યુવકનું કામ તમામ કરવા જતાં ચાર શખ્સો ઘાતક હથિયારો સાથે ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : ભગવતીપરામાં રહેતા ગૌરાંગ ઉર્ફે ગવલો બાવાજી અને સિકંદર રાઉમા વચ્ચે છેલ્લા પાંચેક વર્ષથી માથાકૂટ ચાલતી હતી. જેને કારણે સિકંદર અને તેના ત્રણ મળતિયાઓએ ગઇકાલે રાત્રે ઘાતક હથિયારો સાથે ગૌરાંગનું કામ તમામ કરવાની તૈયારી શરૂ કરી હતી ત્યારે બાતમી મળી જતાં બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે રાત્રે ગૌરાંગ ઉપર શરૂઆતમાં ફરસી જેવા હથિયાર વડે હુમલો કરાયો હતો. જેમાં તેને મામૂલી ઇજા થઇ હતી. તે સાથે જ બી ડીવીઝનના જમાદાર ક્રિપાલસિંહ જાડેજા વગેરેને બાતમી મળી જતાં ભગવતીપરામાં પહોંચ્યા હતા. જ્યાંથી સિકંદર હારૂન રાઉમા, પ્રહલાદસિંહ બહાદુરસિંહ જાડેજા, નવાઝ સલીમભાઈ મુલતાની અને સમીર ફીરોઝ શાહમદાર (રહે. ચારેય ભગવતીપરા)ને ઝડપી લીધા હતા.
ચારેય આરોપીઓ પાસેથી બે તલવાર, ફરસી જેવું હથિયાર અને એક તીક્ષ્ણ મળી એમ કુલ ચાર હથિયારો કબજે કરી જીપી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ધરપકડ કરાઇ હતી. બંને પક્ષો વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી. એકાદ વર્ષ પહેલા ગૌરાંગે સિકંદરના ભાઈના રિક્ષામાં હાથ-પગ ભાંગી નાખ્યા હતા. તે વખતે સિકંદર ભાગી ગયો હતો.
ત્યારબાદ બંને પક્ષો વચ્ચે માથાકૂટ ચાલતી જ હતી. જેને કારણે ગઇકાલે હુમલો કરવાની યોજના બનાવાઇ હતી. જે પોલીસની કહેવાતી સર્તકતાથી નિષ્ફળ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા ઘણા સમયથી માથાભારે તત્ત્વો, લુખ્ખાઓ, ગુનેગારો, ગુજસીટોકમાં જામીન પર છૂટેલા આરોપીઓ બેફામ બન્યા છે. આમ છતા ગમે તે કારણસર પોલીસ કોઇ ગંભીરતા દાખવતી નહીં હોવાની છાપ ઉપસી રહી છે.




