Ravi Purti

ભારતીય જુડોકા અસ્મિતા ડે-હર્ષ સિંઘે અડગ આત્મશ્રદ્ધાને સહારે સ્વર્ણિમ ઈતિહાસ રચ્યો

By GS Team
9 Aug 20265 mins read
ભારતીય જુડોકા અસ્મિતા ડે-હર્ષ સિંઘે અડગ આત્મશ્રદ્ધાને સહારે સ્વર્ણિમ ઈતિહાસ રચ્યો
  • Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
  • સાઈકલ રિપેરિંગ કરીને અસ્મિતાનું જુડોમાં આગળ વધવાનું સ્વપ્ન સાકાર કરનારા અર્જુન ડે પુત્રીની સુવર્ણ સિદ્ધિના સાક્ષી બની ન શક્યા

દ રેક પડકાર એ પ્રતિભા માટે કસોટીનું એરણ બની રહે છે. આ પડકારો જ વ્યક્તિને તેની કાબેલિયતનો પરિચય કરાવે છે. પરિણામે ગમે તે આવે પણ મુકાબલામાં પોતાની આગવી છાપ છોડી જવાનો જુસ્સો જ એક ચેમ્પિયનના આત્મવિશ્વાસને કેળવવા માટે પુરતો હોય છે. આ પછી સતત તાલીમ અને નાના-મોટા પડકારનો જિંદાદિલીથી સામનો કરવાની તૈયારી એ વિજેતાની ઓળખ બની રહે છે. સફળતાના શિખર પર પહોંચેલા વિજેતાની તો દુનિયા આખી તેની સરાહના કરતી જ જોવા મળે છે, પણ જ્યારે ગુમનામીમાં પોતાની ઓળખ બનાવવા માટે પ્રયાસ કરી રહેલા ખેલાડીને જ્યારે થોડું ઘણું પણ પ્રોત્સાહન મળે છે, ત્યારે તેનો હોંસલો આસમાનને સ્પર્શી લેવા જેટલી છલાંગ લગાવે છે.
તાજેતરમાં પુરી થયેલી ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના જુડોકા અસ્મિતા ડે અને હર્ષ સિંઘે મેળવેલી ઐતિહાસિક સ્વર્ણિમ સિદ્ધિએ તેમને ભારતીય રમત જગતમાં તો આગવી ઓળખ અપાવી જ દીધી છે. તેની સાથે સાથે જુડોની રમતને પણ ભારતીય ચાહકોના હૃદયમાં સ્થાન અપાવ્યું છે. તેમાંય ખાસ કરીને ગ્લાસગો ગેમ્સમાં જુડોની સ્પર્ધાના પ્રારંભ બાદ બે જુડોકાને ડોપિંગના નિયમોના ભંગ બદલ સજા ફટકારવામાં આવી હતી અને ત્યાર બાદ જુડો પર લાગેેલા કલંકને દૂર કરવાનું કામ પણ અસ્મિતા અને હર્ષના સુવર્ણ ચંદ્રકોએ કરી બતાવ્યું છે, જે ભારતીય રમત જગતના દ્રષ્ટિકોણથી સૌથી મોટી અને મહત્વની બાબત બની રહી છે.
એક સમયે બ્રિટિશ રાજને આધીન રહેલા દેશો માટે શરુ કરવામાં આવેલા કોમનવેલ્થ ગેમ્સ હવે શતાબ્દી પૂર્ણ કરવાના આરે પહોંચી ગયા છે. જ્યારે જુડોની રમતને આ રમતોત્સવમાં સામેલ કરવામાં આવી તે વાતને પણ ત્રણ દશકા વિતી ચૂક્યા છે. જોકે, ગ્લાસગો અગાઉ ક્યારેય કોઈ ભારતીય જુડોકાને કોમનવેલ્થ ગેમ્સમાં સુુવર્ણ સિદ્ધિ મેળવી શક્યો નહતો. ભારતે જુડોમાં એક પણ સુવર્ણ ચંદ્રક ન જીતી શકવાનું મ્હેણું એક જ દિવસમાં બબ્બે સુવર્ણ ચંદ્રક જીતીને ભાંગ્યું હતુ. અસ્મિતા ડે એ ૩૧મી જુલાઈએ મહિલાઓની ૪૮ કિગ્રાથી ઓછા વજન વર્ગની ખેલાડીઓમાં આ સફળતા મેળવી બતાવી અને ત્યાર બાદ હર્ષ સિંઘે ૬૦ કિગ્રા વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીતવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો.
ભારતીય જુડોકા કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ જીતશે તેવી અપેક્ષા તો કોઈને નહતી. ત્રિપુુરાના એક નાનકડા ગામમાં જન્મેલી ૨૩ વર્ષની અસ્મિતાએ ક્વાર્ટર ફાઈનલ અને સેમિ ફાઈનલમાં સ્કોટલેન્ડની ખેલાડીઓને મહાત આપી હતી. આ પછી ફાઈનલમાં કેનેડાની હૈદી ક્યુએચની સામેના બરોબરીના મુકાબલામાં અસ્મિતાએ ગોલ્ડન પોઈન્ટને સહારે ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો. તે રાતોરાત ભારતીય રમત જગત પર છવાઈ ગઈ હતી.
ત્રિપુરામાં સાઈકલ રિપેરિંગની દુકાન ચલાવતા અર્જુન કુમાર ડે જિંદગીના સંઘર્ષ વચ્ચે પુત્રીને કંઈક નવું કરી બતાવવા માટે પ્રેરણા આપતાં રહેતા. અસ્મિતાને બે ભાઈ-બહેન પણ હતા. પિતા આખા દિવસની સખત મજુરી બાદ માંડ ત્રણસો રુપિયા કમાઈ શકતા. જોકે તેઓ બાળકોના ઉછેરમાં કોઈ કસર છોડવા માંગતા નહતા. આ દરમિયાન અસ્મિતાએ શાળામાં યોજાયેલી ૮૦૦ મીટરની દોડ જીતી લીધી. પિતા અર્જુન ડે અસ્મિતાને રમતમાં આગળ ધપાવવા ઈચ્છતા હતા અને તેઓ જ્યારે એથ્લેટિક્સના કોચને મળવા ગયા,ત્યારે ત્યાં તેમની મુલાકાત બીના દેબનાથ સાથે થઈ. જેઓ જુડોની તાલીમ આપી રહ્યા હતા. બીનાએ અર્જુન ડે ને વિનંતી કરી કે તમે થોડા દિવસ અસ્મિતાને અમારે ત્યાં કોચિંગમાં મોકલો. આ સાથે અસ્મિતાની જુડોની તાલીમ શરુ થઈ અને તેની જિંદગીમાં નવો વળાંક આવ્યો. આ પછી ધીરે ધીરે અસ્મિતાને આ રમતમાં રસ પડવા માંડયો.
સ્થાનિક સ્તરની સ્પર્ધાઓમાં સફળતા મેળવનારી અસ્મિતાએ જુનિયર બાદ સિનિયર ખેલાડીઓની સ્પર્ધામાં પણ પોતાની કમાલ દેખાડવાનું શરુ કરી દીધું. સ્કૂલ ગેમ્સ અને ખેલો ઈન્ડિયાની સફળતાના પગલે તેને ૨૦૧૮માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ભોપાલ ખાતેના સેન્ટરમાં પ્રવેશ મળ્યો હતો. જ્યાં અનુભવી કોચ યશપાલ સોલંકીના માર્ગદર્શનમાં અસ્મિતાની પ્રતિભામાં ઔર નિખાર આવવા માંડયો.. તેણે ૨૦૨૨માં એશિયન કેડેટ અને જુનિયર ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો. આ પછી તો તેેેણે મકાઉ, કુવૈત અને મોરોક્કોમાં પણ સફળતા મેળવી.
કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ તેમજ એશિયન જુડો ચેમ્પિયનશિપની તૈયારીમાં અસ્મિતા વ્યસ્ત હતી, ત્યારે જ બ્રેઈન સ્ટ્રોકના કારણેે તેના પિતા અર્જુનનું અવસાન થયું. અસ્મિતા ત્યારે ભાંગી પડી, પણ પરિવારજનો અને કોચિસે તેને પિતાનું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરતાં હિંમત આપી અને તેના જ સહારે અસ્મિતાએ કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણિમ સફળતા મેળવવાની સાથે પિતાનું સ્વપ્ન પણ સાકાર કરી બતાવ્યું છે.
અસ્મિતાની સિદ્ધિની ગણતરીની મિનિટો બાદ પુરુષોની ૬૦ કિગ્રાની ફાઈનલ રમવા ઉતરેલા ભારતીય સૈન્યના જવાન હર્ષ સિંઘે પણ સુવર્ણ સિદ્ધિ હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ભારતીય જુડોના ઈતિહાસમાં પહેલીવાર એક સાથે બબ્બેે કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રકો જીતવાની સિદ્ધિ નોંધાઈ હતી. દિલ્હીના અત્યંત સાધારણ પરિવારમાં જન્મેલા હર્ષના માતા-પિતા સખત મજૂરી કરીને ગુજરાન ચલાવતા. બાળપણમાં હર્ષના કેટલાક મિત્રો કોલોનીની નજીક ચાલતા જુડોના કોચિંગમાં જતા. હર્ષ પણ તેમના પગલે એકેડમીમાં જોડાયો અને ત્યાં હેમંત રાઠી સર પાસે તેને શરુઆતની તાલીમ મળી.
હર્ષની આર્થિક હાલતથી બધા વાકેફ હતા અને આ કારણે તેને જરુરી ડાયેટ પુરુ પાડવાની જવાબદારી તેના કોચે જ ઉપાડી લીધી હતી. એકેડમીના કોચિસ જ તાલીમ લેતા ગરીબ બાળકો માટે દૂધ અને ખજૂર સહિતનું ડાયેટ પુરુ પાડતાં. નાનપણમાં હર્ષનું વજન ખુબ જ ઓછું હતુ અને આ કારણે તેને બધા ખજૂર કહીને પણ બોલાવતા હતા. જોકે, નાનકડા હર્ષની પાસે ઝડપ હતી અને પલકારામાં હરિફને પછાડવાની કુશળતા ધરાવતો હતો. તેની આ ઝડપ જ તેના માટે નિર્ણાયક બની અને તબક્કાવાર તેણે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં આગવી ઓળખ ઉભી કરી.
આંતરરાષ્ટ્રીય સ્તરની જુડો સ્પર્ધામાં હર્ષે તેની કુશળતા દર્શાવી હતી. જોકે ચંદ્રક માટેનો તેનો સંઘર્ષ જારી રહેવા પામ્યો હતો. ચાલુ વર્ષે જ એશિયન જુડો ચેમ્પિયનશિપમાં તેને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં તેને હારનો સામનો કરવો પડયો હતો. જોકે, કોમનવેલ્થ ગેમ્સમાં નવો ઈતિહાસ રચવાના ઈરાદા સાથે ઉતરેલા હર્ષે ૬૦ કિગ્રાથી ઓછા વજન વર્ગની સ્પર્ધામાં સેમિ ફાઈનલ અને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હરિફોને પછાડીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી.
જુડોમાં અસ્મિતા અને હર્ષની સિદ્ધિએ ભારતીય રમત ચાહકોમાં પણ આકર્ષણ જમાવ્યું છે. ચાલુ વર્ષે જાપાનમાં જ્યારે એશિયન ગેમ્સ યોજાવાની છે, ત્યારે ભારતને જુડોમાં પણ સફળતા મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.