દ્વારકામાં આજે દીપોત્સવી પર્વે ઠાકોરજી બનશે 'શામળા શેઠ', અલૌકિક હાટડી દર્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ખાતે ભક્તિભાવપૂર્ણ માહોલમાં દિવાળી પર્વમાળાની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. કલાત્મક રોશનીથી ઝળહળી ઉઠેલા જગત મંદિરમાં ધનતેરસની ઉજવણી થઇ હતી. જ્યારે રવિવારે દિવાળીએ ઠાકોરજી શામળા શેઠનું રૂપ ધારણ કરી વેપારી સ્વરૂપે બિરાજશે, રાત્રે પરંપરાગત ચોપડા પૂજન અને અલૌકિક હાટડી દર્શન યોજાશે.
તહેવારોમાં યાત્રાધામ ભાવિકોથી છલકાઇ ગયું છે. દીપોત્સવી પર્વ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિર પરિસરને અદભુત અને કલાત્મક લાઈટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. દ્વારકા આસપાસની આશરે ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાંથી પણ મંદિરના શિખર પરની રંગબેરંગી રોશની સ્પષ્ટપણે નજરે પડી રહી છે. પર્વની રજાઓમાં ઠાકોરજીના દર્શને ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓ આ નયનરમ્ય અને દિવ્ય નજારો નિહાળી ભાવવિભોર બન્યા છે.
જગત મંદિરે આજે ધનતેરસે ધનવન્તરી પૂજા અન્વયે ઠાકોરજીને લીલા વાઘા પરિધાન કરાવવામાં આવ્યા હતા. ઠાકોરજીના શૃંગાર આરતી સમયે કુંડલા ભોગ મનોરથ યોજવામાં આવ્યો. તેમજ ધનતેરસે લીલા રંગનું વિશેષ પ્રાધાન્ય રહેલું હોય ઠાકોરજીને લીલા પકવાનનો ભોગ ધરાવવામાં આવ્યો હતો તથા વિશિષ્ટ શૃંગાર મનોરથ પણ યોજવામાં આવ્યો હતો.
દ્વારકાધીશ મંદિરમાં રવિવારે રૂપ ચતુર્દશી તથા દિપાવલી પર્વ ઊજવાશે. દિપાવલી પર્વ નિમિત્તે રાજાધિરાજ દ્વારકાધીશજીને સોનેરી રંગના વિશેષ વાઘા સાથે સંપૂર્ણ સોનાચાંદી હિરાજડિત આભુષણો તથા મસ્તક પર સુવર્ણજડિત મુગટનો શણગાર કરવામાં આવશે. નિજ મંડપમાં રંગોળી કરી પૂજારી પરિવાર દ્વારા દિપમાલા દર્શન યોજવામાં આવશે. રાત્રિના જગતમંદિરમાં હાટડી દર્શન યોજાશે. જેમાં શ્રી દ્વારકાધીશજી શામળા શેઠ સ્વરૂપ ધારણ કરી વેપારી બનશે. ઠાકોરજીને તમામ પ્રકારની મીઠાઈઓની હાટડી ભરી ત્રાજવા તોલા સાથે બિરાજી ચોપડા પૂજન તેમજ લક્ષ્મી સ્વરૂપના સોના- ચાંદીના સિકકાનું પૂજન કરવામાં આવશે. મંદિરમાં સવારે ૫.૩૦ કલાકે મંગલા આરતી તેમજ સાંજે ૮.૧૫ કલાકે હાટડી દર્શન તેમજ દિપમાલા દર્શન યોજાશે. જગતમંદિરમાં તા.૯મી રોજ સવારે ૧૧.૩૦ કલાકે ગોવર્ધન પૂજા યોજાશે. બાદ સાંજે ૫થી ૭ અન્નકૂટ મહોત્સવ યોજાશે. તા.૧૦મીએ નૂતન વર્ષ તેમજ તા.૧૧મીએ ભાઈબીજ પર્વની ઊજવણી કરાશે.
શ્રીજીને ૯૫ ગ્રામ સોનાના આભૂષણ અને ૧૬૦૦ ગ્રામ ચાંદીની આરતી અર્પણ
જગત મંદિર ખાતે ધનતેરસે ભક્તો દ્વારા દ્વારકાધીશજીના ચરણોમાં સોના-ચાંદીની ભવ્ય ભેટ અર્પણ કરવામાં આવી હતી. ભક્ત પરિવાર દ્વારા ઠાકોરજીને અંદાજે ૯૫ ગ્રામ સોનાના કર્ણફૂલ અને માળા અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય એક કૃષ્ણભક્ત દ્વારા અંદાજે ૧૬૦૦ ગ્રામ ચાંદીની આરતી અર્પણ કરવામાં આવી હતી.




