Rajkot

ઇલેક્ટ્રિક ઉપકરણથી ચાલતું દેશી દારૂનું મિનિ કારખાનું ઝડપાયું

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
બાબરાના નોંઘણવદર ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી, ઇલેક્ટ્રિક ઉપકરણથી ચાલતું દેશી દારૂનું મિની કારખાનું ઝડપ્યું હતું. પોલીસે સ્થળ પરથી ૮.૭૦ લાખનો મુદ્દામાલ, ૨૦૮૫ લિટર દારૂ અને ૧૩૨૫૦ લિટર આથા સાથે એક શ્રમિકને પકડી પાડ્યો હતો. આ કારખાનું ચંદાભાઈ અને કનુભાઈ ચલાવતા હતા, જેઓ સહિત 4 સામે ગુનો નોંધી લાઠી પોલીસને વધુ તપાસ સોંપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇલેક્ટ્રિક ઉપકરણથી ચાલતું દેશી દારૂનું મિનિ કારખાનું ઝડપાયું
  • દેશી દારૂ રાજકોટ સુધી સપ્લાય કરવામાં આવતો હોવાનું ખુલ્યું
  • બાબરા વિસ્તારના બનાવ અંગે લાઠી પોલીસને તપાસ સોંપાઇ

બાબરા: બાબરા તાલુકાના નોંઘણવદર ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઇલેક્ટ્રિક ઉપકરણથી ચાલતા દેશી દારૂના મિનિ કારખાના પર દરોડો પાડી સ્થળ ઉપરથી એક શ્રમિકને ઝડપી લઈ દેશી દારૂ સહિત ૮.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂના કારખાનાના સંચાલકો સહિત ચારના નામ ખુલતા તમામ સામે ગુનો નોંધી તપાસ લાઠી પોલીસને સોપવામાં આવી છે.
બે હજાર લિટર દારૂ, ૧૩ હજાર લિટર આથો, સાધનો સહિત ૮.૭૦ લાખના મુદ્દામાલ સાથે શ્રમિક પકડાયો, સંચાલકો સહિત ૪ની શોધખોળ
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે બાબરાના નોંઘણવદર ગામની સીમમાં દરોડો પાડયો હતો. સીમમાં ચંદાભાઇ ઉનડભાઇ જેબલીયા તથા કનુભાઇ દેવકુભાઇ હુદડ (રહે. બન્ને નોંધણવદર)ના મુખ્ય સંચાલન હેઠળ બે ઇલેક્ટ્રિક ઉપકરણ સાથે ચાલતું દેશી દારૂ બનાવવાનું મિનિ કારખાનું ઝડપાયું હતું. ટીમે સ્થળ પરથી રૂ.૪.૧૭ લાખની કિંમતનો ૨૦૮૫ લીટર દેશી દારૂ, ૩.૩૧ લાખની કિંમતનો૧૩૨૫૦ લીટર દારૂનો આથો, મોટર સાયકલ, જનરેટર તથા અન્ય મળી ૮.૭૦ લાખના મુદામાલ સાથે સ્થળ પરથી ભીખાભાઇ રવજીભાઇ ગોલતર (ઉ.વ.૫૩ રહે.થોરખાણ) નામના શ્રમિકને ઝડપી લીધો હતો. જયારે રેઇડ દરમ્યાન અન્ય શ્રમિકો ભાભલુભાઇ જીલુભાઇ ટીટોસા તથા ગભાભાઇ લખુભાઇ બસીયા નાસી છુટયા હતા.
પૂછપરછમાં આજુબાજુના વિસ્તાર સહિત રાજકોટ સુધી વાહન મારફતે રોજ દેશી દારૂનો જથ્થો મોકલાતો હોવાનું ખુલ્યું હતું. એસ.એમ.સી.ની ટીમે દુર્ગંધયુક્ત દેશી દારૂના આથાના જથ્થાનો નાશ કરવા સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. એસ.એમ.સી.ના એ.એસ.આઇ.પરબતભાઇ મકવાણાની ફરિયાદના આધારે બે સંચાલકો સહિત ૪ સામે ગુનો નોંધી આગળની તપાસ લાઠી પી.આઇ. એમ.બી. ઔસુરાને સોંપવામાં આવી છે.