'એલિયન' શાર્ક : 40 કરોડ વર્ષ જૂનું રહસ્ય

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
આ પણી પૃથ્વી પરના મહાસાગરો કેટલા રહસ્યોથી ભરેલા છે? એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે 'સમુદ્રના ઊંડાણમાં એવા જીવો છુપાયેલા હોઈ શકે છે' જે અંધારામાં ચમકે છે, પોતાની જાત ક્લોન કરી શકે છે, અથવા વર્ષો સુધી કોઈને દેખાયા વગર જીવે છે? અમેરિકાના દરિયાકિનારે આવેલી શાર્ક પ્રજાતિઓ, વિશ્વમાં સૌથી વૈવિધ્યસભર ગણાય છે. નાની લેન્ટર્ન શાર્કથી લઈને બસ જેટલી મોટી શિકારી શાર્ક સુધી, અહીં ૧૦૦થી વધુ પ્રજાતિઓ વસે છે. તાજેતરમાં વન્યજીવ વિજ્ઞાની ફોરેસ્ટ ગેલાન્ટેએ, ડિસ્કવરી ચેનલના પ્રખ્યાત 'શાર્ક વીક' કાર્યક્રમ માટે, દક્ષિણ કેલિફોર્નિયાથી ગલ્ફ કોસ્ટ, ફ્લોરિડા કીઝ અને છેક ન્યૂ ઇંગ્લેન્ડ સુધીની સફર ખેડી છે. જ્યાં તેમણે ચાર અત્યંત વિચિત્ર અને 'એલિયન' જેવી શાર્ક પ્રજાતિઓ શોધી કાઢી છે. અંધારામાં ચમકતી સ્વેલ શાર્ક, પોતાની જાતને ક્લોન કરતી બોનેટહેડ શાર્ક, ચેઇનસો જેવી ચાંચ ધરાવતી સોફિશ, અને અવકાશયાન જેવડી વિશાળ બાસ્કિંગ શાર્ક. આ ચારેય જીવો, પ્રકૃતિની અકલ્પનીય રચનાઓ છે. પરંતુ, આ શાર્કની અનોખી લાક્ષણિકતાઓ પાછળની ઐતિહાસિક પાર્શ્વભૂમિ શું છે?
ડાયનાસોરથી વધારે રહસ્યમય?
શાર્ક પૃથ્વી પર લગભગ ૪૦ કરોડ વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. એટલે કે 'શાર્ક, ડાયનાસોર કરતાં પણ જૂની પ્રજાતિ છે!' પ્રકૃતિએ લાંબા ઉત્ક્રાંતિ ઇતિહાસમાં, શાર્કને અનેક અસાધારણ ક્ષમતાઓથી સજ્જ કરી છે. જૈવ-પ્રકાશ (બાયોલ્યુમિનેસન્સ) એટલે કે, અંધારામાં ચમકવાની ક્ષમતા દરિયાઈ જીવોમાં સદીઓથી નોંધાયેલી છે. પરંતુ તાજેતરમાં જ સ્વેલ શાર્ક જેવી છીછરા પાણીની પ્રજાતિમાં, આ ગુણધર્મ સામે આવ્યો છે. જેમ મીણબત્તીની જ્યોત અંધારા ઓરડામાં, પ્રકશિત સંદેશો પહોંચાડે, તેમ સ્વેલ શાર્કની ત્વચામાં રહેલા ખાસ પ્રોટીન, એકબીજા સાથે વાતચીત કરવા માટે પ્રકાશ ઉત્પન્ન કરે છે. જોકે સૌથી વધુ ચોંકાવનારી ઘટના ૨૦૦૧માં બની હતી. જ્યારે અમેરિકાના એક પ્રાણી સંગ્રહાલયમાં કેદમાં રહેલી હેમરહેડ પ્રજાતિની એક માદા શાર્કે, નર સાથેના કોઈપણ સંપર્ક વિના બચ્ચાને જન્મ આપ્યો હતો. આ ઘટનાએ સાબિત કર્યું કે 'શાર્ક પાર્થેનોજેનેસિસ એટલે કે અલૈંગિક પ્રજનન કરી શકે છે.' જાણે કોઈ છોડની ડાળી કલમ કરીને નવો છોડ ઉગાડવામાં આવે તેવી જ રીતે. બસ ફરક એટલો કે 'અહીં કોઈ 'કલમ' જ નથી, માત્ર માદાનું પોતાનું જ ઘશછ, કલમ જેવું કામ કરે છે. બાસ્કિંગ શાર્ક પણ ઐતિહાસિક રીતે તેના યકૃત-તેલ માટે શિકાર કરાતી હતી. જે એક સમયે દીવાના બળતણ તરીકે વપરાતું હતું. રસપ્રદ વાત એ છે કે 'ભારત પણ શાર્ક સંરક્ષણના ઇતિહાસમાં પાછળ નથી. ગુજરાતના દરિયાકિનારે વ્હેલ શાર્ક, વિશ્વની સૌથી મોટી માછલી, મોટી સંખ્યામાં જોવા મળે છે. ૨૦૦૪થી ગુજરાત વન વિભાગ, વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તથા સ્થાનિક માછીમારોના સંયુક્ત પ્રયાસથી ચાલતું 'વ્હેલ શાર્ક કેમ્પેઇન', આજે વિશ્વભરમાં સામુદાયિક દરિયાઈ સંરક્ષણનું ઉદાહરણ ગણાય છે. આમ અમેરિકાની જેમ જ, ભારતના દરિયાકિનારે પણ શાર્ક સંશોધન અને સંરક્ષણની પોતાની આગવી કહાની છે. આ 'એલિયન' શાર્કની શોધમાં નીકળેલી આધુનિક પેઢીના મુખ્ય પાત્ર કોણ છે? જેમણે તાજેતરમાં આ ચારેય પ્રજાતિઓને કેમેરા સામે લાવવાનું સાહસ ખેડયું છે?
પ્રકૃતિનો કરિશ્મા
આ ચાર 'એલિયન' શાર્ક પ્રજાતિઓએ ગેલાન્ટે અને વિજ્ઞાનીઓને આટલા આશ્ચર્યચકિત શા માટે કર્યા છે? સ્વેલ શાર્કની આંખો બિલાડીની જેમ તેને અંધારામાં પણ સ્પષ્ટ જોવાની ક્ષમતા આપે છે. જ્યારે ભય લાગે ત્યારે તે પોતાના પેટમાં પાણી ભરીને શરીરને બમણું ફુલાવી શકે છે. ખડકોની તિરાડોમાં એવી રીતે ભરાઈ જાય છે કે 'શિકારી તેને બહાર ખેંચી જ ન શકે. જાણે કોઈ ફુગ્ગો ટાઇટ જગ્યામાં ફસાઈ ગયો હોય! મોટાભાગની શાર્કને શ્વાસ લેવા સતત તરવું પડે છે, પરંતુ સ્વેલ શાર્ક 'બક્કલ પમ્પિંગ' નામની ટેકનિકથી, ગાલ અને ગળાના સ્નાયુઓ વડે પાણી ખેંચીને ગિલ્સ પર પસાર કરે છે. જેથી તે કલાકો સુધી એક જગ્યાએ સ્થિર રહી શકે છે. સ્વેલ શાર્કના ઈંડાની કોથળી પણ એટલી જ રસપ્રદ છે. હાથ જેવડી ચામડાની કોથળીની અંદર બચ્ચું નવથી બાર મહિના સુધી વિકસે છે. ત્યાર બાદ જ બહાર નીકળે છે. જાણે કુદરતે તેને આધુનિક જૈવિક ઇન્ક્યુબેટર ભેટ આપ્યું છે!
બોનેટહેડ શાર્ક વિશે સૌથી ચોંકાવનારી બાબત, તેની પાર્થેનોજેનેસિસ ક્ષમતા છે. માદા શાર્ક નર વગર જ પોતાના ઘશછમાંથી બચ્ચું પેદા કરી શકે છે. સરળ ભાષામાં એમ કહી શકાય કે 'આ પ્રક્રિયા ફોટોકોપી મશીન જેવી છે.
જ્યાં મૂળ નકલમાંથી જ સીધી બીજી નકલ બની જાય છે. બોનેટહેડ શાર્કને નવો જીવ પેદા કરવા, કોઈ બીજા 'સ્ત્રોત' એટલે કે નર શાર્કની જરૂર પડતી નથી. સોફિશ શાર્કની ચાંચમાં નાની જેલથી ભરેલી કોથળીઓ હોય છે. જેમ રડાર હવામાં ઊડતા વિમાનને શોધી કાઢે છે. તેમ સોફિશ શાર્ક પાણીમાં થતાં સૂક્ષ્મ કંપનોને પકડીને, ડહોળા પાણીમાં પણ શિકાર શોધી કાઢે છે. હાલમાં વિજ્ઞાનીઓ માટે પહેલેથી ટેગ થયેલી શાર્કને ફરી શોધવી, નવી શાર્ક શોધવા કરતાં પણ વધુ મૂલ્યવાન સાબિત થાય છે. વિજ્ઞાનીઓને છેલ્લા ટેગિંગ પછી શું બદલાવ આવ્યો, તેની ચોક્કસ માહિતી પણ મળે છે. આ દસ્તાવેજીકરણ મનુષ્યજાતને કેવી રીતે ઉપયોગી બનશે?
વિજ્ઞાન અને સ્ક્રીનનું મિલન
ફોરેસ્ટ ગેલાન્ટેનું બાળપણ સાહસથી ભરેલું રહ્યું હતું. આફ્રિકાના ઝિમ્બાબ્વેમાં જન્મેલા અને ઉછરેલા ગેલાન્ટેએ, નાનપણથી જ જંગલી પ્રાણીઓ અને પ્રકૃતિ સાથે ઘનિષ્ઠ સંબંધ કેળવ્યો હતો. પાછળથી અમેરિકા સ્થાયી થયેલા આ વન્યજીવ વિજ્ઞાનીએ, પોતાની કારકિર્દી એવા જીવોની શોધમાં સમર્પિત કરી છે. જેમને વિજ્ઞાને લુપ્ત જાહેર કરી દીધા હોય. તેમનો આ જુસ્સો 'એક્સટિન્ક્ટ ઓર અલાઇવ' જેવા લોકપ્રિય ટેલિવિઝન કાર્યક્રમોમાં પ્રતિબિંબિત થાય છે. જ્યાં તેમણે દુનિયાભરમાં ફરીને દુર્લભ પ્રજાતિઓને શોધી કાઢી છે. ડિસ્કવરી ચેનલની નવીનતમ સફર 'શાર્ક વીક'માં, ગેલાન્ટેએ પોતાનું ધ્યાન અમેરિકાના પોતાના ઘર-આંગણે કેન્દ્રિત કર્યું છે. દક્ષિણ કેલિફોર્નિયાના ઠંડા પાણીથી શરૂ કરીને, જ્યાં તેમને સ્વેલ શાર્ક શોધવામાં સૌથી વધુ મહેનત પડી હતી. ત્યાંથી લઈને ન્યૂ ઇંગ્લેન્ડના દરિયા સુધીની તેમની સફર, માત્ર રોમાંચક ટેલિવિઝન ડોક્યુમેન્ટરી નહોતી. તે વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણનું એક મહત્ત્વનું કાર્ય પણ છે.
તેમણે ફ્લોરિડામાં લુપ્તપ્રાય સોફિશને ફરી શોધી કાઢી છે. તેનાથી સંશોધકોને તે પ્રજાતિના સ્વાસ્થ્ય અંગે મૂલ્યવાન માહિતી મળી છે. ગેલાન્ટેની કાર્યપદ્ધતિની ખાસિયત એ છે કે 'તેઓ માત્ર કેમેરા સામે રોમાંચક દ્રશ્યો ઝીલવા પૂરતા સીમિત રહેતા નથી, પરંતુ સ્થાનિક સંશોધકો અને સંરક્ષણ ટીમો સાથે મળીને કામ કરે છે. તેમનું માનવું છે કે 'ટેલિવિઝન જેવા લોકપ્રિય માધ્યમો દ્વારા વિજ્ઞાનને સામાન્ય માણસ સુધી પહોંચાડવું, એ સંરક્ષણની દિશામાં પહેલું અને સૌથી મહત્ત્વનું પગલું છે.' પણ આવું કામ કરનારા તેઓ એકલા નથી. અમેરિકાનાં જ પ્રખ્યાત દરિયાઈ વિજ્ઞાની યુજેની ક્લાર્ક, જેમને 'શાર્ક લેડી' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે દાયકાઓ પહેલાં શાર્ક વિશેની ખોટી માન્યતાઓ તોડીને સાબિત કર્યું હતું કે 'શાર્ક ક્રૂર હત્યારા નહીં, પરંતુ સમજી-વિચારીને વર્તન કરતાં જટિલ જીવો છે.' ગેલાન્ટેનું કાર્ય પણ એ જ પરંપરાને આગળ ધપાવે છે. તે વિજ્ઞાન અને લોકપ્રિય માધ્યમોને જોડીને, સામાન્ય લોકોમાં દરિયાઈ જીવો પ્રત્યે જાગૃતિ અને આદર કેળવવાનું કામ આગળ ધપાવી રહ્યા છે.
શાર્ક પાસેથી મળે તેવી ટેકનોલોજી
સોફિશ પ્રજાતિનો ઇતિહાસ કંઈક અલગ જ કહાની કહે છે. એક સમયે અમેરિકાના દરિયાકિનારે વિપુલ પ્રમાણમાં જોવા મળતી આ પ્રજાતિ, વીસમી સદીમાં વધુ પડતી માછીમારી અને દરિયાકાંઠાના વિકાસને કારણે ૯૫ ટકા જેટલી ઘટી ગઈ હતી. હાલમાં સોફિશ શાર્ક પ્રજાતિની સંખ્યા ૧,૦૦૦થી પણ ઓછી બચી છે. જેના પરિણામે તે અમેરિકામાં સંરક્ષિત પ્રજાતિ જાહેર થઈ છે. બાસ્કિંગ શાર્ક, જે લગભગ ૩૦ ફૂટ લાંબી હોઈ શકે છે. તે પોતાનું મોં ખોલીને પાણીમાંથી પ્લાન્કટોન ગળી જાય છે. તેના શરીર પરના ઘાના નિશાનો પરથી સંશોધકો અંદાજ લગાવી શકે છે કે તેની ઉમર કેટલી છે? તેનાં ઘાના નિશાનો તેની લાંબી અને કઠિન સ્થળાંતર યાત્રાઓની સાક્ષી પૂરે છે. સોફિશ શાર્ક જેવી લુપ્તપ્રાય પ્રજાતિની ટેગ કરીને ફરી શોધી કાઢે છે, ત્યારે વિજ્ઞાનીઓને તેના સ્વાસ્થ્ય, વૃદ્ધિ અને સ્થળાંતરની પેટર્નમાં આવેલા ફેરફારોની ચોક્કસ માહિતી મળે છે. જેનાં આધારે ભવિષ્યમાં વધુ અસરકારક સંરક્ષણ નીતિઓ ઘડી શકાય છે.
બીજું, જૈવ-પ્રકાશ જેવી ઘટનાનો અભ્યાસ, તબીબી અને ટેકનોલોજી ક્ષેત્રે ઉપયોગી થઈ શકે છે. સ્વેલ શાર્કની ત્વચામાં રહેલા પ્રકાશ-ઉત્પાદક પ્રોટીનનું સંશોધન, ભવિષ્યમાં નવી ઇમેજિંગ ટેકનિક કે બાયોમેડિકલ માર્કર્સ વિકસાવવામાં મદદરૂપ થઈ શકે છે. ત્રીજું, બોનેટહેડ શાર્કની પાર્થેનોજેનેસિસ (અલૈંગિક પ્રજનન) ક્ષમતાનો અભ્યાસ, જિનેટિક્સ અને પ્રજનન વિજ્ઞાનની સમજને વધુ ઊંડી બનાવે છે. જે ભવિષ્યમાં લુપ્તપ્રાય પ્રજાતિઓના સંવર્ધન કાર્યક્રમો માટે, નવી દિશા આપી શકે છે. ચોથું, સોફિશની ચાંચમાં રહેલી વિદ્યુત-સંવેદનશીલ કોથળીઓ, જે રડારની જેમ કામ કરે છે, તેનો અભ્યાસ ભવિષ્યમાં અંડરવોટર સેન્સર ટેકનોલોજી કે રોબોટિક્સ ડિઝાઇનમાં પ્રેરણારૂપ બની શકે છે. કુદરતથી શીખીને ટેકનોલોજી બનાવવાનું, આ ઉદાહરણ 'બાયોમિમિક્રી' કહેવાય છે. છેલ્લે ગેલાન્ટે જેવા વૈજ્ઞાનિકોનું ટેલિવિઝન દ્વારા વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય, ભવિષ્યની પેઢીમાં દરિયાઈ જીવો પ્રત્યે જાગૃતિ અને આદર કેળવીને, લાંબા ગાળે સમુદ્રી ઇકોસિસ્ટમના સંતુલન અને સંરક્ષણમાં મહત્ત્વનો ફાળો આપશે.









