Rajkot

મહિલા PSI પાસેથી રૂા. 5 લાખનો તોડ કરનાર બે પીએસઆઈ સસ્પેન્ડ

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
વેરાવળમાં ગીર સોમનાથના પ્રભાસ પાટણની રોયલ મેન્શન હોટેલમાં જુગાર રેડ દરમિયાન, એક મહિલા PSI પાસેથી પોલીસે ₹5 લાખનો તોડ કર્યો હતો. આ ગંભીર બાબત સામે આવતા જૂનાગઢ રેન્જ આઈજીએ કડક કાર્યવાહી કરી SOGના PSI ડી.એમ. કાગડા અને તત્કાલીન LCBના PSI એચ.એલ. જેબલિયાને સસ્પેન્ડ કર્યા છે. વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલા PSI પાસેથી રૂા. 5 લાખનો તોડ કરનાર બે પીએસઆઈ સસ્પેન્ડ

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટેલ રોયલ મેન્શનમાં તાજેતરમાં પડેલી જુગારની રેડ સમયે મળી આવેલી એક મહિલા પીએસઆઈ પાસેથી પોલીસ દ્વારા જ પાંચ લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાની ગંભીર બાબત સામે આવતા જૂનાગઢ રેન્જ આઈજીએ કડક કાર્યવાહી કરીને બે પીએસઆઈને સસ્પેન્ડ કરી દીધા છે.
ગત ૨૦ જુલાઈની મધરાતે પ્રભાસ પાટણની હોટેલ રોયલ મેન્શનમાં એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન સાત શખ્સોને તીનપત્તી રમતા ઝડપી પાડી પોલીસે કુલ ૪.૭૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો. જો કે, આ રેડ વખતે સ્થળ પર એક મહિલા પીએસઆઈ પણ હાજર હોવા છતાં તેમને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા નહોતા. જે મહિલા પીએસઆઈ પાસેથી કેટલાક પોલીસ અધિકારીઓએ મળીને આશરે પાંચ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો.
આ ઘટના બાદ એસપી જયદીપસિંહ જાડેજાએ અન્ય કારણો ધરીને મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરી દીધા હતા. એક તરફ પાંચ લાખ રૂપિયાનો તોડ થયો અને બીજી બાજુ સસ્પેન્શન પણ મળતા મહિલા પીએસઆઈએ જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા પાસે રૂબરૂ જઈને સમગ્ર મામલાની હકીકત રજૂ કરી હતી. જે ગંભીર આક્ષેપોને ધ્યાને લઈને રેન્જ આઈજીએ તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન મહિલા પીએસઆઈના આક્ષેપો સાચા સાબિત થયા હતા અને પોલીસ અધિકારીઓની ગેરરીતિ સામે આવી હતી.
આ ગંભીર બેદરકારી અને અનિયમિતતા બદલ જૂનાગઢ રેન્જ આઈજી દ્વારા એસઓજીના પીએસઆઈ ડી.એમ. કાગડા અને તત્કાલીન એલસીબી તથા હાલ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા પીએસઆઈ એચ.એલ. જેબલિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર પ્રકરણ અંગે વધુ તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ કાયદેસરની વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.