Rajkot

મગફળી અગ્નિકાંડ : 44 કરોડની રાખ વચ્ચે ફાયરના લાખોનાં બિલથી 'દાઝયા પર દામ'

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
મોરબી નજીક નાફેડના ગોડાઉનમાં લાગેલી આગે 44 કરોડની મગફળી ભસ્મીભૂત કરી હતી. આ દુર્ઘટનામાં 1.59 લાખ ગુણી બળી ગઈ હતી. હવે મોરબી, રાજકોટ અને વાંકાનેર ફાયર બ્રિગેડે આગ બુઝાવવા માટે 6.83 લાખ રૂપિયાના બિલ મોકલતા "દાઝ્યા પર દામ" જેવી સ્થિતિ સર્જાઈ છે. જામનગરનું બિલ આવવાનું બાકી છે, જેણે નવો વિવાદ જગાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મગફળી અગ્નિકાંડ : 44 કરોડની રાખ વચ્ચે ફાયરના લાખોનાં બિલથી 'દાઝયા પર દામ'

મોરબી : મોરબી નજીક નાફેડના મગફળીનાં ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે ભારે ચર્ચા જગાવી હતી. ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં સંગ્રહિત મગફળીનો જથ્થો આગની ઝપટે ચઢી ગયો હતો. આ ગોડાઉનમાં ૧.૫૯ લાખ મગફળીની ગુણીઓ સંગ્રહિત હતી, જે આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતાં ૪૪ કરોડ રૂપિયાથી વધુનું જંગી આર્થિક નુકસાન થયું છે, જેણે અનેક શંકા-કુશંકાઓ સાથે રહસ્યના તાણાવાણાં સર્જયા છે. જો કે હવે ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરીનાં રૂા.૬.૮૩ લાખના બિલ મોકલવામાં આવતા 'દાઝયા પર દામ'નો કટાક્ષ થવા સાથે નવા વિવાદનાં લબકારાં ચાલુ થયા છે.
મોરબી, રાજકોટ, વાંકાનેર ફાયર બ્રિગેડે આગ બૂઝાવવાની કામગીરી બદલ રૂા.૬.૮૩ લાખનાં બિલ મોકલ્યાં, હજુ જામનગરનું બિલ બાકી
નાફેડના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ભયાનકતા એટલી હતી કે તેના પર કાબુ મેળવવા માટે મોરબી, વાંકાનેર, રાજકોટ અને જામનગર એમ ચાર જિલ્લાઓની કુલ ૧૧ ફાયર ટીમોને મેદાને ઉતારવી પડી હતી. સતત ૯ દિવસ સુધી અથાક મહેનત કરી આગ ઓલવવા માટે પાણીના ટેન્કરો અને ફોમનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નવ દિવસીય ઓપરેશન દરમિયાન ફાયર ટીમોએ અંદાજે ૧ કરોડ ૭૦ લાખ લિટર પાણીનો મારો ચલાવીને માંડ આગ પર કાબુ મેળવ્યો હતો. એક તરફ ૪૪ કરોડ રૂપિયાની મગફળી બળી જવાથી વેરહાઉસ કોર્પોરેશન અને સરકારી તંત્ર આર્થિક અને માનસિક આઘાતમાં છે, તો બીજી તરફ હવે ફાયર વિભાગોએ પોતાની કામગીરીના બદલામાં સરકારી બિલ મોકલવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં મોરબી, રાજકોટ, વાંકાનેર ફાયર બ્રિગેડે રૂા. ૬,૮૩,૦૨૧ના બિલ મોકલ્યા છે, જ્યારે હજુ જામનગર ફાયર ટીમનું બિલ બાકી છે. રૂા.૪૪ કરોડના માતબર નુકસાન સામે આ બિલ ભલે નાના લાગે, પરંતુ વહીવટી અને માનસિક દ્રષ્ટિએ આ સ્થિતિ અત્યંત કમનસીબ અને કટાક્ષભરી સાબિત થઈ રહી છે.

અગ્નિકાંડ માત્ર દુર્ઘટના કે કોઈ ષડયંત્રઃ રહસ્ય અકબંધ
મોરબીમાં મગફળી અગ્નિકાંડ માત્ર એક દુર્ઘટના છે કે કોઈનું કોઈ ષડયંત્ર? તે એક મોટો સવાલ છે. કરોડો રૂપિયાના સરકારી અનાજ-મગફળીના જથ્થાની સુરક્ષા માટે જવાબદાર તંત્રની લાપરવાહી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આગની આ ઘટનાનું સત્ય બહાર લાવવા માટે પોલીસની સાથે એફએસએલ ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને ચકાસણી શરૂ કરી છે. જ્યારે ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી ૫૦ જેટલા શંકાસ્પદ સેમ્પલ એકત્ર કરીને લેબ પરીક્ષણ ચાલુ કર્યું છે. સત્તાવાર ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આગ લાગવાનું અસલી અને સાચું કારણ બહાર આવશે. હાલ તો રહસ્ય અકબંધ છે.

  • ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા મોકલવામાં આવેલાં બિલ
    મોરબી રૂા. ૪,૬૨,૭૫૦
    રાજકોટ રૂા. ૧,૮૮,૮૨૧
    વાંકાનેર રૂા. ૩૧,૪૫૦
    જામનગર હજુ બિલ બાકી
    કુલ રકમ રૂા. ૬,૮૩,૦૨૧