Rajkot

ડિમોલિશન હતું કે શાહી જમણવાર? રાજકોટ ડિમોલિશનમાં 90 લાખની ખાણીપીણી, વીડિયો શૂટિંગના 28 લાખ

By GS Team
30 Jun 20264 mins read
TukuTouch Logo
રાજકોટમાં આજી નદી કિનારે 1,500 ગેરકાયદે મકાનોના ડિમોલિશનમાં ₹90 લાખના ખર્ચનું કૌભાંડ સામે આવ્યું છે. ખાણીપીણી અને વીડિયો શૂટિંગ પાછળના આ તોતિંગ ખર્ચની સ્થાયી સમિતિએ મંજૂરી અટકાવતા વિવાદ વકર્યો છે. મેયરના આદેશથી ડેપ્યુટી કમિશનરના વડપણ હેઠળ તપાસ સમિતિ રચાઈ છે. રાજ્ય સરકારે પણ ખુલાસો માંગ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડિમોલિશન હતું કે શાહી જમણવાર? રાજકોટ ડિમોલિશનમાં 90 લાખની ખાણીપીણી, વીડિયો શૂટિંગના 28 લાખ
IMAGE - IANS

Rajkot Jangleshwar demolition: રાજકોટમાં આજી નદીના કિનારે મ્યુનિસિપલ કોર્પોરેશનના રસ્તા અને નદીની આશરે ₹300 કરોડની કિંમતની 87,000 ચોરસ મીટર જમીન આવેલી છે. આ સરકારી જમીન પર છેલ્લા 50 વર્ષથી ગેરકાયદેસર રીતે 1,500 જેટલા મકાનો ખડકાઈ ગયા હતા. આ દબાણોને હટાવવા માટે ફેબ્રુઆરી-2026માં મહાપાલિકા દ્વારા એક મોટું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આજી નદીના કાંઠે કરાયેલી આ કાર્યવાહી રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન માનવામાં આવે છે, જેમાં આ તમામ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

ખાણીપીણી અને વીડિયો શૂટિંગમાં ₹90 લાખનો ધુમાડો: ભારે હોબાળા બાદ તપાસ સમિતિની રચના

આ ડિમોલિશનની કામગીરી દરમિયાન માત્ર ખાવા-પીવાના અને વીડિયો શૂટિંગ પાછળ જ આશરે ₹90 લાખ જેવી મોટી રકમનો ધુમાડો કરી દેવાયો છે. જ્યારે આ ખર્ચનો હિસાબ મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી (સ્થાયી સમિતિ) સમક્ષ આવ્યો, ત્યારે કમિટીએ આ પ્રપોઝલ અટકાવી દીધું હતું. આ ઘટના બાદ એક મોટા કૌભાંડની આશંકા સાથે ગંભીર વિવાદ ઊભો થયો છે.

આ આખા મામલાની ઊંડી તપાસ કરવા માટે ડેપ્યુટી કમિશનર (વેસ્ટ ઝોન)ના વડપણ હેઠળ ઉચ્ચ અધિકારીઓની એક ખાસ તપાસ સમિતિ બનાવવામાં આવી છે અને તેમને તાત્કાલિક રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે. બીજી તરફ, મામલો ગરમાતાં રાજ્ય સરકારે પણ આ તોતિંગ ખર્ચ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. આ વિવાદ વચ્ચે જ આવતીકાલે રાજકોટના મેયર ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગની એક મહત્ત્વની બેઠકમાં હાજરી આપવાના છે, જેથી આ મીટિંગમાં પણ આ મેગા વિવાદ પર ગંભીર ચર્ચા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

ટેન્ડર વિના બારોબાર લાખોનો ખર્ચ

સરકારે કઈ એજન્સીને કઈ રીતે કોન્ટ્રાક્ટ અપાયો તેમાં કઈ શરતો હતી, ભાવ કયા આધારે નક્કી કરાયા તે સહિતની માહિતી માંગતા આજે મહાપાલિકામાં હિસાબો તૈયાર કરવા દોડધામ મચી હતી. ડિમોલિશન ખર્ચ જે તે સમયે તંત્રે છુપાવ્યો પરંતુ, આ ખર્ચમાં રેઇટ કોન્ટ્રાક્ટ નહોતો તેમાં (1) પ્રેમવતી ચેરી. ટ્રસ્ટ પાસેથી રૂ. 20.69 લાખના ખર્ચે ફૂડ ડીશ (2) આરાધના ટી પાસેથી રૂ. 6.30 લાખમાં ચા, સમોસા, કાજુકતરી સહિતનો નાસ્તો અને વિશ્વાસ ફ્રૂટમાંથી રૂ. 21,500નું ફૂડ પેકેટ મળીને રૂ. 27.21 લાખનો ખર્ચ ટેન્ડર કે કરાર વગર બારોબાર કરાતા તે સ્થાયી સમિતિમાં મુકાતા આ પ્રકરણ બહાર આવ્યું છે.

મેયરની કમિશનરને લેખિત રજૂઆત: કૌભાંડની આશંકા વચ્ચે ન્યાયી તપાસના આદેશ

આ આખા મામલામાં ખર્ચ ખૂબ જ શંકાસ્પદ જણાતાં સ્ટેન્ડિંગ કમિટીએ (સ્થાયી સમિતિ) હાલ પૂરતી આ નાણાકીય મંજૂરી અટકાવી દીધી છે. આ ગંભીર નોંધ લેતા મેયર નેહલ શુક્લએ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં જાણ કરીને આ સમગ્ર વિવાદની ઊંડી તપાસ કરવા અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ આદેશ આપ્યા છે.

મેયરની આ રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું છે કે, તપાસ એકદમ નિષ્પક્ષ થાય તે માટે આ ડિમોલિશનની કામગીરીમાં જે અધિકારીઓ સીધી રીતે જોડાયેલા નહોતા, તેમને જ તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

5,000 કર્મચારીઓ માટે થયો હતો ખર્ચ, નિયમોના ભંગ પર થશે એક્શન

કમિશનરે વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, આ મેગા ડિમોલિશનમાં મનપાના સ્ટાફ સહિત આશરે 5,000થી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ તમામ કર્મચારીઓ માટે પીવાનું પાણી, મંડપ, વીડિયોગ્રાફી વગેરેની વ્યવસ્થા વર્ષ 2023માં નક્કી થયેલા 'રેઇટ કોન્ટ્રાક્ટ' (નક્કી કરેલા ભાવો) મુજબ જ કરવામાં આવી છે, જ્યારે ફૂડ પેકેટનો ખર્ચ પણ ન્યૂનતમ ભાવોને આધારે જ ચૂકવાયો છે.

તેમણે વાચકો અને તંત્રને ખાતરી આપતા સ્પષ્ટ કર્યું કે, જો તપાસ દરમિયાન એવું બહાર આવશે કે જરૂર કરતાં વધુ ખર્ચ બતાવવામાં આવ્યો છે, અથવા ઓછી વસ્તુ આપીને મનપા પાસેથી વધુ પૈસા વસૂલવામાં આવ્યા છે, તો તેવા તમામ કિસ્સાઓમાં કસૂરવારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

સરકારી વિભાગ પણ પાણીની બોટલના રૂ. 8 ચૂકવે છે - મનપા

જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ કાંડમાં સૌથી વધુ શંકાસ્પદ બાબત પાણીની 200 એમ.એલ.ની પ્રતિ બોટલ જે બજારમાં વેપારીના નફા, ડિલીવરીચાર્જ સહિત ગ્રાહકોને રૂ. 5માં વેચાય છે તે માટે રૂ. 8ના ભાવ ચૂકવાયા છે. આ અંગે મનપાના સમાજ કલ્યાણ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે સરકારના વિભાગમાં પણ આવી પ્રતિ બોટલ રૂ. 8ના ભાવે ખરીદાય છે, કારણ કે માંગીએ ત્યારે ઝડપથી બોટલ પૂરી પાડવી, બિલો બાકી રાખવા સહિત બાબતો હોય છે. સવાલ એ છે કે મનપાને આવી વસ્તુ પૂરી પાડવામાં કોઈને ટકાવારી હોય છે જેથી બજારભાવ કરતા ઊંચા ભાવે મનપા ખરીદી કરે છે.

20260630-6a42c9f5ad1f279765703-30062026_AHM-2.jpg