Ravi Purti

બૅરિસ્ટર થઈ ગયા પછી પણ ઈંગ્લેન્ડમાં વલ્લભભાઈને ૬ મહિના વધારે રહેવું પડયું

By GS Team
8 Aug 20264 mins read
બૅરિસ્ટર થઈ ગયા પછી પણ ઈંગ્લેન્ડમાં વલ્લભભાઈને ૬ મહિના વધારે રહેવું પડયું
  • સરદાર @150-હસિત મહેતા
  • નવરાશના આ છ મહિનાનો વલ્લભભાઈએ બે રીતે ઉપયોગ કર્યો. એક તો તેઓ ઈંગ્લેન્ડમાં જ ઘણું ફર્યા, અને તેથી વિશેષ ત્યાંની અદાલતોમાં ચાલતાં કેસોને સાંભળવા કલાકો સુધી કોર્ટરુમોમાં બેસી રહ્યાં. દરમ્યાન માત્ર નાઈટ ડીનર્સમાં હાજરી આપવા સિવાય તેમને કોઈ બીજી જવાબદારી હતી નહીં. આમ છતાં ઈંગ્લેન્ડની જડ અને ડિપ્લોમેટિક પ્રથાને કારણે ત્યાં વલ્લભભાઈને અને ભારતમાં તેમના મા વિનાના બાળકોને કોઈ કારણ વગર, સાવ નક્કામો છ મહિનાનો વિરહ વેઠવો પડયો.
  • તે વખતે ઈંગ્લેન્ડમાં રહેતા ભારતીયો અને ભારતમાં રહીને આવેલા અંગ્રેજો (જે ઈંગ્લેન્ડમાં ઍંગ્લો-ઈન્ડિયન તરીકે ઓળખાતા) એ બંને વર્ગમાં વલ્લભભાઈની ઘણી બોલબાલા થઈ
  • લંડનની કોર્ટરૂમ

વ લ્લભભાઈ ઈંગ્લેન્ડમાં બૅરિસ્ટરીની આખરી પરીક્ષા ઓનર્સ સાથે, ઉચ્ચવર્ગ મેળવીને નિશ્ચિત સમય કરતાં ઘણાં વહેલા પાસ થઈ ગયાં. એ સમય હતો ઈ.સ.૧૯૧૨નો જૂન મહિનો. હજુ તો ચારેક ટર્મ બાકી હતી અને તેઓએ બૅરિસ્ટરી મેળવી લીધી હતી. પરંતુ મિડલ ટેમ્પલના નિયમ મુજબ માત્ર બે જ ટર્મ માફ કરીને વહેલી ડીગ્રી આપી શકાય. તો બાકીના બે ટર્મ કરવાનું શુ? માત્ર ભોજન સમારંભ (ડીનર્સ)માં હાજરી આપ્યા વગર વલ્લભભાઈને બીજું કોઈ કામ ઈંગ્લેન્ડમાં રહ્યું નહોતું.
આ રીતે બૅરિસ્ટરીની આખી પરીક્ષા ચારેક ટર્મ વહેલી પાસ કરવી, અને તે પણ ઓનર્સ સાથે, તે અસાધારણ સિદ્ધિ હતી. આ માટે તે વખતે ઈંગ્લેન્ડમાં રહેતા ભારતીયો અને ભારતમાં રહીને આવેલા અંગ્રેજો (જે ઈંગ્લેન્ડમાં ઍંગ્લો-ઈન્ડિયન તરીકે ઓળખાતા) એ બંને વર્ગમાં વલ્લભભાઈની ઘણી બોલબાલા થઈ. આ સમાચાર ત્યાં વાયુ વેગે ફેલાઈ ગયા. એક વર્તમાનપત્રમાં આવેલા ભારતીય વિદ્યાર્થીના આવા વખાણ વાંચીને મી.શેપર્ડ નામના એક નિવૃત્ત આઈ.સી.એસ. અધિકારી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે તરત જ વલ્લભભાઈને પોતાને ઘેર મળવા અને જમવા બોલાવ્યાં. આ મી. શેપર્ડ ભારતમાં લાંબો સમય સેવારત્ હતા. તેઓ જ્યારે અહીં ઉત્તર વિભાગના કમિશ્નર તરીકે હતા, તે વખતે તેમણે પાટીદાર સમાજમાં ઘણાં સામાજિક સુધારણાના પ્રયત્નો કર્યા હતા.
આથી ઈંગ્લેન્ડમાં પણ એક ભારતીય પાટીદારે દુનિયાઆખીના ગોરા વિદ્યાર્થીઓ વચ્ચે પહેલે નંબરે બૅરિસ્ટરી પાસ કરીને પચાસ પાઉન્ડનું ઈનામ મેળવ્યું, એ વાતથી તેઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા, અને વલ્લભભાઈને મળવા તથા સન્માનવા ઉત્સુક થયા હતા.
વલ્લભભાઈને પહેલે નંબરે પચાસ પાઉન્ડનું ઈનામ મળવાનાં સમાચાર ઘણાં મોડેથી મળ્યાં હતા. એમના મનમાં તો એક જ વાત રમતી હતી, કે નાના છોકરાઓ ભારતમાં એકલા છે, અને ચાર ટર્મની માફી કરાવીવને બને તેટલાં વહેલાં ભારત રવાના થઈ
જવાનું છે.
બૅરિસ્ટરીની બધી પરીક્ષાઓમાં પોતે પાસ થઈ ગયાં છે, એટલું જ પરિણામ જાહેર થયું કે તરત જ તેમણે ભારતમાં સગાસંબંધીઓને પત્રો લખીને પોતે વહેલાં ભારત આવી રહ્યાં છે, તેવા શુભસમાચાર વધું પડતાં ઉત્સાહથી લખી તો દીધાં, પણ તેમની મિડલ ટેમ્પલ કૉલેજ તેમને આ માટેની તેમની ઈચ્છા મુજબની પરવાનગી આપવા તૈયાર નહોતી.
એ વાત ખરી કે જે વિદ્યાર્થી એકસાથે બધી પરીક્ષા આપી દે, તેને અમુક(બે જ) ટર્મની માફી મળે. પરંતુ વલ્લભભાઈ તો ચાર ટર્મ વહેલાં પાસ થઈ ગયા હતા. એટલે કે એક વર્ષ આખું વધારાનું થઈ ગયું હતું. આથી વલ્લભભાઈએ મિડલ ટેમ્પલને ચાર ટર્મની માફી આપવા અરજી કરી. તેઓ ત્યાંના માત્ર બે જ ટર્મ માફ કરી શકાય, તે નિયમને સ્વીકારવા તૈયાર જ નહોતા. તેમણે પોતાની આ સ્પેશ્યલ અરજીમાં અસરકારક દલીલો લખી. પોતાને ઈંગ્લેન્ડના વાતાવરણમાં ઘણી માંદગીઓ રહે છે, પગનું ઓપરેશન કરવું પડેલું છે, ભારતમાં નાના બાળકો એકલા રહે છે, કારણ વગર ઈંગ્લેન્ડમાં રહેવાનો ખર્ચ ભારે પડે છે, ઈંગ્લેન્ડની શિયાળાની ઠંડી તેમના સ્વાસ્થ્ય માટે જોખમકારક છે, પોતાને દસ વર્ષની વકીલાતનો અનુભવ છે….. આવા આવા કારણો આગળ ધરીને વલ્લભભાઈએ ચાર ટર્મ માફી મળે તે માટે અરજી કરી.
પરંતુ મિડલ ટેમ્પલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સએ વલ્લભભાઈની આ અરજી નકારી કાઢી. તેમાંય જે ડિરેક્ટર્સ હિંદુસ્તાનમાં રહીને આવ્યાં હતા, તેમણે એવા કારણે વિરોધ કર્યો કે જો આ રીતે આટલા ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં કોઈને બૅરિસ્ટરી મળી જશે, તો ભારતમાંથી ઢગલાબંધ લોકો અહીં બૅરિસ્ટર થવા આવી જશે, અને આ ડીગ્રીનું મૂલ્ય ઘટી જશે.
આમ વલ્લભભાઈ ઈંગ્લેન્ડમાં ૧ વર્ષ વહેલાં બૅરિસ્ટરની બધી પરીક્ષાઓ પાસ કરી લીધી હોવા છતાં તેમની માત્ર બે જ ટર્મ (છ મહિના)ની માફી મંજુર થઈ, પણ બાકીના છ મહિના તો એમણે ફરજ્યિાત ઈંગ્લેન્ડમાં રહેવું જ પડયું.
નવરાશના આ છ મહિનાનો વલ્લભભાઈએ બે રીતે ઉપયોગ કર્યો. એક તો તેઓ ઈંગ્લેન્ડમાં જ ઘણું ફર્યા, અને તેથી વિશેષ ત્યાંની અદાલતોમાં ચાલતાં કેસોને સાંભળવા કલાકો સુધી કોર્ટરુમોમાં બેસી રહ્યાં. દરમ્યાન માત્ર નાઈટ ડીનર્સમાં હાજરી આપવા સિવાય તેમને કોઈ બીજી જવાબદારી હતી નહીં. આમ છતાં ઈંગ્લેન્ડની જડ અને ડિપ્લોમેટિક પ્રથાને કારણે ત્યાં વલ્લભભાઈને અને ભારતમાં તેમના મા વિનાના બાળકોને કોઈ કારણ વગર, સાવ નક્કામો છ મહિનાનો વિરહ વેઠવો પડયો.