Ravi Purti

સત્તાપરિવર્તનના ઝંઝાવાત વચ્ચે રાષ્ટ્રગીત!

By GS Team
8 Aug 20266 mins read
સત્તાપરિવર્તનના ઝંઝાવાત વચ્ચે રાષ્ટ્રગીત!
  • પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
  • જુદા જુદા દેશોનાં રાષ્ટ્રગીતોનો અભ્યાસ કરીએ, ત્યારે ખ્યાલ આવે કે ઘણા દેશોમાં મોટેભાગે સત્તા પરિવર્તનની સાથોસાથ રાષ્ટ્રગીતનું પણ પરિવર્તન થતું હોય છે

૧૯ ૫૦ની ૨૪મી જાન્યુઆરીએ ભારતની બંધારણસભાએ એના અધિકૃત રાષ્ટ્રગાન તરીકે 'જન ગણ મન'નો સ્વીકાર કર્યો, પરંતુ ત્યારબાદ ભારત સરકારે 'વંદે માતરમ્'ને 'જન ગણ મન' જેટલું જ સમાન કાનૂની રક્ષણ આપ્યું અને લોકસભા અને રાજ્યસભામાં નવું વિધેયક પસાર કર્યું, આ અંગે વિપક્ષ દ્વારા ઘણા વિવાદો ઊભા કરવામાં આવ્યા હતા.
૧૯૪૭ની મધ્યરાત્રિએ બાર વાગે ભારતને આઝાદી મળી. ભારતીય બંધારણીય સભાના એ ઐતિહાસિક સત્રની શરૂઆત 'વંદે માતરમ્' સાથે થઈ હતી અને એની પૂર્ણાહૂતિ 'જન ગણ મન' સાથે થયેલી. વંદે માતરમે આઝાદીના આંદોલન સમયે ભારતના પ્રજાજીવનમાં એક જુસ્સો જગાવ્યો હતો અને એ પછી જન ગણ મન રાષ્ટ્રગાન તરીકે સ્વીકારતા ઘણા લાંબા સમયથી માંગ હતી કે બંનેને સમાન દરજ્જો અને માન મળે.
જોકે જુદા જુદા દેશોનાં રાષ્ટ્રગીતોનો અભ્યાસ કરીએ, ત્યારે ખ્યાલ આવે કે ઘણા દેશોમાં મોટેભાગે સત્તા પરિવર્તનની સાથોસાથ રાષ્ટ્રગીતનું પણ પરિવર્તન થતું હોય છે. કંબોડિયામાં સામ્યવાદી શાસન આવતા જે રાષ્ટ્રગીત ૧૯૭૫માં ગવાતું હતું, તે ૧૯૯૩માં બદલાઈ ગયું. એ પછી ત્યાં બંધારણીય રાજાશાહી આવતા એ ગીતનો પ્રારંભ જ એનાથી થાય છે કે, 'ઈશ્વર અમારા રાજાનું રક્ષણ કરે.'
આ રાષ્ટ્રગીતોની રચના એ પણ દરેક દેશો માટે પડકારરૂપ બની છે. ક્યારેક કોઈ પરંપરાગત રાષ્ટ્રગીતને આદર આપવાનો વિચાર કરે, તો ક્યારેક કોઈ રાષ્ટ્રના નવા સ્વપ્નો દર્શાવતું રાષ્ટ્રગીત પસંદ કરે. વળી કોઈને પહેલાનું સંગીત પસંદ કરે તો અન્યને કોઈ સંગીતની નવી તરજો આપવાનું ગમે. આમ આશ્ચર્યની વાત એ છે કે લગભગ દરેક દેશના રાષ્ટ્રગીતો એ પરિવર્તનની સાથોસાથ વિવાદોમાં ડૂબેલા રહ્યા છે.
વિશ્વના રાષ્ટ્રગીતનું વૈવિધ્ય એટલું બધું છે કે એમાં લોકસંગીતનાં સૂરોથી માંડીને ધાર્મિક પ્રશસ્તિ સુધીનાં રાષ્ટ્રગીતો મળે છે. કેટલાંક રાષ્ટ્રગીતોમાં દેશભક્તિનું ગાન હોય છે, તો કેટલાકમાં વિજય માટે કરેલું કૂચગીત આલેખાયેલું હોય છે. કોઈ દેશ પોતાની મહત્ત્વની ઐતિહાસિક ઘટનાને રાષ્ટ્રગીતમાં સમાવે છે, તો કોઈ દેશ એના પ્રકૃતિ-સૌંદર્યને રાષ્ટ્રગીતમાં ગૂંથી લે છે.
આમ જુદા જુદા દેશનાં રાષ્ટ્રગીતો જોઈએ તો દુનિયાના વૈવિધ્યનો ખ્યાલ આવે. પણ આજના સમયમાં રાષ્ટ્રગીતની બાબતમાં ક્યાંય સૌથી મોટી ઊથલપાથલ થઈ હોય તો તે રશિયામાં છે. એક વખતનું 'યુનિયન ઓફ સોવિયેટ સોશિયાલિસ્ટ રિપબ્લિક' (યુ.એસ.એસ.આર.)માં આવેલી ઉથલપાથલોનું સીધું પ્રતિબિંબ એનાં રાષ્ટ્રગીતોમાં પડે છે. રશિયા સાથે જુદા જુદા દેશોનું એકીકરણ થયું સંઘ બન્યો અને એનું રાષ્ટ્રગીત બદલાયું. વળી એ દેશો છૂટા પડયા અને માત્ર સ્વાતંત્ર્ય રશિયા રહ્યું એટલે વળી એના રાષ્ટ્રગીતમાં પરિવર્તન આવ્યું.
પોતાના પુરોગામી નેતાની પ્રતિભાનો ધ્વંસ કરવા માટે પણ એના સમયના રાષ્ટ્રગીતનો છેદ ઉડાડવામાં આવ્યો છે. રશિયાના સરમુખત્યાર જોસેફ સ્ટાલિનની સામે એ પછી આવેલા ક્રૂગ્ગોફે સ્ટાલિનના વારસાનો વિરોધ કરવાના પ્રયત્નરૂપે એના રાષ્ટ્રગીતમાં ક૨વામાં આવેલી સ્ટાલિનની પ્રશસ્તિને દૂર કરી. જે પંક્તિઓ એમણે દૂર કરી, એ પંક્તિઓની જગાએ બીજી કોઈ પંક્તિઓ મૂકવાને બદલે ૧૯૭૧ સુધી એ સ્થાને માત્ર સંગીત મૂક્યું અને ૧૯૭૭ના ઓક્ટોબરમાં એ પંક્તિઓની જગાએે લેનિનની પ્રશસ્તિ મૂકી.
સોવિયેટ સરમુખત્યારોએ આ રાષ્ટ્રગીતમાં મન ફાવે તેવાં પરિવર્તનો કર્યાં. ૧૯૯૦ના આરંભમાં પૂર્વપ્રમુખ બોરિસ યેત્સુલિનને રશિયાના પુરાણા ઝાર સામ્રાજ્ય તરફ આદર હતો અને એથી રશિયન ક્રાંતિ પહેલાંના સામ્રાજ્યવાદી સમયને શોધવાનો પ્રયત્ન કર્યો. વર્તમાન સમયના સામ્યવાદને હટાવવાની કોશિશ કરી, પરંતુ રશિયાની પાર્લામેન્ટમાં સામ્યવાદી પક્ષનું પ્રભુત્વ હોવાથી આ બધા ફેરફારો સ્વીકારાયા નહીં. રશિયાના રાષ્ટ્રગીતને બીજાં કેટલાય પ્રશ્નો નડયા. સ્ટાલિનના સમયમાં રાષ્ટ્રગીત માટે રાષ્ટ્રવ્યાપી સ્પર્ધાનું આયોજન થયું હતું. એક સમયે રશિયાના રાષ્ટ્રગીતમાં ૧૯મી સદીના સ્વરકાર મિખાઇલ ગ્વિન્કાના કમ્પોજીશનને લેવામાં આવ્યું હતું, પણ એમાં કોઈ કાવ્ય નહોતું. માત્ર સૂરાવલિ હતી. હવે એ સૂરાવલિને ગાવી કઈ રીતે ? મોસ્કોની ફૂટબોલ ટીમે આવી સૂરાવલીઓ ગાવાની મુશ્કેલી અને એના સૂરોથી કોઈ નૈતિક જુસ્સો જાગતો નહીં હોવાની તકલીફ રજૂ કરી હતી.
રશિયામાં થયેલા રાષ્ટ્રગીતના આ ૨મખાણોનો નવો ઉકેલ શોધવા માટે વ્લાદિમીર પુતિને પ્રયાસ કર્યો. રશિયામાં સમ્રાટ ઝારના એકચક્રી શાસન સમયે કોઈએ રાષ્ટ્રગીતમાં ઝારનો મહિમા કર્યો, કોઈએ રશિયન ક્રાંતિનો મહિમા કર્યો હતો, કોઈએ લેનિન અને સ્ટાલિનનો મહિમા કર્યો હતો. રાષ્ટ્રગીતમાં કોનો મહિમા ક૨વો એવા ઘર્ષણોમાંથી બહાર નીકળવા માટે પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે 'રશિયાએ ઝારથી માંડીને સોવિયેટ સુધીના પોતાના ઇતિહાસના જુદા જુદા તબક્કાઓની વાત એના રાષ્ટ્રગીતમાં કરવી જોઈએ. છેલ્લાં સિત્તેર વર્ષમાં સોવિયેટ યુનિયનમાં જે સારું કે નરસું બન્યું હોય તેને આપણે આપણા પૂર્વજોના જીવનમાંથી દૂર કરી શકવાના નથી.' આ સંદર્ભમાં નવા શબ્દો સાથે વ્લાદિમીર પુતિને રાષ્ટ્રગીત આપ્યું. ઈ. સ. ૨૦૦૦માં રાષ્ટ્રવ્યાપી લોક અભિપ્રાય લેવામાં આવ્યો. ૪૯ ટકા રશિયનોએ નવા શબ્દો સાથે જૂના રશિયન રાષ્ટ્રગીતનો સ્વીકાર કર્યો. તેર ટકા લોકોએ બ્લિન્કાના સંગીતનો સ્વીકાર કર્યો અને બાકીના લોકોએ ઝારના સમયના કે બીજા વિશ્વયુદ્ધ સમયના ગીતને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવાનું નક્કી કર્યું. આમ ત્રણ ત્રણ વખત રાષ્ટ્રગીતને માટે પુતિને પ્રયત્નો કર્યા અને છેલ્લે એ રાષ્ટ્રગીતમાંથી લેનિન અને સ્ટાલિનના નામોલ્લેખો કાઢીને રશિયાના નૈસર્ગિક સૌંદર્યની અને દેશને રક્ષનારા ઈશ્વરની વાત કરવામાં આવી. ઈ. સ. ૨૦૦૦ની ૩૦મી ડીસેમ્બરે આ નવા ગીતનો કાયદા દ્વારા રશિયાએ સ્વીકાર કર્યો. ભાગ્યે જ કોઈના રાષ્ટ્રગીતે આટલા બધાં વાવાઝોડાં જોયા હશે.
કદાચ રશિયન રાષ્ટ્રગીતની સાથે આવું વારંવાર બદલાતા રાષ્ટ્રગીતની બાબતમાં અંધાધૂંધીગ્રસ્ત અફઘાનિસ્તાનને યાદ કરવું પડે. રશિયાની માફક અફઘાનિસ્તાનમાં પણ સત્તા બદલાય એટલે રાષ્ટ્રગીત બદલાય છે. અફઘાનિસ્તાનના પ્રમુખ બુરહાનુદ્દીન રબાનીના સમયમાં એક રાષ્ટ્રગીત રચવામાં આવ્યું હતું. ૧૯૧૯માં રચેલું આ રાષ્ટ્રગીત રાષ્ટ્રીય કરતાં વધુ ઇસ્લામિક હતું. વળી એ રાષ્ટ્રગીત અફઘાનિસ્તાનની દરી ભાષામાં લખાયેલું હતું જે એની જુદી જુદી જાતિઓની માત્ર ત્રીસ ટકા વસ્તીની ભાષા છે. જ્યારે બહુમતી તો પશ્તુનોની હતી અને તેમની ભાષા પશ્તો હતી.
૧૯૯૬થી ૨૦૦૨નો તાલિબાનોનો સમય અફઘાનિસ્તાનમાં એવો આવ્યો કે એમણે સંગીતને જ ઇસ્લામિક વિરોધી ગણ્યું અને સંગીતના સઘળાં મ્યુઝિકલ સાધનોનો નાશ કર્યો અને ગાવા પર પ્રતિબંધ મૂક્યો. ત્યાં વળી રાષ્ટ્રગીતની વાત કઈ રીતે થાય ? તાલિબાનો પછીના સત્તાપલટાએ રબ્બાનીના સમયના જૂના રાષ્ટ્રગીતને અપનાવ્યું, પરંતુ એ ત્રીસ ટકા વસતીની ભાષા દરીમાં હોવાથી બાકીની જાતિઓએ એને વિરુદ્ધ ઘણી ચર્ચા કરી.
૨૦૦૪માં આમાં સર્વસંમતિ સાધવા માટે 'ગ્રાન્ડ એસેમ્બ્લી'નું આયોજન થયું. નવા રાષ્ટ્રગીતનો સ્વીકાર કરવાનું નક્કી થયું. એ પશ્તુભાષામાં હોવા છતાં અફઘાનિસ્તાનની બીજી અગ્રમી જાતિઓનો એમાં સમાવેશ થતો હતો અને એમાં છેલ્લે 'અલ્લાહુ અકબર'ના શબ્દો લખવામાં આવ્યા.
અફઘાનિસ્તાને નવા રાષ્ટ્રગીતની રચના માટે રાષ્ટ્રના લોકોને આમંત્રિત કર્યા અને વિખ્યાત અફઘાન લેખક અને કવિ અબ્દુલ બરી જહાનીના કાવ્યને પસંદ કરવામાં આવ્યું. એણે આ કાવ્યમાં સંગીત બબ્રાક વાસાનું મૂકવામાં આવ્યું. નવાઈની વાત એ છે કે રાષ્ટ્રગીતનો રચયિતા જહાની અમેરિકાના વોશિંગ્ટનમાં વસે છે અને એનું સંગીત આપનાર અફઘાનિસ્તાનમાં જન્મેલા સ્વરકાર બબ્રાક વાસા રાજકીય કારણોસર આજે જર્મનીના કોલેન્જમાં વસે છે.
આમ રાષ્ટ્રગીત એ રાષ્ટ્રના પ્રવાહોની સાથોસાથ પરિવર્તન પામતું રહ્યું છે.

મનઝરૂખો
અમેરિકાના વિખ્યાત હાસ્યકાર ઓલિવર હરફોર્ડના સન્માનમાં એના પ્રકાશકે એક સમારોહનું આયોજન કર્યું. શાનદાર હોટલમાં ઓલિવ૨ હ૨ફોર્ડનો સન્માનસમારોહ યોજાયો. ઓલિવર હરફોર્ડને આ હોટલનું વાતાવરણ એટલું બધું પસંદ પડી ગયું કે મહેમાનો વિદાય પામ્યા અને ખુદ યજમાન પણ વિદાય પામ્યા, તેમ છતાં તેઓ ઘણા લાંબા સમય સુધી હોટલના ટેબલ પર બેસી રહ્યા.
થોડા દિવસ પછી પુન: તેઓ આ હોટલમાં ગયા, તો હોટલના પેલા સમારંભ બાદ લાંબા સમય સુધી હોટલમાં બેસવા માટેનું બિલ રજૂ કર્યું. બિલ જોઈને ઓલિવ૨ હ૨ફોર્ડ પરેશાન થઈ ગયો. એણે તો ધાર્યું હતું કે એ સમારંભનો સઘળો ખર્ચ પ્રકાશક આપવાના હતા અને તેથી તે નિરાંત કરીને બેઠો હતો. આ બિલ જોતાં એ ચોંકી ઊઠયો. વિચારવા લાગ્યો કે પ્રકાશક પાર્ટીનું ખર્ચ આપવાના હતા. પાર્ટી પૂરી થયા પછી નિરાંતે બેસી રહેવાનું ખર્ચ પ્રકાશક શા માટે ભોગવે ?
ઓલિવર હરફોર્ડની આનાકાની જોઈને હોટલના માલિકે કહ્યું, ''તમારે આ બિલ ચૂકવવું જ પડશે.''
''પરંતુ મારી પાસે આટલા ડોલર નથી.''
ચબરાક હોટલ મેનેજરે કહ્યું, ''કંઈ વાંધો નહીં, તમે ચેક લખી આપો.''
''પરંતુ અહીં મારી પાસે ચેકબુક નથી.''
હોટલ મેનેજરે પોતાની સાદી ચેકબુકમાંથી એક ચેક ફાડીને એમને આપ્યો અને હ૨ફોર્ડને એ લખવા કહ્યું. ઓલિવર હરફોર્ડે ચેક પર પોતાની સહી કરી અને ૨કમ પણ લખી. ''પરંતુ મહાશય, આપે બેંકનું નામ તો લખ્યું નથી.'' મેનેજરે વાંધો લીધો. ઓલિવર હ૨ફોર્ડે જવાબ આપ્યો, ''કોઈ સારી બેંકનું નામ તમે જ કહોને ? એમાંથી ૨કમ ઉપાડી લેજો.''