રાજકોટમાં લૂંટ વિથ મર્ડર! કારમાં આવેલા શખ્સો 3 કિલો સોનું-ચાંદી આંચકીને ફરાર, ફાયરિંગમાં જ્વેલર્સ કર્મીનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Gold Robbery: નવરાત્રિના પર્વ ટાણે જ રાજકોટમાં લોહિયાળ લૂંટની મોટી ઘટના સામે આવી છે. આજી વસાહત વિસ્તારમાં તનવી ગોલ્ડ નામની જ્વેલર્સ પેઢીના કર્મચારી અંદાજે 1 કિલો સોનું અને 2 કિલો ચાંદીના દાગીના ભરીને એક્ટિવા પર જઈ રહ્યા હતા, તે વેળાએ કારમાં સવાર ત્રણથી ચાર શખ્સોએ તેમનો રસ્તો રોકીને દાગીનાનો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.


લૂંટારુઓએ ફાયરિંગ કરતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્મચારીનું મોત
કર્મચારી લાલભાઈ સરધારાએ બહાદુરીપૂર્વક સામનો કરતા લૂંટારુઓએ નિર્દયતાપૂર્વક ફાયરિંગ કર્યું હતું, જેમાં છાતીના ભાગે ગોળી વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ મોત થયું છે.

પોલીસનો ઉચ્ચ કાફલો તપાસમાં જોતરાયો
આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યા તેમજ લૂંટના આ ગુનાને અંજામ આપી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જ્વેલર્સના કર્મચારીએ જણાવ્યું કે-
હકીકતમાં એવું બન્યું હતું કે લાલજીભાઈ સરધારા અમારી કંપનીમાં ઘણા સમયથી કામ કરે છે. તેઓ બાજુમાં આવેલી અમારી રિફાઇનરીમાંથી સોનું લેવા માટે ગયા હતા. સોનું લઈને જ્યારે તેઓ ડેલાની બહાર નીકળ્યા, ત્યારે ચાર લોકોએ તેમની ઉપર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ગોળીબાર કરીને તેમના હાથમાંથી સોનું ઝૂંટવી લીધું અને ગાડીમાં ફરાર થઈ ગયા. હાલ હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી, પરંતુ તેમની ગાડી નજરે પડી હતી. આ લૂંટમાં આશરે 950 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદીની લૂંટ થઈ છે, જેની વર્તમાન અંદાજિત કિંમત 1 કરોડ 60 લાખ રૂપિયા જેટલી થાય છે.
રાજકોટ સોની બજારમાં ગુરુવારે બંધનું એલાન
રાજકોટના જ્વેલર્સે દિનદહાડે બનેલી આ લૂંટની ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે-સોના-ચાંદીના વ્યવસાય સાથે હજારો લોકો સંકળાયેલા હોવા છતાં વેપારીઓની કોઈ સેફ્ટી રહી નથી. દરવાજાની બહાર આવીને ગમે ત્યારે ગોળી મારીને જતો રહે તેવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ સુરક્ષાના મુદ્દે અને આરોપીઓ ઝડપાઈને મુદ્દામાલ રિકવર ન થાય ત્યાં સુધી સોના-ચાંદી બજાર અને 15 જેટલી ફેક્ટરીઓ દ્વારા આવતીકાલ 15 ઓકટોબરના રોજ આખો દિવસ સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું છે.
સમગ્ર ઘટના અંગે પોલીસે પ્રાથમિક તપાસ બાદ કહ્યું કે-
રાજકોટ શહેરમાં થોરાળા પોલીસ સ્ટેશનની અંદર તન્વી એક્સપોર્ટ લિમિટેડ કરીને કંપની આવેલી છે, જે સોના-ચાંદીનું કામ કરે છે. એની અંદર આજે સાંજના સાતથી આઠની વચ્ચે એમના લાલજીભાઈ કરીને કર્મચારી છે, જે આ રીતે 900 ગ્રામ જેટલું ગોલ્ડ અને 3 કિલો ચાંદી લઈ અને જોડે જ એમની કંપની 50 મીટરની અંદર જ્યાં દાગીના બની રહ્યા છે ત્યાં લઈ જતા હતા. એ જેવા ટુ-વ્હીલરમાં બહાર નીકળે છે સામે ફોર-વ્હીલરની અંદર ત્રણથી ચાર જેટલા લૂંટારાઓ આવે છે અને એમને આ લૂંટ કરવાની કોશિશ કરે છે. તો લાલજીભાઈ જે છે એ પોતે જોરદાર પ્રતિકાર કરે છે, એ પ્રતિકાર કરે છે તેના લીધે લૂંટારાઓ એમની ઉપર ત્રણ જેટલા રાઉન્ડ ફાયરિંગ કરી અને તેમને ઈજાગ્રસ્ત કરીને લૂંટીને ભાગી જાય છે.





