Rajkot

અમદાવાદથી મેફેડ્રોન ડ્રગ્સ લઇ રાજકોટ આવતા બે યુવકો ઝડપાયા

By GS Team
13 Oct 20261 min read
TukuTouch Logo
રાજકોટમાં SOGએ બેડી ચોકડી પાસેથી મૌલિક જેઠવા અને ગૌરાંગ પરડવાને 18.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપ્યા. અમદાવાદથી ડ્રગ્સ લાવી રહેલા આ બંને આરોપીઓ પાસેથી રૂ. 56,310નું ડ્રગ્સ, 2 મોબાઈલ, કાર સહિત કુલ રૂ. 6.66 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. ચોંકાવનારી વાત એ છે કે, મૌલિક દોઢ માસ પહેલા જ ડ્રગ્સ કેસમાં જામીન પર છૂટ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદથી મેફેડ્રોન ડ્રગ્સ લઇ રાજકોટ આવતા બે યુવકો ઝડપાયા

રાજકોટ : બેડી ચોકડીથી ભગવતીપરા તરફ જવાના રસ્તા પરથી એસઓજીએ ૧૮.૭૭ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મૌલિક અશોક જેઠવા (ઉ.વ.૨૯, રહે. ગોલ્ડન પાર્ક, આશિયાના બિલ્ડિંગ, નાનામવા) અને ગૌરાંગ અશોક પરડવા (ઉ.વ.૩૨, રહે. એલીના એન્કલેવ એપાર્ટમેન્ટ, જીવરાજપાર્ક)ને ઝડપી લીધા હતા. અમદાવાદથી બંને આરોપીઓ ડ્રગ્સ લઇ આવી રહ્યા હતા.
એસઓજીએ બાતમીના આધારે વોચ ગોઠવી કારમાં પસાર થયેલા બંને આરોપીઓને અટકાવી તલાશી લેતા મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત રૂા. ૫૬,૩૧૦ ગણી હતી. બે મોબાઇલ ફોન, સેન્ટા ફ્રી કાર અને રોકડ રકમ મળી કુલ રૂા. ૬.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચોંકાવનારી બાબત એ છે કે, ગત એપ્રિલ મહિનામાં જ મૌલિકને એસઓજીએ ૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. દોઢેક માસ પહેલા જ જામીન પર છૂટયા બાદ હવે ફરીથી ડ્રગ્સના કેસમાં નામ ખૂલ્યું છે. તેના વિરૂધ્ધ તે વખતે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે બંને આરોપીઓ મૂળ વેરાવળના વતની છે. કાર ગૌરાંગની હતી. મૌલિક પીવા માટે ડ્રગ્સ લઇ આવ્યો હોવાની માહિતી મળી છે. અમદાવાદથી ૨૦ ગ્રામ ડ્રગ્સ લીધું હતું. બાકીનું પોતે પી ગયો હતો. બંને આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરાઇ છે.