તાલાલા સ્વાર્મ અર્થક્વેકથી ધુ્રજ્યું, 3.2નો તીવ્ર ભૂકંપ સાથે 7 આંચકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: સોમનાથ જિલ્લાના ગીર વિસ્તારમાં આવેલા તાલાલા પંથકની ધરતી આજે સવારે ૯-૫૪ વાગ્યે ૩.૨નો તીવ્ર ભૂકંપ અને તેની સાથે જ 'સ્વાર્મ ' પ્રકારના ઉપરાઉપરી ૭ ભૂકંપીય આંચકાઓથી ધુ્રજી ઉઠી હતી. ભારતના પશ્ચિમોત્તર ભાગમાં આવેલ વિશ્વના સૌથી મોટા ડેક્કન વોલ્કાનિક પ્રોવિન્સ (દક્કન જ્વાળામુખીય ક્ષેત્ર)ની મધ્યમાં આવેલો તાલાલા વિસ્તાર આવા શ્રેણીબધ્ધ ભૂકંપો માટે વર્ષોથી સંવેદનશીલ રહ્યો છે.
તાલાલા (ગીર)થી ૧૧ કિ.મી. ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશા તરફ ૨૧.૧૩૮ અક્ષાંસ અને ૭૦.૫૮૯ રેખાંશ ઉપર ભોજડે ગામ નજીક જમીનમાં માત્ર ૫.૭ કિ.મી.ની ઉંંડાઈએ આ તીવ્ર ધરતીકંપ ઉદ્ભવ્યો હતો જેનાથી મકાનોમાં તીવ્ર ધુ્રજારી અનુભવાઈ હતી. આ ભૂકંપોનો સિલસિલો ગત મોડી રાત્રિથી શરુ થયો હતો. (૧) રાત્રે ૧-૧૩ વાગ્યે ૧.૭નો આંચકો, (૨) પછી ૨.૦૧ વાગ્યે ૨.૩નો તીવ્ર ભૂકંપ, (૩) ૨.૩૮ વાગ્યે ૧.૨ની તીવ્રતા (૪) ૨.૪૨ વાગ્યે ૧.૨ની તીવ્રતા (૫) ૨.૪૬ વાગ્યે ૧.૯ (૬) વહેલી સવારે ૫.૧૮ વાગ્યે ૧.૫ અને છેલ્લે ઉપરોક્ત કરતા અસંખ્ય ગણો તીવ્ર આંચકો (૭) સવારે ૯.૫૪ વાગ્યે ૩.૨નો નોંધાયો છે. તાલાલા ગીરથી વધુ અહેવાલ મૂજબ મોડી રાત્રિના ઉપરાઉપરી આંચકાથી કોઈ નુક્શાનના અહેવાલ નથી પરંતુ, લોકોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી.
બીજી તરફ, કચ્છમાં સપ્ટેમ્બરમાં ચાર તીવ્ર ભૂકંપો પણ નોંધાયા છે જેમાં તા.૩ના ભચાઉ પંથકમાં ૩.૬ની તીવ્રતાનો અને આ જ દિવસે દુધઈ પંથકમાં ૩.૦ની તીવ્રતાનો, તા.૬ના ગત ૯ માસમાં સર્વાધિક શક્તિશાળી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ ધોળાવીરા પંથકમાં, ગત તા.૨૬ના દુધઈ પંથકમાં ૨.૬ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. પરંતુ, સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી શાંત રહેલી ભૂકંપીય ગતિવિધિ ફરી શરુ થઈ છે.
ઉલ્લેખનીય છે કે કચ્છમાં મેઈન ફોલ્ટલાઈનને કારણે વધુ તીવ્રતાના ભૂકંપો આવે છે જ્યારે સૌરાષ્ટ્રમાં કે.એમ.એફ. જેવી ફોલ્ટલાઈન નહીં પરંતુ, ધરતીના પેટાળમાં કુદરતી ફોલ્ટ્સને કારણે ઓછી તીવ્રતાના ભૂકંપો આવતા રહ્યા છે.
- સામાન્ય ભૂકંપ અને સ્વાર્મ અર્થક્વેક શુ છે?
રાજકોટ: કચ્છમાં આવતા ભૂકંપો કરતા સૌરાષ્ટ્રના સ્વાર્મ પ્રકારના ભૂકંપો નીચે મૂજબ અલગ છે.
(૧)સ્વાર્મ ભૂકંપ જમીનની ઉપરી સપાટીએ ૫થી ૧૦ કિ.મી.સુધીની ઉંડાઈએ ઉદ્ભવે છે.
(૨) અન્યત્ર એક મોટા ભૂકંપ પછી આફ્ટરશોક આવે છે ત્યારે સ્વાર્મમાં આફ્ટરશોક નહીં પણ શ્રેણીબધ્ધ નાના નાના ભૂકંપો આવે છે.
(૩) મૂળભૂત ભૂકંપ વધુ તીવ્રતાના અને જમીનમાં ઉંડે ઉદ્ભવે છે ત્યારે સ્વાર્મની તીવ્રતા ઓછી હોય છે.
(૪) કચ્છ જેવા ભૂકંપોને ચોમાસા સાથે કોઈ સંબંધ નથી, સ્વાર્મ ભૂકંપોને ચોમાસાનું પાણી જમીનમાં ફોલ્ટ્સમાં,તિરાડમાં ઉતરે તેની સાથે ગાઢ સંબંધ હોય છે. - ચોમાસા પછી ફ્લુઈડ પ્રેશરથી તાલાલામાં ભૂકંપનો સિલસિલો
રાજકોટ: ભૂતકાળમાં તાલાલા પંથકના ભૂકંપો માટે થયેલા અભ્યાસના તારણ અનુસાર ચોમાસા પછી આ આંચકાનો સિલસિલો શરુ થતો હોય છે, જેનું કારણ ચોમાસામાં વરસતું પાણી ભુતળમાં ઉંડે ઉતરીને ત્યાં રહેલા ધરતીના પોપડાના ફોલ્ટ્સ ઉપર ફ્લુઈડ પ્રેશર (તરલ દાબ અર્થાત્ પ્રવાહી દબાણ) થતા શ્રેણીબધ્ધ ભૂકંપો જન્મે છે. આ કારણે આ વિસ્તારમાં આવા ભૂકંપો મોટાભાગે ચોમાસા પછીના સમયમાં જ ઉદ્ભવતા હોય છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના મિતિયાળા આસપાસના પંથક પણ આવા ભૂકંપો માટે જાણીતો છે.




