રાજકોટમાં ધો.12ની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ બાદ ગર્ભપાત કરાવનાર નરાધમ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Crime News: રાજકોટમાં હોસ્ટેલમાં રહીને ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી, અવારનવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી. નરાધમે સગીરાને ધમકાવીને પરાણે ગર્ભપાતની દવાઓ આપી હતી અને અશ્લીલ તસવીરો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે રાજકોટની યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી અને તેના સગીર ભત્રીજા સહિત બે લોકોની ધરપકડ કરી છે.
જૂનાગઢથી શરૂ થઈ હતી ઓળખાણ
મળતી માહિતી અનુસાર, મૂળ જૂનાગઢની વતની અને હાલ રાજકોટની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી સગીરા જ્યારે અગાઉ જૂનાગઢમાં હતી, ત્યારે તેની સાથે જ ભણતા માળિયાહાટી તાલુકાના કાત્રાસા ગામના હર્ષદસિંહ દેવધરિયા સાથે તેની ઓળખાણ થઈ હતી. હર્ષદસિંહે સગીરાને વિશ્વાસમાં લઈને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરા વધુ અભ્યાસ માટે રાજકોટ આવી ગઈ હતી, પરંતુ આરોપી તેનો પીછો કરતો રાજકોટ સુધી પહોંચી ગયો હતો.
સરકારી ક્વાર્ટરમાં આચર્યું દુષ્કર્મ, સગીરા ગર્ભવતી બનતા દવા ખવડાવી
ગત માર્ચ મહિનામાં રાજકોટ આવેલા આરોપી હર્ષદસિંહે અહીં ધરમનગર વિસ્તારમાં સરકારી ક્વાર્ટરમાં રહેતા પોતાના સગીર વયના ભત્રીજાનો સંપર્ક કર્યો હતો. આરોપી સગીરાને લલચાવી-ફોસલાવીને આ ક્વાર્ટરમાં લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. સતત શારીરિક શોષણના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જ્યારે સગીરાએ આ અંગે આરોપીને જણાવ્યું, ત્યારે કાયદાના સકંજામાંથી બચવા માટે મુખ્ય આરોપી અને તેના ભત્રીજાએ ગર્ભનિરોધક ગોળીઓ આપીને તેનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો.
અશ્લીલ ફોટા પાડી બ્લેકમેઈલિંગ શરૂ કર્યું
નરાધમોની ક્રૂરતા અહીં જ ન અટકી, તેઓએ સગીરાના અશ્લિલ તસવીરો અને વીડિયો પણ ઉતારી લીધા હતા. આ સામગ્રી સોશિયલ મીડિયા પર વાઈરલ કરવાની અને તેના પરિવારને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપીને સગીરા પર સતત માનસિક દબાણ કરવામાં આવતું હતું. અંતે આ ત્રાસથી કંટાળીને સગીરાએ હિંમત ભેગી કરી પોતાના પરિવારને આપવીતી જણાવી હતી.
પરિવારના સભ્યો સગીરાને લઈને તાત્કાલિક યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે પોક્સો (POCSO) એક્ટ, દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી, આઇટી (IT) એક્ટની કલમો અને બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવવો સહિતની અત્યંત ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી હર્ષદસિંહ દેવધરિયા અને ગુનામાં મદદગારી કરનાર તેના સગીર ભત્રીજાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









