Ravi Purti

વિષાદ વચ્ચે ખડખડાટ હસવું પણ વિદ્રોહ છે

By GS Team
28 Nov 20263 mins read
વિષાદ વચ્ચે ખડખડાટ હસવું પણ વિદ્રોહ છે
  • લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
  • આપણાં હોવાને જો આપણે ગતિ અને દિશા, અર્થ અને આકાર, સત્વ અને સૌન્દર્ય આપવા માગતા હોઈએ તો પીડીતો સાથે પીડાવાનુ નથી પણ પીડીતો સાથે આનંદ વહેંચવાનો છે

મા રી આગળ ન ચાલતા કદાચ હું તમને અનુસરીશ નહીં. મારી પાછળ ન ચાલતા કદાચ હું તમને ક્યાંય દોરી નહીં જાઉં. મારી સાથે ચાલો, મારા મિત્ર બની રહો…
આલ્બેર કામુ
(ઈ.સ. ૧૯૧૩-૧૯૬૦)
અસ્તિત્વવાદી જીવન-દર્શન આજે પણ સૌને આકર્ષે છે તેનું કારણ એ છે કે તે વ્યાખ્યાન કે અભ્યાસખંડોથી વધારે 'પેરિસના કાફે દ ફ્લોર' અને 'કાફે દ ડયુ મેગોટ્સમાં વધારે ચર્ચાયું છે. ત્યાં સંવાદો અને વિવાદો થયા, ત્યાં મૈત્રી અને વૈમનસ્ય પણ થયા. અહીં ત્રણ મિત્રો મળતા : જ્યોં પોલ સાર્ત્રે, આલ્વેર કામુ અને સિમોન દ બુવા આ બધાના વિચાર-યજ્ઞાોમાં દઝાડે તેવા વિચારો પણ રજુ થતાં જેનો ઉજાસ આજે પણ ભળાય છે. આવો, એક પ્રચંડ અને પ્રગાઢ એવા સંવાદના સાક્ષી બનીએ;
સિમોન દ બુવા - આ જગતમાં આટલી બધી પીડા, વેદના, અભાવો હોય તો આપણે આનંદ કેમ કરી શકાય?
આલ્બેર કામુ : જો તમે આનંદ નહીં કરો તો તમે પણ દુઃખીઓની સંખ્યામાં વધારો કરો છો.
આલ્બેર કામુ કહેતા, 'હું વિદ્રોહ કરું છું તેથી હું છું.' આ આક્રમક-હિંસક જગતમાં પ્રેમ-મૈત્રી કરવી એ સ્વાતંત્ર્ય છે, વિદ્રોહ છે; પસંદગી છે, નિર્ણય છે. અફાટ અંધકાર વચ્ચે એક દીવો કરવો કે રણ વચ્ચે એક છોડ ઉજેરવો પણ ક્રાંતિ છે. વિષાદ વચ્ચે ખડખડાટ હસવું પણ વિદ્રોહ છે. આલ્વેર કામુ માનતો કે જીવન-જગત એબ્સર્ડ છે. આપણે જીવનનો આશય અને અર્થ, તર્ક અને વ્યવસ્થા સમજવી છે પણ બ્રહ્માંડ નિરુતર છે. તેથી વ્યક્તિએ જ જીવનને એકાદ કૃત્ય દ્વારા અર્થ આપવાનો છે. એકાદ વિદ્રોહ દ્વારા પોતાનું સ્વાતંત્ર્ય પુરવાર કરવાનું છે. તે માટે જીવતર ભલે દાવ પર લગાવવું પડે.
તેના 'ધ ફોલ'માં તે કહે છે, 'અસ્તિત્વમાં મોટો ભય મૃત્યુનો નથી પણ જીવનનો છે. આપણે ડરીએ છીએ કે દરરોજ સવારે ઉઠીને એ જ સંઘર્ષ અને નિરાશાઓ, પીડા અને હતાશાઓ. આપણે ડરીએ છીએ કે કશું બદલાશે નહીં. અહીં ભાગી ન શકાય એવા પીડાના વર્તુળો જ છે. આ ભય નીચે આપણે મરણિયા થઇ એવું કશું ઝંખવાનુ છે જે આ ઘટમાળ તોડે, એક સરખા દિવસોનું રોજીંદાપણું વિખેરે અને આપણને બહાર કાઢે.' આપણાં હોવાને જો આપણે ગતિ અને દિશા, અર્થ અને આકાર, સત્વ અને સૌન્દર્ય આપવા માગતા હોઈએ તો પીડીતો સાથે પીડાવાનુ નથી પણ પીડીતો સાથે આનંદ વહેંચવાનો છે. આ હતાશ અને નિરાશ જગત વચ્ચે ઉલ્લાસ વહેંચવાનો છે. મુલ્યવાન વિચારનો ખરો પડકાર આચાર છે. તેની ખરી કસોટી બીજો વિચાર નથી પણ તેનો જીવન-પ્રયોગ છે. ઘસઘસાટ ઊંઘતા જગત સાથેની ભાગીદારી તે બધા સાથેની નિદ્રા નથી પણ સ્વયં જાગતા રહીને તેને જગાડવામાં છે. સાહિર લુધિયાનવી કહે છે :
માના કિ ઇસ જમીં કો ન
ગુલજાર કર સકે
કુછ ખાર કમ તો કર ગયે
ગુજરે જિધર સે હમ