ઉંબરની પેલે પાર

- નિલેશ અંતાણી
- 'માણસ નથી બદલાતા કૃતિકા, ખાલી દ્રષ્ટીકોણ બદલાય છે. મેં મારી રેખા લાંબી કરી, એટલે એમની રેખા આપોઆપ નાની થઇ ગઈ. પણ વાંધો નહીં. હવે અમે સમાંતર ચાલી શકીશું.'
- વર્ષોથી હું તમારા અને ઘરના પડછાયામાં જીવી છું. મને એમ હતું કે તમારી નિવૃત્તિ પછી આપણે સાથે મળીને જીવીશું. પણ તમારી નિવૃત્તિ તો મારા માટે એક નવી કેદ બની ગઈ છે. સવારથી સાંજ સુધી તમારી સૂચનાઓ, તમારી રોકટોક…
વ ડોદરાના અલકાપુરી વિસ્તારના એક સુઘડ ફ્લેટના ડ્રોઇંગ રૂમમાં બપોરનો તડકો બારીની જાળીમાંથી ચળાઈને સોફા પરની ડિઝાઈન પર આકૃતિઓ દોરી રહ્યો હતો. પણ કુંદન માટે આ બપોર આરામની નહોતી, પણ એક અદ્રશ્ય તણાવની હતી. દીવાલ પર લટકતી ઘડિયાળનો 'ટિક-ટિક' અવાજ જાણે તેનાં હૃદયનાં ધબકારા સાથે હોડમાં ઉતર્યો હોય એમ ભાસતું હતું.
સામેની આરામ ખુરશી પર અવિનાશરાય બેઠા હતા. હાથમાં છાપું હતું, પણ નજર ક્યાંક શૂન્યમાં હતી. નિવૃત્તિ… આ શબ્દ કુંદનના જીવનમાં એક મોટા ભૂકંપની જેમ આવ્યો હતો. ્વિનાશરાય જિલ્લા પંચાયતની ઓફિસમાં ક્લાસ વન અધિકારી હતા. જ્યાં સુધી નોકરી ચાલુ હતી ત્યાં સુધી સવારના નવથી રાત્રીનાં આઠ વાગ્યા સુધી કુંદનનું ઘર પર એકચક્રી શાસન હતું. પણ છેલ્લા આઠ મહીનાથી ચિત્ર બદલાઈ ગયું હતું. ઓફિસની ફાઈલોનો નિકાલ કરતાં અવિનાશરાય હવે ઘરના શાકભાજીના હિસાબમાં અને દૂધની થેલીઓના ફેટની ટકાવારીમાં રસ લેતા થઇ ગયા હતા.
'કુંદન…' અવિનાશરાયનો ભારેખમ અવાજ ગુંજ્યો.
કુંદન રસોડામાં લોટ બાંધતી હતી, ત્યાં જ હાથ લૂછતી બહાર આવી.
'હા, બોલો.'
'આ પંખો પાંચ નંબર પર કેમ છે ? અત્યારે તો વાતાવરણમાં ઠંડક છે. ત્રણ પર પણ ચાલે. વીજળીનું બિલ જોયું છે છેલ્લા બે મહીનાનું ?' કુંદને ઉંડો શ્વાસ લીધો અને પંખાનું રેગ્યુલેટર ફેરવ્યું. આ રોજનું હતું. ક્યારેક શાકમાં મીઠું વધારે હોવાની ફરીયાદ, તો ક્યારેક ધોબીએ કપડાંને બરાબર ઇસ્ત્રી નથી કરી તેની પંચાત. કુંદનને થતું કે શું આ એજ પુરૂષ છે જેની સાથે તેણે પાંત્રીસ વર્ષ વિતાવ્યાં છે ? કે પછી ખુરશી ઉતરી ગયા પછીના માણસનો અંદરનો ખાલીપો તેને કોરી ખાય છે ? તે પાછી રસોડામાં ગઇ. આજે રવિવાર હતો. હમણાં જ તેની દીકરી કૃતિકા આવવાની હતી. કૃતિકા મુંબઇમાં પત્રકાર હતી. તેના આવવાના સમાચાર માત્રથી કુંદનના ચહેરા પર થોડી રોનક આવી જતી. કૃતિકા એટલે કુંદનની દબાયેલી ઇચ્છાઓનું મુક્ત આકાશ.
બપોરે જમતી વખતે ડાઇનિંગ ટેબલ પર અવિનાશરાયે થાળીમાંની રોટલી તરફ જોઇને કહ્યું, 'આજે રોટલી થોડી જાડી નથી લાગતી ? કે પછી કૃતિકા આવે છે એટલે ઉતાવળમાં બનાવી નાખી ?'
કુંદન પીરસતી પીરસતી અટકી ગઈ. તેનાથી રહેવાયું નહીં,
'રોજ તો તમને સરખી લાગે છે, આજે કૃતિકા આવવાની છે એટલે તમને બધું જૂદું લાગે છે. તમારો મૂડ ઓફિસનાં સાહેબ જેવો છે. પણ હવે અહીં કોઈ પ્યુન નથી. હું છું.'
અવિનાશરાય ચમક્યા. કુંદન સામાન્ય રીતે સામે જવાબ આપતી નહોતી. તેમને કુંદન સામું ધારદાર નજરે જોયું, પણ કુંદન નજર મિલાવ્યા વગર રસોડામાં ચાલી ગઈ. અંદર જઇને તેણે આંખનાં ખુણાં લૂછ્યાં. સ્ત્રીનું જીવન એટલે શું ? બાળપણમાં પિતાની આજ્ઞા, જુવાનીમાં પતિની આજ્ઞા અને ઘડપણમાં કોની ?
ડોરબેલ વાગી. કુંદને ચહેરા પરનું સ્મિત સરખું કર્યું. અને દરવાજો ખોલ્યો. કૃતિકા ઉભી હતી. જીન્સ અને કુર્તામાં સજ્જ, ખભે લેપટોપ બેગ અને હાથમાં એક નાનકડું ગિફ્ટ રેપર.
'મમ્મી !' કૃતિકા તેને ભેટી પડી. એ સ્પર્શમાં એક હુંફ હતી જે કુંદનને છેલ્લા ઘણાં સમયથી સાંપડી નહોતી.
જમ્યા પછી બધા હોલમાં બેઠા હતા. અવિનાશરાય કૃતિકાને પોલીટીક્સ અને દેશની સ્થિતિ વિશે પૂછી રહ્યા હતા, જાણે ઇન્ટરવ્યૂ લઇ રહ્યા હોય. કૃતિકાએ વચ્ચે જ વાત કાપી અને કુંદન તરફ ફરી.
'મમ્મી, તને યાદ છે તે પેલી એક ટૂંકી વાર્તા લખેલી ? 'ઝાકળનું ટીપું ?' પેલા કોલેજ મેગેઝીન માટે?'
કુંદન હસી. 'અરે ગાંડી, એ તો એક જમાનો વીતી ગયો. હવે ક્યાં યાદ કરાવે છે ?'
'ના, મારે યાદ કરાવું છે. મે એ વાર્તા મારા એડિટર મિત્રને વંચાવી હતી. એ લોકો એક નવી સિરિઝ શરૂ કરે છે - 'ગૃહિણીઓની કલમે' અને તારી લેખનશૈલી એમને બહુ ગમી છે. આવતા અઠવાડીયે અમદાવાદમાં એક વર્કશોપ છે, જેમાં જાણીતા સાહિત્યકારો આવવાના છે. મેં તારું નામ રજિસ્ટર કરાવી દીધું છે.'
ડ્રોઇંગરૂમમાં સોપો પડી ગયો. અવિનાશરાયે ચશ્મા નાક પરથી સહેજ નીચે ઉતાર્યા.
'વર્કશોપ ? અમદાવાદ ? આ ઉંમ્મરે ?' અવિનાશરાયનો અવાજ વ્યંગ્યાત્મક હતો. 'કુંદન, તું શું હવે લેખિકા બનશે ? ઘરનાં કામ કોણ કરશે ? અને તું જાણએ છે ને કુંદન, મને સમયસર જમવાનું અને દવા જોઇએ છે. આ ઉંમરે આવી દોડધામ શરીરને ન પોષાય.'
કુંદન નીચું જોઈ ગઈ. તેની અંદર એક ઉમળકો જાગ્યો હતો, પણ વર્ષોની દબાયેલી માનસિકતાએ તેને રોકી રાખી.
કૃતિકાએ પિતા સામે જોયું. 'પપ્પા, તમે રિટાયર થયા છો, મમ્મી નહીં. હકીકતમાં મમ્મીએ ક્યારેય રજા લીધી જ નથી. રવિવારે પણ નહીં અને તહેવારોમાં પણ નહીં. તમે આખી જિંદગી ઓફિસમાં ફાઈલો સંભાળી, મમ્મીએ ઘર સંભાળ્યું. હવે જ્યારે તમારી પાસે સમય છે તો તમે ઘર કેમ ન સંભાળી શકો ? બે દિવસની તો વાત છે.'
'એ બધું બોલવામાં સારૃં લાગે કૃતિકા.' અવિનાશ રાયે હાથ ઝાટક્યો.
'વ્યવહારમાં આ બધું ન ચાલે. અને આમ પણ કુંદનને હવે આ બધામાં રસ નહીં હોય. કેમ કુંદન ?'
તેમણે કુંદન પાસે સમર્થનની આશા રાખી હતી. વર્ષોથી કુંદન તેમની 'હા' માં 'હા' મિલાવતી આવી હતી.
પણ આજે કુંદનનું મન કંઇક જુદું જ વિચારી રહ્યું હતું. તેને યાદ આવ્યું. લગ્ન પહેલાં તો તે હાથમાં પુસ્તકો લઈને ફરતી, કવિતાઓનાં કાર્યક્રમોમાં આગળની હરોળમાં બેસતી. લગ્ન પછી અવિનાશની કારકિર્દી, બાળકોનો ઉછેર, સામાજિક પ્રસંગો… આ બધામાં એ રસોડાના મસાલાઓની ડબ્બીઓની પાછળ ખોવાઈ ગઇ હતી. શું તે માત્ર 'અવિનાશરાયની પત્ની' અને 'કૃતિકાની મમ્મી' જ હતી ? તેનું પોતાનું કોઈ અસ્તિત્વ હતું ખરું ?
'મારે જવું છે' એક ધીમો પણ સ્પષ્ટ અવાજ આવ્યો. અવિનાશરાય અને કૃતિકા બન્ને ચોંકી ઉઠયાં.
'મારે જવું છે અમદાવાદ' કુંદને ઉંચી નજર કરીને પતિની આંખોમાં જોયું. એ આંખોમાં હવે ડર નહોતો બલકે એક ઠરેલ નિર્ણય હતો. 'તમે સાચું કહ્યું, આ ઉમ્મરે લેખિકા બનવાનો શોખ નથી પણ આ ઉંમરે મને મારી જાતને મળવાનો શોખ જાગ્યો છે. વર્ષોથી હું તમારા અને ઘરના પડછાયામાં જીવી છું. મને એમ હતું કે તમારી નિવૃત્તિ પછી આપણે સાથે મળીને જીવીશું. પણ તમારી નિવૃત્તિ તો મારા માટે એક નવી કેદ બની ગઈ છે. સવારથી સાંજ સુધી તમારી સૂચનાઓ, તમારી રોકટોક… હું શ્વાસ લઉં છું. પણ જીવતી નથી.'
અવીનાશરાય સ્તબ્ધ થઇ ગયા. કુંદન આટલું લાંબુ અને આટલું સ્પષ્ટ બોલી શકે છે એ એમની કલ્પના બહાર હતું.
'જમવાનું ?' અવીનાશરાયે બચાવ પ્રયુક્તિ અજમાવી.
'તમે બનાવી લેજો અથવા ટીફીન મંગાવી લેજો.' કુંદને શાંતિથી કહ્યું.
'કૃતિકા સાચું કહે છે. જો હું પાંત્રીસ વર્ષ તમારું ઘર સાચવી શકું તો તમે બે દિવસ મારું રસોડું ન સાચવી શકો ?'
વાતાવરણમાં એક ભારેખમ શાંતિ છવાઈ ગઈ. કૃતિકાની આંખોમાં માતા માટે ગર્વ હતો. તેણે ધીમેથી મમ્મીનો હાથ દબાવ્યો.
રાત્રે અવીનાશરાય ઉંઘી શક્યા નહીં. પડખું ફરતાં તેમને કુંદનના શબ્દો વાગતા હતા. 'તમારી નિવૃત્તિ મારા માટે કેદ બની ગઈ છે.'શું ખરેખર તે એટલા બધા દખલગીરી કરતા થઇ ગયા હતા ? પોતાની સત્તા ચાલી ગઇ હતી એટલે શું તેઓ ઘર પર પણ સત્તા જમાવી રહ્યા હતા ? બાજુમાં કુંદન શાંતિથી સૂતી હતી. તેના ચહેરા પર એક નિરાંત હતી, જે કદાચ નિર્ણય લીધા પછીના સમાધાનની હતી.
બીજા દિવસે સવારે કુંદન વહેલી ઉઠી. તૈયારી કરી. કબાટમાંથી પોતાની મનગમતી કોટનની સાડી કાઢી. વાળ ઓળીને અંબોડો વાળ્યો અને તેમાં એક ગુલાબ ખોસ્યું. અરીસામાં જોયું તો તેને લાગ્યું કે આ પ્રતિબિંબ કોઈ ગૃહીણીનું નથી, પણ એક સ્વતંત્ર્ય વ્યક્તિત્વનું છે. હોલમાં અવિનાશરાય બેઠા હતા. કુંદન બેગ લઇને બહાર આવી.
'હું નીકળું છું.' કુંદને કહ્યું.
'કૃતિકા મને સ્ટેશને મુકવા આવે છે.'
અવિનાશરાય ઉભા થયા. રસોડામાં ગયા. અને એક ડબ્બો લઇને આવ્યા. 'આ થેપલાં છે. અને સૂકી ભાજી. સવારે વહેલાં ઉઠીને મેં બનાવી લીધાં હતાં. બહારનું ખાઈશ તો પિત્ત થાશે.'
કુંદન ક્ષણભર માટે થીજી ગઈ. અવીનાશરાયના હાથમાં ડબ્બો ધુ્રજતો હતો. તેમની આંખોમાં પસ્તાવો અને સ્વીકાર બન્ને હતાં.
'અને સાંભળ' અવીનાશરાયે ગળું ખંખેર્યું. 'તારી વાર્તા… પેલી 'ઝાકળનું ટીપું'… મેં પણ વાંચી હતી. ચોરી છૂપીથી. સરસ હતી. ત્યાં જઇને બીજી લખજે. હું…હું અહીં સંભાળી લઈશ.'
કુંદનની આંખો ભીની થઈ. પણ આ આંસુ દુ:ખના નહોતા. ઉંબરો ઓળંગતા પહેલાં તેણે પાછું વાળીને જોયું. આ ઘર હવે તેને કેદખાનું નહીં પણ ઘર લાગતું હતું.
કારમાં બેઠા પછી કૃતિકાએ પૂછ્યું, 'મમ્મી, પપ્પા બદલાઈ ગયા ને ?'
કુંદન હસી. આ વખતે હાસ્ય ખિલખિલાટ હતું. 'માણસ નથી બદલાતા કૃતિકા, ખાલી દ્રષ્ટીકોણ બદલાય છે. મેં મારી રેખા લાંબી કરી, એટલે એમની રેખા આપોઆપ નાની થઇ ગઈ. પણ વાંધો નહીં. હવે અમે સમાંતર ચાલી શકીશું.'
અમદાવાદનાં હાલમાં પહોંચીને કુંદન જ્યારે સ્ટેજ ઉપર ચઢી ત્યારે તેને લાગ્યું કે તે માત્ર સ્ટેજ પર નથી ચઢી. પણ જિંદગીના એક નવા સોપાન પર ચઢી છે. માઇક સામે ઉભા રહીને તેણે જ્યારે પોતાનો પરિચય આપ્યો, ત્યારે તેણે 'શ્રીમતી અવિનાશરાય' કહેવાને બદલે કહ્યું,
'હું કુંદન… એક એવી લેખિકા અને એક એવી સ્ત્રી જે હમણાં જ પોતાનું આકાશ શોધીને આવી છે.'
તાળીઓના વધતા ગડગડાટ વચ્ચે કુંદનને સમજાયું કે ઉંબરની ભીતર અને બહારની દુનિયા વચ્ચે બહુ મોટી તફાવત નથી હોતો. તફાવત માત્ર તે ઉંબર ઓળંગવાની હિંમતમાં હોય છે.
સાંજ પડી ચૂકી હતી. પણ કુંદનના મનમાં આજે મધ્યાહ્નનો સૂરજ તપી રહ્યો હતો, જે ક્યારેય આથમવાનો નહોતો.




