Rajkot

ગુજરાતમાં મગફળીનું વાવેતર 100 ટકાને પાર, દેશમાં ગત વર્ષથી વધારે

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટ: જૂનમાં વરસાદની ઘટ છતાં, જુલાઈ અંતે ગુજરાતમાં મગફળીનું વાવેતર 103% અને સોયાબીનનું 100%ને પાર થયું છે. દેશમાં પણ ખરીફ મગફળીનું વાવેતર 97% થયું છે, જે ગત વર્ષ કરતાં 1.16 લાખ હેક્ટર વધુ છે. તેલિબિયાના પાકમાં ખેડૂતોનો ઉત્સાહ વધતા, સિંગતેલ અને સોયાબીનના ભાવ નિયંત્રણમાં રહેવાની આશા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં મગફળીનું વાવેતર 100 ટકાને પાર, દેશમાં ગત વર્ષથી વધારે

રાજકોટ: જૂન માસમાં વાવણીલાયક વરસાદની કમીથી ગુજરાત સહિત દેશમાં કૃષિક્ષેત્રે વાવણીમાં તોતિંગ ખાધથી સંકટના વાદળો સર્જાયા હતા. પરંતુ,જૂલાઈ અંતમાં વરસાદથી પરિસ્થિતિ સુધરી છે અને ગુજરાતમાં મગફળીનું વાવેતર આજે ૧૦૩ ટકાએ પહોંચ્યું છે તો દેશના અન્ય રાજ્યોમાં ખરીફ મગફળીનું વાવેતર ગત વર્ષથી ૧.૧૬ લાખ હેક્ટર વધીને ૯૭ ટકાથી વધુ વાવેતર આજ સુધીમાં પૂરું થઈ ગયું છે. આ સાથે સોયાબીનનું વાવેતર પણ ગુજરાતમાં ૧૦૦ ટકાને પાર, દેશમાં ૯૧ ટકા થયું છે.
સમગ્ર દેશમાં ખરીફ મગફળીનું વાવતેર સીઝનનું ૪૬.૭૯ લાખ હેક્ટર થાય છે, ગત વર્ષે ૩૧ જૂલાઈની સ્થિતિએ ૪૧.૯૦ લાખ હેક્ટર સામે આ વર્ષે ૪૩.૦૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન,મધ્યપ્રદેશ, દક્ષિણના રાજ્યોમાં પણ મગફળીનો પાક લેવાય છે. જ્યારે દેશમાં સોયાબીનનું વાવેતર ૧૧૭.૬૮ લાખ હેક્ટર થયું છે જે મોસમના કૂલ વાવેતરના ૯૧.૪૪ ટકા છે. અન્ય કૃષિપાકોમાં હજુ મોટી ઘટ જણાય છે ત્યારે તેલિબિયાના પાકમાં ખેડૂતોનો વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે.
ગુજરાતમાં ચોમાસાની આ ઋતુમાં નોર્મલ સરેરાશ ૧૯.૪૧ લાખ હેક્ટરમાં મગફળીનો પાક લેવાય છે, તે સામે આજ સુધીમાં જ ૧૯.૭૮ લાખ હેક્ટર અર્થાત્ ૧૦૩ ટકા વાવેતર થયું છે. ગુજરાતમાં આ ઋતુમાં ખેડૂતો મુખ્ય ૨૦ કૃષિપાકોના બીજ રોપે છે જેમાં મગફળી અને સોયાબીનનું વાવેતર ૧૦૦ ટકાને પાર થઈ ગયું છે.સોયાબીનનું આખી સીઝનનું નોર્મલ ૨.૮૧ લાખ હે. વાવેતર આજ તા.૩-૮-૨૦૨૬ સુધીમાં વધીને ૨.૯૪ લાખ હેક્ટરે પહોંચ્યું છે અર્થાત્ સીઝનના ૫ ટકા વધારે થયું છે.
ગત વર્ષે ગુજરાતમાં વિક્રમી ૬૦ લાખ ટન ઉત્પાદન બાદ આ વર્ષે મબલખ પાક થવાની આશા છે તો સાઈડ તેલોમાં સોયાબીનનું સાથે સિંગતેલના ભાવ નિયંત્રણમાં રહેવાની આશા બંધાઈ છે.