Rajkot

ભારતીય નૌસેનાનું માનવ રહિત વિમાન તાલીમી ઉડાન સમયે ક્રેશ

By GS Team
9 Jul 20263 mins read
TukuTouch Logo
પોરબંદર નજીક ચારણના દંગા પાસે ભારતીય નૌસેનાનું માનવરહિત સ્ટારલાઈનર-10 ડ્રોન તાલીમી ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. ટેકનિકલ ખામીને કારણે બપોરે થયેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કેટલાક વીજપોલને નુકસાન થયું છે. ધરમપુર પોલીસ, નૌસેના અને કોસ્ટગાર્ડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય નૌસેનાનું માનવ રહિત વિમાન તાલીમી ઉડાન સમયે ક્રેશ

પોરબંદર: વર્તમાન સમયે વૈશ્વિક યુધ્ધના માહોલ વચ્ચે આજે બપોરના સમયે એકાએક જ પોરબંદર નજીક એરપોર્ટ અને કોસ્ટગાર્ડના રેસીડેન્સીયલ એરિયા વચ્ચે આવેલા ચારણના દંગા નજીક ભારતીય નૌસેનાનું માનવ રહિત વિમાન તાલીમી ઉડાન દરમિયાન ક્રેશ થતા સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સદનશીબે કોઈ જાનહાની નહી થતાં રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
કોઈ ટેકનિકલ ખામી સર્જાયાનું પ્રાથમિક તારણ, સદનશીબે જાનહાની ટળી, સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવી તપાસ શરૂ
દરિયા સુરક્ષા માટે નૌસેનામાં તાજેતરમાં સામેલ કરાયેલું ડ્રોન વિમાન હેર્મેસ-૯૦૦ સ્ટારલાઈનર તાલીમી ઉડાન દરમિયાન ટેકનિકલ ખામીના કારણે ડ્રોન ક્રેશ થયું હતું. ડ્રોન ચારણના દંગાના ઝુંપડાઓની નજીક આવેલી ઝાડી ઝાંખરા વચ્ચે પટકાયું હતું. ચારણના દંગા એ ચારણ માલધારી પરિવારોનો વસવાટ છે જ્યાં મોટી સંખ્યામાં કાચા ઝુંપડા અને પશુઓ છે. ડ્રોન પડવાના અવાજથી માલધારી પરિવારોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટના સ્થળની બિલકુલ બાજુમાં જ કોસ્ટ ગાર્ડનો રેસિડેન્સીયલ એરિયા હોવાથી મોટી જાનહાનિની શક્યતા હતી. પરંતુ સદનસીબે કોઈને ઈજા કે જાનહાની નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, કેટલાક વીજપોલને નુકસાન થવાથી વીજતંત્રના અધિકારીઓ દોડી ગયા હતા અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતા જ ધરમપુર પોલીસ, નૌસેના અને કોસ્ટગાર્ડના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. લોકોના ટોળેટોળા એકત્ર થયા હોવાથી પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડ્રોનના કાટમાળને સુરક્ષિત કરીને ટેકનિકલ ખામીનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

  • નૌસેનાએ એક્સ હેન્ડલ પર સત્તાવાર પુષ્ટિ કરી
    ભારતીય નૌસેનાના પ્રવક્તાએ સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ પર પુષ્ટિ કરી છે કે આજે બપોરે પોરબંદર એરફિલ્ડ નજીક તાલીમી ઉડાન દરમિયાન સ્ટારલાઈનર-10 ક્રેશ થયું હતું. નૌસેનાએ જણાવ્યું કે જમીન પર કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ નથી અને ઘટનાના કારણની તપાસ ચાલુ છે.
  • અગાઉ કોસ્ટગાર્ડનું ડ્રોન ઉદ્યોગનગરમાં પડયું હતું
    આજે નૌસેનાનું માનવ રહિત વિમાન ક્રેશ થયું એ જ રીતે ચારેક વર્ષ અગાઉ ભારતીય કોસ્ટગાર્ડનું ડ્રોન પણ પોરબંદરમાં ક્રેશ થયું હતું. ઉદ્યોગનગર વિસ્તાર જ્યાં મોટી સંખ્યામાં ઉદ્યોગ ગૃહો આવેલા છે ત્યાં એક બંધ ફેક્ટરીના પટાંગણમાં કોસ્ટગાર્ડનું વિમાન પડયું હતું.
  • નૌસેનાએ તાજેતરમાં જ નવા ડ્રોનને કાફલામાં સામેલ કર્યું'તું
    પોરબંદર એ દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ વ્યુહાત્મક સેન્ટર છે. કારણ કે અહીં કોસ્ટગાર્ડનું ડિસ્ટ્રીક્ટ હેડ ક્વાર્ટર આવેલું છે તો બીજી બાજુ સરદાર પટેલ નેવલ બેઝ પણ આવેલું છે. તે ઉપરાંત નેવલ એર એન્કલેવ ખાતે દરિયાઈ સુરક્ષા માટે મહત્વના કહી શકાય એવા ડ્રોન, તેમજ જહાજ અને હેલિકોપ્ટર સતત ખડે પગે રહે છે અને અવારનવાર ઉડાન ભરતા હોય છે. જેથી દરિયાઈ સરહદની દેખરેખ માટે નૌસેનાએ આજે ક્રેશ થયેલા ડ્રોનને તાજેતરમાં જ પોતાના કાફલામાં સામેલ કર્યું હતું. આ ઇઝરાયેલની ઈલ્બીટ સિસ્ટમ્સ સાથે ભાગીદારીમાં અદાણી ડિફેન્સ દ્વારા ભારતમાં બનાવવામાં આવેલું મેલ ડ્રોન હતું.