કુખ્યાત ફીરોઝ મેણું અને તેની ગેંગમાં સામેલ 20 બુટલેગરો સામે ગુજસીટોક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દસ આરોપીઓની ધરપકડ, છ જેલમાં, ચાર વોન્ટેડ : નાના પાયે દારૂનો ધંધો શરૂ કરનાર ફીરોઝ ભ્રષ્ટ પોલીસ અફસરોના આશીર્વાદથી સૌરાષ્ટ્રનો મોટા ગજાનો બુટલેગર બની ગયો હતો
રાજકોટ: દારૂની છુટક બોટલોનું વેંચાણ કર્યા બાદ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના ચાર હાથને કારણે સૌરાષ્ટ્રના મોટા ગજાના બુટલેગર કમ સપ્લાયર બની ગયેલા ફીરોઝ હાસમ મેણું અને તેના નેટવર્ક સાથે સંકળાયેલા 19 સભ્યો વિરુદ્ધ રાજકોટ ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી દસ સભ્યોની ધરપકડ કરી છે. છ સભ્યોનો જેલમાંથી કબજો મેળવવા અને વોન્ટેડ ચારને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. ગુજરાતમાં એક સાથે ૨૦ બુટલેગરો સામે ગુજસીટોકનો આ પ્રથમ કેસ મનાય છે. સૌરાષ્ટ્રમાં હાલમાં દારૂ સપ્લાય કરતાં મોટાભાગના બુટલેગરોને આ ગુજસીટોકનાં ગુનામાં આવરી લઇ ક્રાઇમ બ્રાંચે અંગ્રેજી દારૂની સપ્લાય ચેનને તોડી નાખવાનો પ્રયાસ કર્યો છે.
અંદાજે ૨૫ વર્ષ પહેલા અંગ્રેજી દારૂનું છુટક વેંચાણ કરનાર બુટલેગર ફીરોઝે ગુજરાતની નશાબંધીની નીતિ કેટલી ખોખલી છે તે વારંવાર સાબિત કરી દીધું છે. નાના પાયે શરૂઆત કર્યા બાદ ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓની મદદથી ફીરોઝ બુટલેગર, બાદમાં મોટો બુટલેગર અને પછી તેનાથી પણ એક કદમ આગળ વધી સપ્લાયર બની ગયો હતો. છેલ્લા ઘણાં વર્ષોથી પોલીસ અને કાયદાની એસીતેસી કરી સૌરાષ્ટ્રભરમાં અંગ્રેજી દારૂનું નેટવર્ક ચલાવતો હતો.
ભ્રષ્ટ પોલીસને ફીરોઝનું નેટવર્ક અટકાવવામાં કોઇ રસ ન હતો, તેથી ફીરોઝ એક ગુનામાંથી છુટી ફરીથી નેટવર્ક શરૂ કરી દેતો હતો. થોડા દિવસો પહેલા એસએમસીએ કુવાડવા રોડ પોલીસની હદમાંથી તેનો ૭૦ લાખનો દારૂ પકડતાં શહેર પોલીસની આબરૂનું વધુ એક વખત ધોવાણ થયું હતું. ગાંધીનગર સુધી તેના પ્રત્યાઘાતો પડતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ વસાવાને ઇન્કવાયરી પહેલા જ સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ કેસ પછી ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાએ ફીરોઝ આણી ટોળકી વિરુદ્ધ લગામ કસવા કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો, જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાંચે ફીરોઝ આણી ટોળકીની ક્રાઇમ કુંડળી એકત્ર કરી ગુજસીટોકની દરખાસ્ત તૈયાર કરી હતી.
આખરે આજે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યો છે. આ ગુજસીટોકના ગુનામાં સૌરાષ્ટ્રભરમાં અંગ્રેજી દારૂનું નેટવર્ક ચલાવતા મોટાભાગના બુટલેગરોને સાંકળી લેવાયા છે, જેમાં ધવલ સાવલીયા અને હર્ષદ ઉર્ફે મહાજન માંડલીયા વગેરેનો પણ સમાવેશ થાય છે.
- ધરપકડ કરાયેલા દસ આરોપીઓ
ક્રાઇમ બ્રાંચે ફીરોઝની ગેંગના જે દસ આરોપીઓની ધરપકડ કરી છે તેમાં ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશ ચાઉં (રહે. રાધેશ્યામ સોસાયટી શેરી નં.૬, કોઠારીયા રોડ), ધવલ ઉર્ફે શિવ બકુલ વડનગરા (રહે. કિર્તિધામ સોસાયટી શેરી નં.૧, દેવપરા), યશપાલસિંહ ઘનુભા જાડેજા (રહે. ખાનપર (ધુનડા), તા. મોરબી), મનોજ ઉર્ફે શિવો રમેશ પોબારૂ (રહે. અમૃતધારા રેસિડેન્સી, રેલનગર), મોહસિન ઉર્ફે ચીનલો દીલાવર કુરેશી (રહે. લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી), જય ઉર્ફે જયશન રસિક સાવલીયા (રહે. આસોપાલવ સોસાયટી, કોઠારીયા રોડ), મોહસિન મહમદ ભાયા (રહે. બેડી, જામનગર), બકુલ ઉર્ફે જગદીશ દીનેશ નંદેસણીયા (રહે. વઢવાણ, સુરેન્દ્રનગર), રાહુલ બોદાભાઇ વકાતર (રહે. કણકોટ રોડ) અને નિર્મળ હંસરાજ માણેક (રહે. જિલ્લા ગાર્ડન ચોક)નો સમાવેશ થાય છે.
છ આરોપીનો જેલમાંથી કબજો લેવાશે
મુખ્ય સૂત્રધાર ફીરોઝ (રહે. નિલકંઠ પાર્ક શેરી નં.૩, કોઠારીયા રોડ) રાજકોટ જેલમાં, હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા (રહે. વૃંદાવન પાર્ક સોસાયટી શેરી નં.૧, દેવપરા) નવસારી જેલમાં, ધવલ રસિક સાવલીયા જેતપુર સબ જેલમાં, ઇમરાન ઉર્ફે બોબડો ઉર્ફે ખલી હારૂન કાલવા (રહે. ભાવનગર) ડીસા સબ જેલ, પ્રશાંત ઉર્ફે પાસો કિશોર પરમાર વડોદરા સેન્ટ્રલ જેલ અને યુસુફ ઉર્ફે ડાંગી હસન હીંગોરા ડીસા જેલમાં છે. આ છએ આરોપીઓ અલગ-અલગ ગુનામાં જેલની હવા ખાઇ રહ્યા છે. જ્યાંથી હવે ક્રાઇમ બ્રાંચ કબજો મેળવશે. - નવ વર્ષમાં નોંધાયેલા 272 ગુના ધ્યાને લેવાયા
ફીરોઝ અને તેની ટોળકી વિરુદ્ધ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ખૂનની કોશિષ, હુમલા કરવા, ગેરકાયદે મંડળી રચી હુમલા કરવા, અપહરણ, ગોંધી રાખવું, એટ્રોસિટી, જાનથી મારી નાખવાની ધમકી આપવી, આર્મ્સ એક્ટ, બોગસ દસ્તાવેજો બનાવવાના અને બીજા રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં અંગ્રેજી દારૂ મંગાવી તેનું સમગ્ર સૌરાષ્ટ્રમાં વેંચાણ કરવા અંગે અત્યાર સુધીમાં અધધ કહીં શકાય તેટલા ૩૦૦થી વધુ ગુના નોંધાયા છે.
ક્રાઇમ બ્રાંચે નિયમ મુજબ ૨૦૧૭થી લઇ ૨૦૨૬ સુધીમાં નોંધાયેલા ૨૭૨ ગુના ધ્યાને લઇ ગુજસીટોકની દરખાસ્ત તૈયાર કરી હતી. આ ટોળકીની ગુનાઇત પ્રવૃતિને કારણે સમાજમાં ભય તો ફેલાતો હતો જ સાથોસાથ સૌરાષ્ટ્રમાં અનેક લોકોે નશાના રવાડે પણ ચડી ગયા હતા. ફીરોઝ અને તેના સાગરીતો વિરુદ્ધ સમયાંતરે પાસા અને સંગઠીત ક્રાઇમની કલમ ૧૧૧ હેઠળ પગલાં લેવાયા હતા. પરંતુ તેનાથી કોઇ ફર્ક પડયો ન હોય તેમ આ ટોળકીએ પોતાની ગુનાઇત પ્રવૃતિઓ ચાલુ રાખતા આખરે સંગઠીત ગુનાઓને અંકુશમાં લેવા માટે બનાવાયેલા પોલીસ પાસેના હાલના એક માત્ર શસ્ત્ર ગુજસીટોકનો ઉપયોગ કરાયો હતો. - એક વર્ષમાં નવ ગેંગના 113 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક
શહેરમાં છેલ્લા એકાદ વર્ષ દરમિયાન ક્રાઇમ બ્રાંચે પેંડા, મુરગા, બાટલી, ઓડીયા, ઇભલા, શામજી મક્કા, અલ્તાફ ઉર્ફે છ આંગળી, રામદેવ ડાંગર અને ફીરોઝ સહિત નવ ગેંગના 113 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. બીજી કઇ ગેંગ ગુજસીટોકની વ્યાખ્યામાં આવે છે તેની પણ હાલ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. એકંદરે સંગઠીત બની ગુના આચરતી મોટાભાગની ટોળકીઓ ગુજસીટોકમાં પુરાઇ ગઇ છે. જોકે તેનાથી શહેરમાં ગુનાખોરી અટકી હોય તેવું નથી. હજુ પણ શેરીએ-ગલીએ ફુટી નીકળેલા લુખ્ખાઓ અને માથાભારે તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. - માત્ર અઠવાડિયામાં ક્રાઇમ બ્રાંચે દરખાસ્ત તૈયાર કરી
ગુજસીટોક હેઠળ ગુનો નોંધવા માટે તમામ આરોપીઓ વિરુદ્ધ કેટલી ફરિયાદો નોંધાઇ છે, કેટલા ગુનામાં ચાર્જશીટ, ચાર્જફ્રેમ થયા છે સહિતની માહિતી મેળવવી પડે છે. જેને કારણે સામાન્ય રીતે ગુજસીટોકની દરખાસ્ત તૈયાર કરવામાં ઓછામાં ઓછા બે મહિના કરતા વધુ સમય લાગે છે. પરંતુ ફીરોઝ આણી ટોળકી વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચના એસીપી બી.બી. બસીયા, પીઆઇ એમ.આર. ગોંડલીયા અને પીએઆઇ સી.બી. જાડેજાએ માત્ર અઠવાડિયામાં દરખાસ્ત તૈયાર કરી લીધી હતી. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચે પોતાના હસ્તક રાખી છે. - ફીરોઝ આણી ટોળકીએ લાખો-કરોડોની મિલ્કતો વસાવી
ફીરોઝ અને તેની ટોળકીએ દારૂ સહિતની ગુનાઇત પ્રવૃતિઓ દ્વારા લાખો-કરોડોની મિલ્કતો એકત્રિત કર્યાનું મનાય છે. હવે નિયમ મુજબ ક્રાઇમ બ્રાંચ આ તમામ મિલ્કતો અંગે તપાસ કરી તેને ટાંચમાં લેવાની કાર્યવાહી કરશે. એટલું જ નહીં આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ, ગેંગને આર્થિક મદદ કરનાર અને પડદા પાછળ રહી મદદ કરનારાઓ અંગે પણ તપાસ કરશે. - ફીરોઝનો રૂા.70 લાખનો દારૂ એસએમસીએ પકડતા ગુજસીટોકનું કાઉન્ટ ડાઉન શરૂ થયું
- ગુજરાતમાં એક સાથે વીસ બુટલેગરો સામે ગુજસીટોકની પ્રથમ વખત કાર્યવાહી
- સૌરાષ્ટ્રભરમાં દારૂનું નેટવર્ક ધરાવતા ધવલ સાવલીયા અને હર્ષદ મહાજન પણ ગુજસીટોકની ઝપટે ચડયા




