Ravi Purti

'અર્થ'વાળા મહેશ ભટ્ટને સૌ આજેય મિસ કરે છે...

By GS Team
19 Sep 20266 mins read
TukuTouch Logo
બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર મહેશ ભટ્ટે 79મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમની ફિલ્મી કારકિર્દી સફળતા અને નિષ્ફળતાના અનેક ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. 'અર્થ' અને 'સારાંશ' જેવી ગહન ફિલ્મોથી લઈને 'જિસ્મ-2' જેવી કમર્શિયલ ફિલ્મો સુધી, ભટ્ટજીએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. શબાના આઝમીથી સની લિઓની સુધીની તેમની અભિનેત્રીઓની પસંદગી તેમની વિશાળ રેન્જ દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અર્થ'વાળા મહેશ ભટ્ટને સૌ આજેય મિસ કરે છે...
  • સિનેમા એક્સપ્રેસ - શિશિર રામાવત
    મહેશ ભટ્ટનો આજે બર્થડે છે. તેમણે જિંદગીના ૭૯મા વર્ષમાં ભવ્ય પ્રવેેશ કર્યો. જે માણસે ભરપૂર સફળતા અને એટલી જ નિષ્ફળતા જોઈ હોય, જેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ બન્ને અત્યંત ઘટનાપ્રચુર રહી હોય અને જીવનના આઠમા દાયકામાં પણ જો એ રિલેવન્ટ રહી શકતો હોય તો એના ૭૯મા જન્મદિન માટે 'ભવ્ય' શબ્દ ચોક્કસ વાપરી શકાય છે. એમ તો મહેશ ભટ્ટ પર પેલું ટિપિકલ અગ્રેજી વાક્ય પણ ચસોચસ બંધ બેસે છે - તમે એમને ચાહી શકો, ધિક્કારી શકો, પણ અવગણી ન શકો.
    ફિલ્મ ડિરેક્ટર, રાઇટર અને પ્રોડયુસર - મહેશ ભટ્ટની કરીઅરના આ ત્રણ મુખ્ય પાસાં. ઓકે ચાલો, મહેશ ભટ્ટ પોતાના બાયોડેટામાં એક ચોથું ખાનું પણ ઉમેરે છે - મેન્ટર. આ ચારમાંથી, દેખીતી રીતે જ, એમનું ડિરેક્ટર તરીકેનું પાસું સૌથી વધારે ઝળહળે છે. આ 'ઝળહળાટ' શબ્દની બાજુમાં જોકે અદ્રશ્યપણે કૌંસમાં 'શરતો લાગુ' લખાયેલું છે. મહેશ ભટ્ટની ડિરેક્ટર, યા તો કહો કે ફિલ્મમેકર તરીકેનો ગ્રાફ જોઈને કન્ફ્યુઝનો પાર રહેતો નથી. ક્યા મહેશ ભટ્ટ સાચા - 'અર્થ' અને 'સારાંશ' જેવી ઊંડાણભરી અને શુદ્ધ સમાંતર ફિલ્મો બનાવનારા ડિરેક્ટર મહેશ ભટ્ટ? કે પછી, 'ખામોશિયાં' અને 'જિસ્મ-ટુ' જેવી થર્ડ રેટ ફિલ્મોના પ્રોડયુસર મહેશ ભટ્ટ? ડિરેક્ટર તરીકે એમણે 'કારતૂસ' અને 'સડક-ટુ' જેવી અસહ્ય ફિલ્મો પણ બનાવી છે. સાતત્ય અને મહેશ ભટ્ટ? એ વળી શું?
    મહેશ ભટ્ટે કરીઅરની શરૂઆત થઈ હતી 'મંઝિલેં ઔર ભી હૈં', 'વિશ્વાસઘાત', 'નયા દૌર' અને 'લહૂ કે દો રંગ'થી. હરામ બરાબર આ ફિલ્મો આપણને ક્યારેય યાદ પણ આવતી હોય તો… પણ પછી, તેઓ હજુ ત્રીસ વર્ષના પણ થયા નહોતા તે પહેલાં, 'અર્થ' (૧૯૮૨) અને 'સારાંશ' (૧૯૮૪) આવી. લગ્નબાહ્ય સંબંધો અને સ્ત્રીની ગરિમા વિશે વાત કરતી 'અર્થ' હિન્દી સિનેમાની એક સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મોમાં હકથી સ્થાન પામે છે. આ ફિલ્મ માટે શબાના આઝમીને નેશનલ અવોર્ડ અપાવનારા આ જ મહેશ ભટ્ટ ત્રણ દાયકા પછી, ૨૦૧૨માં, 'બિગ બોસ' હાઉસમાં એન્ટ્રી મારે છે અને શોની કોન્ટેસ્ટન્ટ બનેલી પોર્ન સ્ટાર સની લિઓનીને કહે છેઃ હું તને મારી ફિલ્મમાં હિરોઈન બનાવીશ! ને એમણે સનીને મૂવી સ્ટાર બનાવી પણ ખરી - 'જિસ્મ-ટુ'માં મેઇન રોલ આપીને. શબાના-સ્મિતાથી લઈને સની લિઓની સુધી… ખરેખર, ભટ્ટજીની રેન્જ અદ્ભુત છે!
    'તમે આને અધઃ પતન તરીકે જુઓ છો, પણ હું તેને ઇવોલ્યુશન (ઉત્ક્રાંતિ) તરીકે જોઉં છું,' મહેશ ભટ્ટ એક ઇન્ટરવ્યુમાં કહે છે, 'સૌથી પહેલાં તો તમે જે પૂર્વધારણા બાંધી લીધી છે એમાં જ ગરબડ છે. તમે પહેલેથી માની લીધું છે કે વેશ્યાવાડામાં જતા દરેક પુરુષનું અધઃપતન થઈ ચૂક્યું હોય છે, અને સની લિઓની વેશ્યાવાડામાં રહેતી સ્ત્રી છે. આ બન્ને વાતો તથ્યાત્મક રીતે ખોટી છે. જુઓ, બૌદ્ધિક સંતોષ અને શારીરિક સંતોષ આ બન્ને માણસના આંતરિક વિશ્વના હિસ્સા છે. મેં મારી ભીતરી જગતના એકેએક ખૂણાને એક્સપ્લોર કર્યો છે.'
    'સારાંશ' પછી 'જન્મ' (૧૯૮૫) અને 'નામ' (૧૯૮૬) આવી. આ બન્ને પણ સુંદર ફિલ્મો. 'નામ' મહેશ ભટ્ટની કરીઅરની મહત્ત્વની ફિલ્મ છે, કેમ કે આ તે બોક્સ ઓફિસ પર પણ ખૂબ ચાલી હતી. ભટ્ટજી માટે આ અનુભવ નવો હતો. ત્યાર પછી આવી 'આજ' (૧૯૮૭), 'કાશ' (૧૯૮૭) અને 'ડેડી' (૧૯૮૯). આ પૈકીની છેલ્લી બે ફિલ્મોમાં પણ આપણા ગમતા મહેશ ભટ્ટ ઝળકતા હતા. અંતરંગ સંબંધોની વાત કરતી, માનવમનની જટિલતા દર્શાવતી અને કંઈક અંશે આત્મકથનાત્મક રંગો ધરાવતી ફિલ્મોમાં મહેશ ભટ્ટ ખૂબ ખીલ્યા છે. તેમની પાસે મિડાસ ટચ હતો એમ પણ કહેવાતું હતું, કેમ કે જેકી શ્રોફ જેવા સપાટ ચહેરાવાળો રફ-એન્ડ-ટફ હીરો પણ એમની ફિલ્મમાં ચમત્કારિક રીતે સરસ એક્ટિંગ કરવા માંડતો. મહેશ ભટ્ટ એમના કરીઅરમાં મહત્ત્વનો વળાંક હવે આવે છે - 'આશિકી' (૧૯૯૦), 'દિલ હૈ કિ માનતા નહીં' (૧૯૯૧)

અને 'સડક' (૧૯૯૧)થી. આ ત્રણેય કમર્શિયલ હિટ્સ, પણ હા, તેમાં મહેશ ભટ્ટ જેના માટે જાણીતા હતા તે તીવ્રતા અને જટિલતા નહોતી. આ તત્ત્વોને મિસ કરવાનું એમના ચાહકોએ આ તબક્કેથી જ શરૂ કરી દીધું હતું.
મહેશ ભટ્ટની કામ કરવાની ગતિ હવે એકાએક તેજ થઈ જાય છે. દર વર્ષે બબ્બે-ત્રણ ત્રણ ફિલ્મો આવતી રહે છે. ૧૯૯૩માં તો એમણે ડિરેક્ટ કરેલી છ-છ ફિલ્મો રિલીઝ થાય છે. 'સર' અને 'જખમ'ને બાદ કરતાં પેલા 'સ્તરીય' મહેશ ભટ્ટ હવે શોધ્યા જડતા નથી. ૧૯૯૯માં 'યે હૈ મુંબઈ મેરી જાન' બનાવ્યા પછી તેઓ ડિરેક્શન કરવાનું સમૂળગું બંધ કરી દે છે અને માત્ર પ્રોડયુસર અથવા રાઇટર તરીકે 'રાઝ', 'જિસ્મ', 'મર્ડર' જેવી સબસ્ટાઇન્ડર્ડ ફિલ્મોની તડી બોલાવી દે છે. દર્શકોના નજરમાં આ એક દરજ્જેદાર ફિલ્મમેકરનું મુક્ત પતન હતું. મહેશ ભટ્ટ એક વાર પ્રામાણિકપણે કહ્યું હતું, 'શરીરનું સૌંદર્ય ઝાંખું પડે ત્યારે એ બધાને દેખાય છે, પરંતુ તમારી અંદર રહેલી પ્રતિભા જ્યારે કરમાવા લાગે ત્યારે એ કોઈને દેખાતું નથી. એ માત્ર તમને જ ખબર પડે છે. સિનેમાના ક્ષેત્રમાં નિષ્ફળતા તો સતત સાથે ચાલે છે, જ્યારે સફળતા એક આકસ્મિક ઘટના છે.'
સવાલો પૂછાવા સ્વાભાવિક હતા. મહેશ ભટ્ટને સવાલ થતો રહ્યોઃ વોટ્સ રોંગ વિથ યુ? ઓરિજિનલ મહેશ ભટ્ટને તમે ક્યાં છૂપાવી દીધા છે? તેઓ સહેજ પણ અફસોસ કે ઢાંકપિછોડા કર્યા વગર સ્પષ્ટપણે કહેતા રહ્યા, 'પણ મારે એક જ ટાઇપની ફિલ્મો કરવી જોઈએ એવું કોણે કહ્યું? મારી જિંદગીમાં 'અર્થ' આવી તે પહેલાં તો મને ફિલ્મલાઇનમાં જન્મતાંની સાથે મરી ગયેલો જ જાહેર કરી દેવામાં આવ્યો હતો. 'સારાંશ'થી મને ઓળખ અને પ્રતિષ્ઠા મળ્યાં, પૈસા નહીં. પૈસા તો મને આ પાછળની ફિલ્મોએ જ આપ્યા છે… અને હું ફિલ્મ લાઇનમાં પૈસા બનાવવા નહોતો આવ્યો એવું લોકોએ શા માટે ધારી લીધું હતું? આમેય એક ફિલ્મમેકર તરીકે તમારું કામ ઓડિયન્સને ખુશ કરવાનું છે, બોધ આપવાનું નહીં. મેં બંને છેડાને સ્પર્શ્યા છે - એક તરફ કમશયલ સફળતા મેળવી છે અને બીજી તરફ કહેવાતી આર્ટિસ્ટિક પ્રતિષ્ઠા પણ મેળવી છે. મેં સારી ફિલ્મો કરતાં ખરાબ ફિલ્મો વધારે બનાવી છે. 'જખમ' પછી મને થઈ ગયું કે બસ, બહુ થયું. ઇનફ ઇઝ ઇનફ. સડકછાપ વેશ્યાની જેમ દરેક ફિલ્મમેકરનો પણ એક સમયગાળો હોય છે. ફિલ્મો બનાવવાની મારી ચળ સંતોષાઈ ગઈ હતી. એટલે મેં કશુંક જુદું કરવાનું વિચાર્યું.'
મહેશ ભટ્ટને વક્ર દ્રષ્ટિએ નિહાળતા લોકોને આ સવાલ પણ થાય છેઃ મહેશ ભટ્ટ બૌદ્ધિક માણસ છે એ બરાબર છે, પણ તેઓ બૌદ્ધિક બદમાશી કરતાં પણ ખચકાતા નથી તેનું શું? શું એમનું પારદર્શક હોવું પણ એક પ્રકારનો દંભ યા તો 'પર્ફોર્મન્સ' છે? મહેશ ભટ્ટને શબ્દોને સાથે રમતા સરસ આવડે છે. એક કલાકાર તરીકેનું એમનું જે અવમૂલ્યન થયું છે તે વિશે તેઓ ભલે ગમે એટલા તાર્કિક ખુલાસા કરે, પણ એમની વાત આપણને ગળે નથી ઉતરતી તે નથી જ ઉતરતી. એમને જોકે ક્યાં કશી પરવા જ છે? તેઓ સમાજના પારંપરિક માળખાને અને વ્યાખ્યાઓને તોડીફોડીને વિદ્રોહી જીવન જીવ્યા છે. અલબત્ત, બિન્ધાસ્તપણે જીવવું અને બેધડક બેઇમાની કરવી - આ બન્નેમાં ફર્ક હોવાનો. તેઓ કહે છે, 'તમારામાં જીવન પોતાની શરતો પર જીવવાની હિંમત હોવી જોઈએ. સાચી હિંમત એટલે એકલા ઊભા રહેવાની હિંમત. જો મારું ઘર સળગી રહ્યું હોય તો હું તેમાં વધુ પેટ્રોલ રેડીને તેને સંપૂર્ણપણે બાળી નાખીશ. મને અડધા બળી ગયેલા ઘરમાં રહેવાનું પસંદ નથી.'
મહેશ ભટ્ટની બીજી પત્નીથી થયેલી પુત્રી આલિયા ભટ્ટ છેલ્લાં ઘણાં વર્ષોથી બોલિવુડની ટોપ સ્ટાર ગણાય છે. આલિયા ભલે નેપો-કિડ હોય, પણ એની પ્રતિભા વિશે ક્યારેય કોઈને શંકા રહી નથી. શું મહેશ ભટ્ટ એને કરીઅર સંબંધિત સલાહો આપતા રહે છે? તેઓ કહે છે, 'મારા પર જે જે નીતિ-નિયમ લાદવામાં આવ્યા હતા એ દરેકનું મેં ઉલ્લંઘન કર્યું છે. તો પછી હું કયા મોઢે આલિયાને કહી શકું કે તું આમ કર ને આમ ન કર? હું એને સામેથી કશું કહેતો નથી. એ જો મને પૂછે તો હું માત્ર મારો પ્રતિભાવ આપું છું. આલિયાના જીવનની લગામ એના પોતાના હાથમાં છે. પોતાનું જીવન જે દિશામાં લઈ જવું હશે એ દિશામાં તે લઈ જશે. મારી સલાહ વિના પણ તે લાઇફમાં ઘણી આગળ આવી ચૂકી છે.'
વાત તો સાચી.
શો સ્ટોપર
તને (રાખી સાવંતને) સફાઈ કામદાર તરીકે પણ કામ મળે તેમ નથી. તે માટે પણ ગુણ અને ટેલેન્ટ જોઈએ.

  • કંગના રનૌત