નિવૃત્ત બેન્ક કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી 15 દિવસમાં રૂા.42 લાખ ખંખેર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર : જામનગરમાં સાયબર ઠગબાજોએ સરકારી તપાસ એજન્સીઓના નામે એવો ભયનો માહોલ ઊભો કર્યો કે ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પોતાની જિંદગીભરની બચત ગુમાવી બેઠા! સીબીઆઈ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટના અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ જેવા ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ઠગબાજોએ તેમની પાસેથી રૂા. ૪૨.૨૫ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.
જામનગરના કિસાન ચોક વિસ્તારમાં રહેતા અને વર્ષ ૨૦૧૮માં બેન્કની નોકરીમાંથી નિવૃત્ત થયેલા જયેશભાઈ પરશોત્તમભાઈ ઓઝા (ઉ.વ.૬૩)ને ગત તા. ૧૦ ઓક્ટોબરના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ત્યારબાદ વોટ્સએપ કોલ કરનાર શખ્સે પોતે ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયાનો સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ કુલકર્ણી હોવાનું જણાવ્યું હતું. તેમના આધારકાર્ડનો ઉપયોગ કરીને સીમકાર્ડ મેળવાયું છે અને તેના દ્વારા વાંધાજનક ફોટા-વીડિયો તથા ગેરકાયદે જાહેરાતો મોકલાઈ હોવાનું કહી તેમને ફસાવ્યા હતા.
ઠગબાજોએ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં આશરે ૨૦ લોકો સામે ગુનો નોંધાયો હોવાનું જણાવી તેઓ પણ તેમાં સંડોવાયેલા હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં, કોઈને જાણ નહીં કરવાની અને અલગ રૂમમાં રહેવાની સૂચના આપી રાષ્ટ્રીય સુરક્ષાના ભંગ બદલ ધરપકડની ધમકી આપી હતી. ત્યારબાદ સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ અને આરબીઆઈના નામે બનાવટી દસ્તાવેજો તથા નોટિસો મોકલી તપાસના બહાને બેન્ક ખાતામાં રહેલી રકમ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી. આ રકમ તપાસ પૂર્ણ થયા બાદ પરત મળી જશે તેવી લાલચ પણ આપી હતી. તા. ૧૨ ઓક્ટોબરના રોજ રૂા. ૩.૧૫ લાખ સહિત અન્ય તબક્કામાં રૂા. ૧૦ લાખ અને રૂા. ૧૭ લાખ જેવી મોટી રકમો ટ્રાન્સફર કરાવાઈ હતી.
આશરે ૧૫ દિવસ સુધી સતત ફોન અને વોટ્સએપ કોલથી દબાણ કર્યા બાદ વધુ નાણાંની માગણી થતાં ફરિયાદીને શંકા ગઈ હતી. પરિવારજનોને જાણ કરતાં પોતાની સાથે સાયબર છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી નાણાકીય વ્યવહારો અને આરોપીઓની તપાસ હાથ ધરી છે.
'તમારા સીમકાર્ડથી બિભત્સ ફોટા-વીડિયો મોકલાયા છે'
વોટ્સએપ કોલમાં રાહુલ કુલકર્ણી નામનાં શખ્સે ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી નિવૃત્ત બેંક કર્મચારીને જણાવ્યું હતું કે, 'તમારા આધારકાર્ડ પરથી એક સીમકાર્ડ લેવામાં આવ્યું છે, જેનો ઉપયોગ અનેક લોકોના બિભત્સ ફોટા અને વીડિયો મોકલવા તેમજ ગેરકાયદે જાહેરાતો મોકલી લોકોને હેરાન કરવા માટે થયો છે.' આથી ફરિયાદીએ પોતે આવું કોઈ કૃત્ય કર્યું નથી તેમ જણાવતાં ઠગબાજોએ તેમને અલગ રૂમમાં રહેવાની અને કોઈને આ બાબતની જાણ નહીં કરવાની સૂચના આપી હતી. જો અન્ય કોઈને જાણ કરશે તો નેશનલ સિક્યુરિટીનો ભંગ ગણાવી ધરપકડ કરવાની ધમકી પણ આપી હતી.




