવા વર્ષને તમે કઈ છ ભેટો આપશો?

૧. પવિત્રતા, નેકી, સદાચાર અને પ્રેમ તથા સેવા.

૨. કોઈની કુથલી કે નિંદા કરશો નહીં. તમારું બૂરું કરનારને પણ ક્ષમા આપજો.

૩. તમારી આવકમાંથી અનુકૂળ હિસ્સો ગુપ્તદાન તરીકે આપજો.

૪. પારકી પંચાતમાં પડશો નહીં. વગર નીમ્યા ન્યાયાધીશ બનજો નહીં.

૫. ઈશ્વર કે તમારા આરાધ્યને ક્રૂર સજાકર્તા માનશો નહીં. તે પ્રેમાળ પિતા છે.

૬. તમારી પત્ની, પરિવાર, મિત્ર અને સમગ્ર વિશ્વને ઈજ્જત, લાગણી અને માનવતાપૂર્ણ વ્યવહારની ભેટ આપજો.

Gujarat