Rajkot

દ્વારકામાં યાત્રાળુઓની ભીડનો લાભ લઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 3.81 લાખનો મુદ્દામાલ જપ્ત

By GS Team
13 Nov 20262 mins read
TukuTouch Logo
દ્વારકામાં દિવાળી વેકેશન દરમિયાન, દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થીઓની ભીડનો લાભ લઈ ખિસ્સાકાતરુ કરતી 6 શખ્સોની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹1.40 લાખ રોકડા, 5 મોબાઇલ અને સ્વિફ્ટ કાર સહિત કુલ ₹3.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ શખ્સો ભીડમાં ધક્કામુક્કી કરી યાત્રાળુઓના પાકીટ, રોકડ અને મોબાઇલ ચોરી કરતા હતા. પકડાયેલા આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દ્વારકામાં યાત્રાળુઓની ભીડનો લાભ લઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 3.81 લાખનો મુદ્દામાલ જપ્ત

Dwarka News : યાત્રાધામ દ્વારકામાં દિવાળીના વેકેશન દરમિયાન દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થે આવતા યાત્રાળુઓની ભારે ભીડનો લાભ લને ખિસ્સાકાતરું કરતી એક શંકાસ્પદ ટોળકીને દ્વારકા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 6 શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી 1.40 લાખની રોકડ, 5 મોબાઈલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ 3.81 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બંદોબસ્ત દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી

દ્વારકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને ટ્રાફિક બંદોબસ્તની ફરજ પર હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારમાં દર્શનાર્થીઓની ભીડની આડમાં કેટલાક શખ્સો ખિસ્સાકાતરું કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને 6 શકમંદોને ઝડપી લીધા હતા.

ચોરી કરવાની ચોંકી જનારી મોડસ ઓપરેન્ડી

પોલીસ પૂછતાછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ એકબીજાની મદદથી ટોળકી બનાવીને ભીડભાડ વાળી જગ્યાએ કોઈ શિકારને નિશાન બનાવતા હતા. યાત્રાળુની આગળ અને પાછળ ગોઠવાઈને ધક્કામુક્કીનું વાતાવરણ ઊભું કરી નજર ચૂકવીને ખિસ્સામાંથી પાકીટ, રોકડ રકમ તેમજ મોબાઇલ ફોનની ચોરી કરી લેતા હતા.

કુખ્યાત આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા

આ કેસમાં પકડાયેલા શખ્સોમાં રાજકોટના રાજેશ ગોવિંદભાઈ મકવાણા, મેહુલ બાબુલાલ ટંકારીયા, રવી રમેશભાઈ કનોજીયા, નુરમહંમદ હુસેનભાઈ માલાણી, જીતેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ સરવૈયા તથા જૂનાગઢના બાબુ મગનભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આરોપી રાજેશ સામે 2, મેહુલ સામે 3 અને બાબુ મગન પરમાર સામે 3 ગંભીર ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, તેમજ બાબુ પરમાર સામે અગાઉ પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે.