વેરાવળમાં બે PI, ત્રણ PSIને લીવ રિઝર્વમાં મૂકાયા, 4 પોલીસ કર્મી સસ્પેન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વેરાવળ: વેરાવળના કોળીવાડા વિસ્તારમાં જુગારનો દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર હુમલો કરાયો હતો. આ સમગ્ર મામલે જૂનાગઢ રેન્જના ડીઆઇજીપી દ્વારા કડક પગલાં લઇ બે પીઆઇ તથા ૩ પીએસઆઇને લીવ રિઝર્વમાં મૂકાયા છે. જ્યારે વેરાવળના ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. સમગ્ર મામલે તપાસ માટે ડીવાયએસપીની અધ્યક્ષતામાં 'સીટ'ની રચના કરાઇ છે.
વેરાવળના કોળીવાડા વિસ્તારમાં જુગારનો દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર ૨૦૦ લોકોના ટોળાએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરતા એસએમસીના પીએસઆઇને ફાયરિંગ કરવું પડયું હતું. બનાવના પગલે ભારે તંગદીલી વ્યાપી હતી.
આ મામલે જૂનાગઢ રેન્જના ડીઆઇજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કડક પગલાં લીધા છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.વી.રાજપૂત, વેરાવળ સિટી પીઆઇ જે.એન.ગઢવી તથા એલસીબી પીએસઆઇ એચ.એલ.જેબલીયા તથા પીએસઆઇ એ.સી.સિંધવ, રામભરોસા પોલીસ ચોકીના પીએસઆઇ પ્રજાપતિને લીવ રિઝર્વમાં મૂકાયા છે.
તેમજ વેરાવળ શહેરમાં ફરજ બજાવતા એએસઆઇ નરવણસિંહ કાકુભા ગોહિલ, એએસઆઇ અજીતસિંહ ગાંડાભાઇ પરમાર, એએસઆઇ નટુભા ભાભલુભા બસીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ વાલાભાઇ ખેરને ફરજ મોકુફ કરાયા છે. કડક કાર્યવાહીથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આ મામલે તપાસ માટે ડીવાયએસપી અમીત ખટાણાની અધ્યક્ષતામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ છે. તેમાં પ્રભાસપાટણ પીઆઇ, સોમનાથ સુરક્ષા પીઆઇ, મહિલા પોલીસ સ્ટેશન પીએસઆઇ તથા ટ્રાફિક પીએસઆઇનો સમાવેશ કરાયો છે.




