Ravi Purti

માનવીમાંથી મુમુક્ષુ કઈ રીતે બની શકાય?

By GS Team
8 Aug 20267 mins read
માનવીમાંથી મુમુક્ષુ કઈ રીતે બની શકાય?
  • જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
  • દરેક મનુષ્ય એ હરતું-ફરતું આશ્ચર્ય છે. એ બે પ્રકારે બનેલો છે. એક છે દિવ્ય અને બીજો છે પાર્થિવ. પોતાના પાર્થિવ અંશો જોઈને એણે નમ્ર થવું જોઈએ

જ રા ઊંડે ઉતરીને વિચારશો તો અનુભવાશે કે દુનિયાની કોઈ સૌથી મોટી અજાયબી હોય, તો તે માનવી છે. આ જગતમાં માનવીને જોશો એટલે અપાર અને અનંત વૈવિધ્યનો અહેસાસ થશે. કેવા કેવાં માણસો આ જગતમાં મળતા હોય છે! કોઈ વિદ્વાન છતાં ક્રોધી હોય, કોઈ સત્તાવાન છતાં ડરપોક હોય, કોઈ ધાર્મિક છતાં દંભથી ભરેલો હોય. આવા જાત-જાતનાં રંગોથી ભરેલા માનવીઓ તમને મળશે.
કેટલાકને એમના રૂપનું એટલું અભિમાન હોય કે એની જાળવણી પાછળ પળેપળ ખર્ચતા હોય છે, તો બીજા કેટલાક એવા પણ હોય કે જેમને એમના ધનનો ગર્વ હોય છે અને એ કોઈ પૂછે કે ન પૂછે, તો પણ પોતાની આવકના આંકડા અને નફાની વિગતો આપતા હોય છે. કેટલાક માનવી પોતાની દોસ્તીમાં પ્રાણ આપી દેતા હોય છે અને કેટલાક માનવી કોઈના પ્રત્યે ધિક્કાર સેવે, તો એનો પ્રાણ હરી લેતા હોય છે.
આ જગતમાં જેમ રંગબેરંગી પુષ્પો જોવા મળે છે, એ રીતે રંગબેરંગી માણસો નજરે પડે છે. એક મનુષ્ય મહાત્મા બનીને અનેક વ્યક્તિઓનાં જીવનમાં પ્રકાશ ફેલાવે છે, તો બીજો મનુષ્ય હિટલર બનીને ક્રૂરતાથી હત્યા કરે છે. માણસમાં જેમ દેવ છુપાયેલો છે, એ જ રીતે દાનવ પણ છુપાયેલો છે અને એથી જ કાર્લાઇલ નામના ચિંતકે કહ્યું છે કે,
''દરેક મનુષ્ય એ હરતું-ફરતું આશ્ચર્ય છે. એ બે પ્રકારે બનેલો છે. એક છે દિવ્ય અને બીજો છે પાર્થિવ. પોતાના પાર્થિવ અંશો જોઈને એણે નમ્ર થવું જોઈએ. દિવ્ય અંશ જોઈને પોતાનું આચરણ પવિત્ર તેમજ ઉદાત્ત રાખવું જોઈએ.''
આવા વિવિધરંગી માનવી તમને ઘણાં મળશે અને જુદાં જુદાં દેહવાળા માણસો પણ જોવા મળશે. પ્રાણી અને મનુષ્યમાં ઘણું સામ્ય છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન.- એ બધાં પ્રાણીઓમાં અને મનુષ્યમાં જોવા મળે છે, પરંતુ માનવી પાસે એક આગવી વિશિષ્ટ શક્યતા છે. આ શક્યતા એના દેહમાં રહેલી છે. અને એથી એ પશુઓ કરતાં જુદો પડે છે. માણસની ભીતરમા રહેલી શક્તિ એનામાં એક નવો સંચાર કરે છે, જે શક્તિ પ્રાણીમાં નથી.
માનવી અને પ્રાણી બન્ને દેહની આસપાસ ભમે છે. દેહના સુખની ચિંતા કરે છે. મોટા ભાગના માનવીઓના જીવનમાં દેહનો જ મહિમા હોય છે, પરંતુ માનવી પાસે આત્મા જોવાની જે 'આંખ' છે, તે પ્રાણી પાસે નથી. નરી આંખે નહીં દેખાતો આત્મા માનવી અનુભવી શકે છે. એની ભીતરી શક્તિઓનો વિકાસ સાધી શકે છે. પોતાના દેહથી એ જુદો હોવાનું જોઈ શકે છે. આવા જ્યોતિ સ્વરૂપ આત્માને કારણે માનવી પાસે એક આગવી શક્તિ છે. એ પોતાના આત્માની મદદ દ્વારા અજ્ઞાત લોકની યાત્રા કરી શકે છે અને પોતાના આત્માની મદદ દ્વારા એ જીવનમાં ઊંચામા ઊંચા અધ્યાત્મ પદને પામી શકે છે. એની પાસે દેહ હોય, છતાં દેહને પારની દશા- દેહાતીત અવસ્થા- મેળવી શકે છે. આનો અર્થ એ થયો કે માનવી પાસે જે અમૂલ્ય આત્મા છે, એ આત્મા પ્રાણીઓમાં નથી. આવા અમૂલ્ય આત્માને કારણે માનવીમાં વિકાસની અનંત શક્યતાઓ છે. માનવીએ એ શક્યતાઓ ઓળખવી જોઈએ અને એનો વિકાસ સાધવો જોઈએ.
આખી વાતનો મર્મ એ કે માનવ દેહ એ બીજ છે અને એમાંથી આત્માની સુવાસ પ્રગટાવવી, એ બીજમાંથી પ્રગટતું વૃક્ષ છે. ક્યારેક આપણે જોઈએ છીએ કે બીજ માત્ર બીજ તરીકે રહી જાય છે અર્થાત્ એ બીજને વિકસવાની કોઈ તક મળતી નથી. એની સુષુપ્ત સંભાવનાઓને પ્રગટ થવાનો કોઈ માર્ગ મળતો નથી. આથી પોતાની આત્માની અનંત શક્તિઓને વિકસાવી વ્યક્તિ આત્મસાક્ષાત્કાર પામી શકે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે જેમ જગત અસીમ છે, તે જ રીતે મનુષ્યનો આત્મા પણ અસીમ છે.
આ આત્મા વિશે માત્ર ભારતીય પરંપરાના લોકોએ જ વિચાર કર્યો નથી. પશ્ચિમના જગતમાં પણ આત્મા વિશે ઘણો વિચાર થયો છે. માત્ર આત્માનાં ગુણોને જોવાની એની દ્રષ્ટિ જુદી છે. આ આત્માના ગુણોને વિકસાવવા એટલે મુમુક્ષુ થવાની સંભાવનાઓને વિકસિત કરવી. માનવી તો તમને ઘણાં મળે, પરંતુ એનામાં માનવતા મળવી વિરલ છે. આથી જ કવિ સુંદરમ્ કહ્યું કે, 'હું માનવી માનવ થાઉં તો ઘણુ' આનો અર્થ જ એ કે માનવીએ અનેક ગુણો વિકસાવીને માનવતા સિદ્ધ કરવી જોઈએ.
માનવીના ભેદ સમજવા જેવા છે. કેટલાક માનવી માત્ર પોતાના સ્વાર્થમાં કે પોતાની વૃત્તિઓમાં ૨મમાણ હોય છે. એમનું આખું જીવન અગંત નફા-તોટાને આધારે ગાળતા હોય છે અથવા તો આખીય જિંદગી કોઈને કોઈ વૃત્તિના ગુલામ બનીને વ્યતીત કરતા હોય છે.
આમ માનવીને સ્વાર્થ બાંધે છે, વૃત્તિ બાંધે છે, એના દેહની ચિંતા બાંધે છે અને આ બધાં બંધનોને પરિણામે માનવી સાચો માનવી બનતો નથી અને એનામાં માનવતા જન્મતી નથી. માનવી ખરો મુમુક્ષુ તો ત્યારે થાય, જ્યારે એના જીવનમાં મુક્તિની ઝંખના જાગે. એને પોતાના જીવનનાં બંધનોમાંથી મુક્ત થવું છે અને એને માટે પોતાના આત્માની મદદ લઈને એ મુક્તિના માર્ગે ગતિ કરતો હોય છે. બહુ ઓછી વ્યક્તિઓ આ મુમુક્ષુ ભાવ સુધી પહોંચતી હોય છે. બહુ વિરલ વ્યક્તિઓને જ આ બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત છે. સમાજમાં તમે જોતા હશો કે ઘણી વ્યક્તિઓ દેહના બંધનમાંથી મુક્તિ પામવાની ઘણી વાતો કરતી હોય છે, પરંતુ એ વાસ્તવમાં એમનો દેહ ભાવ, છોડી શક્તિ નથી. હકીકતમાં તો ઘણી જગાએ મુક્તિ માત્ર વાતોમાં જ રહેતી હોય છે. આવી વ્યક્તિને કંઈ પણ પૂછવામાં આવે તો એ માત્ર એટલું જ કહેશે કે મારે તો મારા આત્માને આ બધાં બંધનમાંથી મુક્ત કરવો છે. પરંતુ આટલું કહ્યા પછી તરત જ એ બંધન વધારતી પ્રવૃત્તિઓમાં ડૂબી જાય છે.
મુક્તિને પામવા માટે માનવી જપ, તપ કે જુદા જુદા પ્રકારની ક્રિયા કરતો હોય છે. એ મુક્તિ આપતી ધર્મક્રિયાઓમા જોડાય છે, પરંતુ એવું પણ બને છે કે આ ધર્મક્રિયાઓ કર્યાનો અહમ્ એના ઉપર એટલો બધો છવાઈ જાય છે કે મુક્તિ-માર્ગ પામ્યાનો ઘમંડ લઈને એ ઘૂમતો હોય છે. આથી મુક્તિ વિશે ચર્ચા કરનારને પણ ઘણી વાર બંધનમાંથી છૂટવું હોતું નથી. ઘણાને તો આવી ચર્ચામાં જ એટલો બધો રસ પડી જાય છે કે મુક્તિ વિશે ગંભીરતાથી વિચાર કરતા નથી. આથી ધર્મક્રિયા કરતી વખતે પણ એ સંસાર-પરિભ્રમણ જ વધારે છે. એ ધર્મક્રિયા પાસે અટકી જાય છે અને મુમુક્ષા સુધી પહોંચતો નથી.
પોતાની ધર્મક્રિયાઓમાં પોતાનો અહમ્ રેડીને પોતે કરેલાં અનુષ્ઠાનો કેટલાં મહાન છે એમ કહેતો ફરે છે. જ્યાં પ્રદર્શન ન હોય, એવી બાબતમાં પ્રદર્શન અને દંભ જોવા મળે છે. ક્યારેક એ ધર્મના અનુષ્ઠાનો કરતો હોય છે, તો ક્યારેક ગંભીરતાથી એ વિચારતો નથી કે મેં તો બંધનમાંથી મુક્તિ માટે પ્રયાસ કરવાનો સંકલ્પ કર્યો છે. આ સંસારથી અને એના વિભાવોથી હું હવે થાકીને લોથ-પોથ થઈ ગયો છું. આવી બધી ક્રિયાઓ હકીકતમાં તો મુક્તિને દૂર ઠેલે છે.
હૃદયમાં મુક્તિનો વિચાર જાગવો એ જ મહત્ત્વની બાબત છે. મોટાભાગની વ્યક્તિ તો મુક્તિને પ્રાપ્તિ સાથે જોડી દે છે. અને પછી એક સમય એવો આવે છે કે એમની દ્રષ્ટિ પ્રાપ્તિ પર રહે છે અને મુક્તિ ક્યાંય ગૂમ થઈ જાય છે. આથી આ જગતમાં મુક્તિની વાતો કરનાર ઘણાં મળશે, પરંતુ મુક્તિને માટે સાચા દિલથી પ્રયત્ન કરનારા મુમુક્ષુ વિરલા જ મળશે. એ મુમુક્ષુ ધર્મનું જે રીતે આચરણ કરતા જશે, એનાથી એમનો મુક્તિનો માર્ગ ખુલ્લો થતો જશે. એમને માટે આ મુક્તિ એ જ એમનું ધ્યેય બનશે. અને મુક્તિ દ્વારા પોતાના જીવનને પરમાત્મા સાથે જોડશે. આથી અજ્ઞાત સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે.
मुक्तिमिच्छासि चेतात्त विषयान विषवत् त्यज ।
क्षमार्जवदयाशौचसत्यं पीयूषवत् पिव ।।
'હે ભાઈ! જો તું મુક્તિ મેળવવા ઇચ્છે છે તો વિષ સમાન વિષયોને ત્યાગ કર ક્ષમા, સરળતા, દયા, પવિત્રતા અને સત્યના અમૃતને ગ્રહણ કર.' આ સુભાષિત જ કોને મુમુક્ષુ કહી શકાય અને કોને ન કહી શકાય એનું નિદર્શક છે. તૃષ્ણાઓ એ બંધન વધારનારી છે. અને તૃષ્ણામુક્તિ એ બંધન છેદનારી છે એમ અહીં કહેવામાં આવે છે. મુમુક્ષુતા એ વિષયકષાયનાં બંધનોને છેદી નાખે છે. એ માનવીના જીવનને મૃત્યુની પાર લઈ જાય છે અને સાધકના આત્માને પરમાત્મા પ્રતિ ગતિ કરાવે છે. મુમુક્ષુતા અંગે શ્રીમદ્ રાજચંદ્રના વિચારો સાધકને પ્રેરક બને તેવા છે. મુમુક્ષતા એ આ વિષય કષાય અને મૃત્યુનાં બંધન તોડીને આત્મા અને માનવીએ એના માનવપણાને મુમુક્ષુતા સુધી લઈ જવાનું છે અને આવી મુમુક્ષતા એ જ સાધકના જીવનને સાર્થકતા અર્પે છે. આ મુમુક્ષતાને કેળવવા માટે એ શાસ્ત્રોનો સંગ અને મહાત્માઓનો રંગ પોતાના જીવનમાં લાવવા પ્રયાસ કરે છે. શાસ્ત્રોના સંગને કારણે એને પોતાના આત્માનું ઉપનિષદ વાંચવા મળે છે. એ શાસ્ત્રગ્રંથો જીવનદ્રષ્ટિ આપે છે અને ઉજળી ભાવનાઓ દર્શાવે છે. એની સાથોસાથ મહાત્માઓનો સત્સંગ એના મનમાં પરિવર્તન આણે છે. આવા સત્સંગને કારણે એની આધ્યાત્મિક તૃષા છિપાતી રહે છે અને એની દ્રષ્ટિ સતત કલ્યાણ માર્ગના પથ પર હોય છે. આ રીતે શાસ્ત્રાભ્યાસ અને સત્સંગ એ મહત્ત્વની બાબત છે. આમ આ બંને દ્વારા વ્યક્તિ એનું જીવન કેળવતો જશે અને સમય જતાં એ માનવીમાંથી મુમુક્ષુ બની જશે.