Ravi Purti
નજર ન લાગે તે માટે લોકો ગાડીઓમાં ચુંદડી, દરવાજા પર લીંબુ-મરચા બાંધે છે, તો મોબાઇલ પર કેમ કશુ નથી બાંધતા?
By GS Team
8 Aug 20262 mins read

સ્કવેર કટ-અધીર અમદાવાદી
= નજર ન લાગે તે માટે લોકો ગાડીઓમાં ચુંદડી, દરવાજા પર લીંબુ-મરચા બાંધે છે, તો મોબાઇલ પર કેમ કશુ નથી બાંધતા?
- મુકેશકુમાર જે. ખત્રી, અમદાવાદ
- હોય, હું મોબાઇલમાં લીંબુ-મરચાંનો ફોટો રાખું છું.
= પત્નીને (પોતાની) સમજવી આટલી અઘરી કેમ હોય છે? - કૌશલ પંડયા, અમદાવાદ
- એ કૌશલ્ય બધામાં નથી હોતું.
= મેહોણા (મહેસાણા) વિશે તમે શું કહેશો?? - નિકુંજકુમાર પૂનમચંદ વાણિયા, મહેસાણા
- ચ્યમ લ્યા? મોંમાની પરીક્ષા લે છ?
= હલકુ લોહી હવાલદારનું આ કહેવત ક્યારથી પડી? - એ. કે ગોસર, વાંકાનેર
- હવાલદાર સાથે કોક સાહિત્યકારને વાંકું પડયું હશે.
= પુરુષોના હાથરૂમાલ મોટા અને સ્ત્રીના નાના એનું શું કારણ? - ચંદ્રેશ કે. મહેતા, ભરૂચ
- સાડી-દુપટ્ટામાં વધારે વાપરે એ સરભર કરવા.
= જીવનનો ઘાટ કેવી રીતે બદલાય? - પ્રકાશભાઇ મકવાણા, રાજકોટ
- ઘાટ ઘાટના પાણી પીવાથી.
= કોઈ કહે છે સિંહ બચાવો, કોઈ કહે છે માનવજિંદગી બચાવો; તમે શું કહેશો? - કનુભાઈ પરમાર, દામનગર
- અત્યારે તો છોકરાઓ બચાવો.
= શું તમને સ્ક્વેર કટ મૂકી ફૂટબોલ તરફ ધ્યાન આપવાની ઈચ્છા નથી થતી? - જય સોની, વડોદરા
- એક મેચમાં જેટલી સ્ક્વેર કટ વાગે એટલા ગોલ ના થાય.
= પત્ની અને વરસાદમાં શું સમાનતા છે? - શશિકાંત જીવનદાસ દેસલે, સનિયા કણદે, સુરત
- બંને હાઇડ્રોપાવર છે.
= કાર લેવી કે નાવડી લેવી? - હંસાબેન ભરુચા, વિરાર
- જેનું લાઇસન્સ હોય એ.
= પાણીપુરી પર જીએસટી હોય તો કેટલું કલેક્શન થાય? - અર્પણ જાની, અમદાવાદ
- પાકિસ્તાનના જીડીપી જેટલું.
= પત્ની ફૂંફાડા મારતી હોય તો શું કરાય? - નરેશભાઈ બી. પરમાર, ભરૂચ
- આ માવો ખાવા જવાનો રિવાજ ક્યાંથી આવ્યો ખબર છે?
= લગ્નના વીસ વરસ પછી પત્ની મેરેજ સર્ટિફિકેટ ધ્યાનથી જોતી હોય તો શું સમજવું? - સંજય ત્રિવેદી, અમદાવાદ
- એ મેરેજની એક્સપાયરી ડેટ શોધતી હશે.
= તમને સવાલના બદલે રસ 'માધુરી' મોકલું તો ચાલે? - શિવમ વી. યાજ્ઞિાક, રાજકોટ
- તો મને એમાં વધુ રસ પડે.
= 'જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે----? પૂરું કરો. - યશપાલસિંહ ટી. વાઘેલા, થરા (બનાસકાંઠા)
- ઉઘરાણીવાળા.
= વરસાદમાં કોઈ લેડીઝનું બંધ એકટીવા ચાલુ કરી આપીએ તે કઈ સેવા કહેવાય? - મહાસુખ દરજી, અમદાવાદ
- પુરુષોની હાય લાગે તેવી સેવા.
= અમદાવાદમાં દીપડો આવ્યો હવે? - અમૃત સોલંકી, બોટાદ
- હવે દીપડામાં અમદાવાદ આવશે. રૂકો જરા.
= અત્યારે ખોરાકમાં ભેળસેળ ખૂબ ચાલે છે તો ભેળ ખવાય કે નહીં ? - મિત હાથી, વડોદરા
- સેળ છૂટી પાડીને ખવાય.
= શોલેમાં ધર્મેન્દ્રને પાણીની ટાંકી પર કોણે ચઢાવ્યો? - ચિરાગ પંચાલ, મધવાસ (લુણાવાડા)
- દારૂએ.
= દક્ષિણ ભારતમાં લુંગી કેટલી ઊંચી છે એનાથી ખબર પડે કે ગરમી કેવી છે, ગુજરાતમાં શું જોવાથી ખબર પડે કે કેટલો વરસાદ છે? - હરેશ લાલવાણી, અમદાવાદ
- કેટલા બાઇક ચલાવીને જાય છે ને કેટલા ખેંચીને, એ પરથી.




