ચંદ્રભાગા : સોમનાથમાં જ્યોર્તિલિંગની સાથે શક્તિપીઠ સ્વરૂપે બિરાજતા મહાકાળી

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- ૫૧માંથી એક મહાશક્તિપીઠ સોમનાથમાં છે, એ મંદિર ૮૫૦ વર્ષ જૂનું છે. ભગવાન સોમનાથના દર્શન કરીને આવી જતાં મોટાભાગના શ્રદ્ધાળુઓને આ શક્તિપીઠની જાણકારી નથી
૫૧, ૫૨, ૬૪, ૭૨ કે ૧૦૮ - શક્તિપીઠ કેટલી?
આપણે બોલચાલમાં ૫૧ શક્તિપીઠનો ઉલ્લેખ કરીએ છીએ, પણ ખરેખર આંકડો કેટલો છે?
શક્તિપીઠના સર્જનની કથા બહુ જાણીતી છે: દક્ષ પ્રજાપતિએ યજ્ઞા કર્યો, એમાં દીકરી સતી અને જમાઈ શિવને આમંત્રણ ન આપ્યું. સતી શિવની રજા લઈને આમંત્રણ ન હોવા છતાં યજ્ઞામાં જાય છે. પતિ શિવનું અપમાન સહન ન થતાં સતીએ યજ્ઞાકુંડમાં પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. સતીએ યજ્ઞામાં પ્રાણ છોડયા છે એ વાતની જાણ ભગવાન શિવને થઈ. શિવ કોપાયમાન થયા. યજ્ઞા સ્થળનો વિનાશ કર્યો, દક્ષનો વધ કર્યો. યજ્ઞાકુંડમાંથી સતીનું શરીર ખભે નાખીને ભગવાન શિવ પૃથ્વી ઉપર ઘૂમવા લાગ્યાં. તેમના રૂદ્ર રૂપથી હાહાકાર મચી ગયો. શિવજીએ તાંડવ શરૂ કર્યું. ખભા ઉપર સતીનો દેહ લઈને શિવજીને આમથી તેમ ભટકતા જોઈને ત્રણેયલોક વ્યાકુળ થયાં. દેવતાઓએ ભગવાન વિષ્ણુને એમાંથી કંઈક માર્ગ કાઢવાની વિનંતી કરી.
ભગવાન વિષ્ણુએ શિવજીનો ક્રોધ અને પીડા શાંત કરવા માટે સુદર્શન ચક્રથી શિવજીને ખભે રહેલાં માતા સતીના દેહનો એક પછી એક હિસ્સો અલગ કર્યો. શિવજી તાંડવ નૃત્યમાં પગ જમીન ઉપર પછાડતાં બરાબર એ જ સમયે ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્રથી સતીના દેહનો એક હિસ્સો અલગ કરીને જમીન ઉપર મૂકી દેતા હતા. આ રીતે સતીના શરીરના ભાગ જ્યાં જ્યાં પડયા એ સ્થળોએ શક્તિપીઠનો ઉદય થયો. દરેક શક્તિપીઠમાં શિવજી ભૈરવ સ્વરૂપે બિરાજમાન થયા. એ રીતે જ્યાં શક્તિપીઠ હોય છે ત્યાં અચૂક કોઈ સ્વરૂપે ભૈરવ પણ હાજર
હોય છે.
શક્તિપીઠની સંખ્યા વિશે શાસ્ત્રો એકમત નથી. દેવી પુરાણમાં ૫૧ શક્તિપીઠોની વાત કહેવાઈ છે. દેવી ભાગવતમાં ૧૦૮ શક્તિપીઠો હોવાનું કહેવાયું છે. એમાં મહાદેવીના આભૂષણો જે સ્થળોએ પડયાં છે તેનોય ઉલ્લેખ શક્તિપીઠ તરીકે કરાયો છે. તંત્ર ચૂડામણિમાં શક્તિપીઠોનો આંકડો બાવન ગણાયો છે. તો દેવી ગીતામાં શક્તિપીઠો ૭૨ હોવાનું નોંધાયું છે. પણ આપણે ત્યાં દેવી પુરાણના ૫૧ શક્તિપીઠોના આંકડાંને સ્વીકૃત ગણવામાં આવ્યો છે. જગદ્ગુરુ ભગવાન આદિ શંકરાચાર્યએ અષ્ટદશ શક્તિપીઠ સ્તોત્રમ્માં ૧૮ શક્તિપીઠને મહાશક્તિપીઠનું બહુમાન આપ્યું હતું. એ રીતે ૧૮ સ્થળોને શક્તિની આરાધના માટે સૌથી અગત્યના ગણવામાં આવ્યાં છે.
ભિન્ન ભિન્ન ગ્રંથો પ્રમાણે ૫૧ શક્તિપીઠોને આદિ શક્તિપીઠ એવું નામ અપાયું છે ને એ સિવાય ઘણાં પ્રાચીન દેવી મંદિરોને શક્તિપીઠ કહીને સ્વીકારવામાં આવ્યા છે. આદિ શંકરાચાર્યના ૧૮ મહાશક્તિપીઠોની જેમ ઘણાં વિદ્વાનોએ ૪૮ મંદિરોને મહાશક્તિપીઠ ગણીને ચાર મંદિરોને આદિ શક્તિપીઠ ગણ્યાં છે.
શક્તિપીઠોના સ્થળ અંગે પણ એટલાં જ મતમતાંતરો છે. માતા દુર્ગાના કેટલાક મંદિરોને સદીઓથી સ્થાનિક શ્રદ્ધાળુઓ શક્તિપીઠ માનીને પૂજે છે, પણ વિદ્વાનો એને અન્ય સ્થળોએ ગણાવે છે. અમુક શક્તિપીઠની બાબતમાં એવુંય બને છે કે બે સ્થળોનો દાવો હોય છે. સમયાંતરે બંનેને શક્તિપીઠ તરીકે શ્રદ્ધાળુઓ સ્વીકારતા હોય એવું પણ બનવા લાગ્યું છે. આ રીતે ભલે ૫૧ શક્તિપીઠનો આંકડો માન્ય રખાયો છે, પરંતુ રાજ્યો પ્રમાણે જે મંદિરો શક્તિપીઠનો દાવો રજૂ કરે છે એ તમામને માન્યતા મળે તો આંકડો ૧૦૮ સુધી પહોંચી જાય.
કાલિકા પુરાણ, દેવી ભાગવત, તંત્ર ચૂડામણિ જેવા ગ્રંથોમાં ઉલ્લેખ હોય એવું જ એક પ્રાચીન ચંદ્રભાગા મંદિર સોમનાથમાં છે, પરંતુ ગુજરાતના શક્તિપીઠ ગણાતા જગવિખ્યાત મંદિરો અંબાજી, પાવાગઢના મંદિર જેટલું ચંદ્રભાગા મંદિર પ્રચલિત નથી.
આદિ શંકરાચાર્યના સ્તોત્રમ્ પ્રમાણે તો પશ્ચિમ બંગાળના પાંડુઆમાં શ્રીંકાલા મંદિરમાં માતા સતીનો ઉદર (પેટ)નો ભાગ સ્થાપિત થયો હતો અને ત્યાં પ્રાચીન મંદિર છે, પરંતુ શાક્ત સંપ્રદાયની માન્યતા અને જુદા જુદા પુરાણોના સંદર્ભ પ્રમાણે માતા સતીના ઉદરનો ભાગ પ્રભાસ ક્ષેત્રમાં પડયો હતો. આજે એ સ્થળે ચંદ્રભાગા મંદિર છે. સ્થાનિક લોકો તેને મહાકાળીનું મંદિર કહે છે. મંદિરમાં માતા કાળી સ્વરૂપે બિરાજે છે અને તેમના ઉદરનો ભાગ ઊંડો દેખાય એવી મૂર્તિ છે, ઉદરનો ભાગ અહીં હોવાનું એ પ્રતીક છે.
ચંદ્રભાગા મંદિર સરસ્વતી, હિરણ અને કપિલા નદીના ત્રિવેણી સંગમ પાસે આવેલું છે. સોમનાથના મુખ્ય મંદિરથી માંડ એકાદ કિલોમીટર દૂર છે. કેસરી રંગથી શોભતા આ મંદિરની બહાર એક તરફ લખવામાં આવ્યું છે : 'ચંદ્રભાગા મહાકાળી શક્તિપીઠ.' આ મંદિરની રક્ષા વક્રતુંડેશ્વર ભૈરવ કરે છે એટલે મહાકાળીની સાથે ભૈરવની પણ મૂર્તિ સ્થાપિત થઈ છે. મંદિરમાં રંગરોગાન થયા હોવાથી નવું લાગે છે, પરંતુ એ ખરેખર ૮૫૦ વર્ષ જૂનું છે. કદાચ સમયે સમયે તેનું સમારકામ થયું હશે અને એટલે ૮૫૦ વર્ષ જૂના મંદિરના અવશેષો પહેલી નજરે દેખાતા નથી.
મંદિરમાં બીજી તરફ 'શ્રી સિદ્ધ ચંદ્રભાગા શક્તિપીઠ' એમ લખ્યું છે ને તેની બરાબર નીચે 'પંચ દશનામ જૂના અખાડા' એવું લખાયું છે એટલે ચંદ્રભાગા મંદિરની પૂજા અખાડાને આધીન છે. મંદિરમાં એક ધાતુની બનેલી માતાજીની મહાકાળી સ્વરૂપની મૂર્તિ પણ રાખવામાં આવી છે. જેના પર વસ્ત્રાભૂષણો, મુગટ, ઘરેણા અને છત્રની શોભા થઈ છે.
સ્થાનિક લોકોમાં એક પ્રચલિત માન્યતા એવી છે કે મહમૂદ ગઝનીએ જ્યારે સોમનાથ મંદિર લૂટયું ત્યારે તેના બર્બર સૈનિકોએ આ પ્રાચીન મંદિરને પણ નુકસાન પહોંચાડયું હતું. આક્રમણો બાદ, ખાસ તો સોલંકીકાળમાં સોમનાથ મંદિર બન્યું એ સમયે ચંદ્રભાગા મંદિરનું પણ નિર્માણ થયું હતું. ત્યારબાદની સદીઓમાં વિધર્મી આક્રમણોમાં સોમનાથના મંદિરની સાથે પ્રભાસ ક્ષેત્રના પ્રાચીન મંદિરોને નુકસાન થતું રહ્યું હતું. એમાં આ મંદિરનો પણ સમાવેશ થાય છે. ૧૨ સદીમાં ચંદ્રભાગા મંદિર ફરીથી બન્યું હતું ને પછી જરૂર જણાતી ગઈ એમ એનું સમારકામ થતું ગયું. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસમાં ચંદ્રભાગા મંદિરનો ઉલ્લેખ મળે છે. સોલંકીકાળમાં પ્રભાસક્ષેત્ર શક્તિ ઉપાસનાનું મહત્ત્વનું કેન્દ્ર હતું અને સોમનાથ મંદિરની આસપાસમાં સૂર્ય મંદિરોની સાથે ચંદ્રભાગા મંદિર હોવાની નોંધ થઈ છે. એ રીતે અહીં ૮૦૦-૧૦૦૦ વર્ષ પહેલાં પણ મંદિર હતું.
ગુજરાતમાં અલગ અલગ સંદર્ભો પ્રમાણે ત્રણ મંદિરોને શક્તિપીઠ તરીકે વિદ્વાનો માન્ય ગણે છે. એમાં અંબાજી કે જ્યાં માતાજીનું હૃદય સ્થાપિત છે તે સર્વાધિક લોકપ્રિય શક્તિપીઠ છે. દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ અંબાજી આવે છે. પાવાગઢ, જ્યાં માતાજીનો જમણો પગ બિરાજમાન છે તે શક્તિપીઠ છે. ત્રીજું મંદિર છે - ચંદ્રભાગા, જ્યાં માતાજીનું ઉદર છે.
એમ તો બહુચરાજી, ચોટીલા અને ભરૂચના અંબાજીના મંદિરો માટે પણ શક્તિપીઠ શબ્દ પ્રયોજાય છે. જોકે, આ મંદિરોને પ્રાચીન આધાર મળતો નથી. રસપ્રદ બાબત એ છે કે અત્યારના ધાર્મિક સંદર્ભો ટાંકીને પ્રચલિત માધ્યમોમાં જે ત્રણ કે ચાર મંદિરોને શક્તિપીઠ ગણાવવામાં આવે છે એમાં ચંદ્રભાગાનો ઉલ્લેખ ભાગ્યે જ થાય છે, કહો કે થતો જ નથી.
શક્તિપીઠોના સ્થળ અને નામ બાબતે જે ગ્રંથોને માન્ય ગણાવાયા છે એમાંનાં એક એવા 'તંત્ર ચૂડામણિ'માં 'પીઠનિર્ણય'નો એક હિસ્સો છે. તેમાં ચંદ્રભાગા શક્તિપીઠના સમર્થનમાં એક શ્લોક છે:
પ્રભાસે ચ ઉદરં મેં પતિતં તત્ર સુંદરી
ચંદ્રભાગા મહાદેવી ભૈરવસ્તત્ર વક્રતુંડ:
અર્થાત્ પ્રભાસ ક્ષેત્રમાં માતા સતીનું ઉદર પડયું હતું. તે શક્તિને ચંદ્રભાગા મહાદેવી કહેવામાં આવે છે અને ત્યાં ભૈરવ વક્રતુંડ નામથી ઓળખાય છે.
પ્રભાસ ક્ષેત્ર, સોમનાથ મંદિર સદીઓ પહેલાં શિવની ઉપાસનાની સાથે સાથે શક્તિની ઉપાસનાનું કેન્દ્ર હતું, પરંતુ પ્રાચીન ઉલ્લેખ અને મહત્ત્વ છતાં દુર્ભાગ્યે આજે ચંદ્રભાગા મંદિર તરફ સોમનાથ આવતા શ્રદ્ધાળુઓનું ધ્યાન જતું નથી.
પશ્ચિમ બંગાળ : સર્વાધિક શક્તિપીઠ ધરાવતું રાજ્ય
પશ્ચિમ બંગાળ દેવીની આરાધના, દુર્ગાપૂજા માટે જગવિખ્યાત છે. એનું એક કારણ ત્યાં આવેલી સંખ્યાબંધ શક્તિપીઠ છે. ભારતમાં પશ્ચિમ બંગાળ એકમાત્ર રાજ્ય છે જ્યાં ૧૨-૧૨ શક્તિપીઠ છે. જે મંદિરોનો શક્તિપીઠ હોવાનો પ્રાચીન દાવો છે એને ગણતરીમાં લઈએ તો આંકડો ૧૬ સુધી પહોંચી જાય છે. જે ચાર શક્તિપીઠને આદિ શક્તિપીઠનું સન્માન મળે છે એમાં કોલકાત્તાના કાલિઘાટ મંદિરનો સમાવેશ થાય છે. તંત્રશાસ્ત્રમાં સર્વાધિક અગત્યના મંદિરોમાં આ મંદિર પણ છે. જે ૧૮ મહાશક્તિપીઠના વર્ણનો આદિ શંકરાચાર્યએ કર્યા છે એમાં બંગાળના કાલિઘાટ મંદિરનો નહીં, પરંતુ શ્રીંકાલા મંદિરનો ઉલ્લેખ છે. જોકે, ૧૮ મહાશક્તિપીઠોમાં બંગાળ કરતાં ત્રણ મંદિરો સાથે આધ્રપ્રદેશ
પહેલા ક્રમે છે.




