Rajkot

રાજકોટ: જેતપુરના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત, કેન્સરની અસહ્ય પીડાથી કંટાળી આ પગલું ભર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ!

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
રાજકોટના જેતપુર નજીક આવેલા પ્રસિદ્ધ રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુએ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી છે. બોરડી સમઢિયાળા અને ખારચિયા ગામ વચ્ચે મંદિરની સામે વાડીના કૂવામાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. છેલ્લા 10 વર્ષથી કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા મહંતે શારીરિક પીડાથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં જણાવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: જેતપુરના રણુજા ધામ મંદિરના મહંતનો આપઘાત, કેન્સરની અસહ્ય પીડાથી કંટાળી આ પગલું ભર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ!

Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુરના બોરડી સમઢિયાળા અને ખારચિયા ગામ વચ્ચે આવેલા પ્રસિદ્ધ રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકના સેવકો અને શ્રદ્ધાળુઓમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે. મહંતે ગંભીર બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું હોવાનું તેમની પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં જાણવા મળ્યું છે.

વાડીના કૂવામાંથી મળ્યો મૃતદેહ

મળતી માહિતી અનુસાર, મહંત કરસનદાસ બાપુએ મંદિરની સામે જ આવેલી એક વાડીના કૂવામાં પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો, મંદિરના સેવકો અને ભક્તો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ અને સ્થાનિક લોકોની મદદથી મહંતના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

છેલ્લા 10 વર્ષથી કેન્સરની પીડા સામે ઝઝૂમતા હતા!

પોલીસને ઘટનાસ્થળેથી મહંત કરસનદાસ બાપુએ લખેલી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેમણે પોતાના જીવનના છેલ્લા 47 વર્ષનો ઉલ્લેખ કર્યો છે. મૂળ મીઠાપુરના વતની અને વરીયા કુંભાર જ્ઞાતિમાં જન્મેલા મહંતે લખ્યું છે કે, '47 વર્ષ પહેલાં હું પોતાનો પરિવાર છોડી સંન્યાસી બન્યા હતા અને છેલ્લા 45 વર્ષથી રણુજા ધામ મંદિરની સેવા-પૂજા કરતા હતા. આ સમય દરમિયાન મે મારા પરિવાર સાથે કોઈ સંપર્ક રાખ્યો નહોતો.'

સુસાઇડ નોટ અનુસાર, આપઘાત પાછળનું મુખ્ય કારણ કેન્સરની ગંભીર બીમારી છે. મહંત છેલ્લા 10 વર્ષથી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. શરીરમાં ફેલાયેલી આ બીમારીને કારણે થતું દર્દ હવે અસહ્ય બની ગયું હતું અને તે સહન કરવું અશક્ય હોવાના લીધે તેઓ શારીરિક પીડાથી કંટાળી ગયા હતા, જેના કારણે આ પગલું ભર્યું છે. હાલ જેતપુર તાલુકા પોલીસે મહંતનો મૃતદેહ અને સુસાઇડ નોટ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ આ ચકચારી મામલે વધુ તપાસ શરૂ કરી છે.