Rajkot

માવઠાંથી ખેડૂતો રાતાં પાણીએ રડી પડયા, પાક પલળતાં બેસણું યોજ્યું

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મગફળી, કપાસ અને સોયાબીનનો તૈયાર પાક પલળી જતાં ખેડૂતોએ પાકનું બેસણું યોજી અનોખો વિરોધ કર્યો. સરદાર પટેલની જન્મજયંતિએ ખેડૂતોએ રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, દેવા માફ કરવા અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ફરી શરૂ કરવાની માંગ કરી છે. માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માવઠાંથી ખેડૂતો રાતાં પાણીએ રડી પડયા, પાક પલળતાં બેસણું યોજ્યું

જેતપુર : રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે ગઈકાલે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. વરસાદના કારણે ખેતરમાં પડેલો મગફળી, કપાસ અને સોયાબીનનો તૈયાર પાક પલળી જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી હતાશ થયેલા પીઠડીયા ગામના ખેડૂતોએ સરકારનું ધ્યાન દોરવા માટે વલોપાતની આશ્ચર્યજનક અભિવ્યક્તિ કરી હતી. જેમાં તેમણે માવઠાંથી પલળી ગયેલા પાકનું બેસણું યોજ્યું હતું.
પીડિત ખેડૂતોના જણાવ્યા મુજબ, આ વર્ષે ચોમાસું નબળું હોવાથી મગફળીનું ઉત્પાદન પહેલેથી જ ઓછું હતું. માંડ વિઘે પાંચથી દસ મણ મગફળી થઈ હતી અને એ પણ ગઈકાલના વરસાદમાં પલળીને બગડી ગઈ છે. પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી ગયો છે. ખેડૂતોની વ્યથા એટલી જ નથી, જે ખેડૂતો પોતાની મગફળી યાર્ડમાં લઈ ગયા હતા, તેમની મગફળી પણ યાર્ડમાં છાપરા ન હોવાથી ખુલ્લામાં પલળી ગઈ છે. મજૂરો બોલાવીને થ્રેશરથી મગફળી કઢાવતા હતા, ત્યાં જ વરસાદ તૂટી પડયો. મગફળી તો પલળી ગઈ પણ મજૂરી અને થ્રેશરનું ભાડું અમારે માથે પડયું છે. બિયારણ, ખાતર અને મજૂરીના ખર્ચા કાઢવા પણ મુશ્કેલ છે.
આજે સરદાર પટેલની જન્મજયંતીના દિવસે જ આ દયનીય સ્થિતિ અંગે આક્રોશ ઠાલવતા ખેડૂતોએ જણાવ્યું કે, 'રાજકોટ જિલ્લો દુષ્કાળગ્રસ્તમાંથી બાકાત છે. સરકારને અપીલ છે કે ખેડૂતોની વહારે આવે, રાજકોટ જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને ખેડૂતોના દેવા માફ કરે તેમજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે બંધ થઈ ગઈ છે તેને ફરીથી ચાલુ કરી તાત્કાલિક રાહત પેકેજ અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરે.' આ સાથે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને સરકાર ખેડૂતોની વાત નહીં સમજે તો આગામી સમયમાં ગામેગામ આવા બેસણાના કાર્યક્રમો યોજીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.