બાઈક હંકારતી વખતે બૂટ ફરજિયાત છે..' કહી નકલી પોલીસે તોડ કર્યો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામ ખંભાળિયા: નકલી સરકારી કચેરીઓ અને અધિકારીઓનાં કિસ્સા સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે તેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. ખંભાળિયા નજીકના હાઈવે પર મોટરસાયકલ લઈને જઈ રહેલા બે યુવાનોને રોકીને અજાણ્યા શખ્સે પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી હતી અને લાયસન્સ, આરસી બૂક, પીયુસી વગેરે બતાવ્યા છતાં 'ડ્રાઈવિંગ સમયે બૂટ પહેરવા ફરજિયાત છે..' કહીને રૂા.૫૦૦૦ દંડ ભરવાનો ભય બતાવી રૂા.૫૦૦નો તોડ કર્યો હતો. જો કે, આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસ આદરીને તોડ કરનાર પૂર્વ જીઆરડી જવાનને સકંજામાં લઈ વધુ પૂછતાછ શરૂ કરી હતી.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ઓલિયા પીરની દરગાહની બાજુમાં રહેતા આમદ કરીમભાઈ સંઘાર નામના ૨૪ વર્ષના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૨ ઓક્ટોબરના રોજ પોતે તથા તેમના સંબંધી અનીશ અખ્તર ચબા મોટરસાયકલ પર ખંભાળિયા આવ્યા બાદ કામ પતાવીને સલાયા પરત જઈ રહ્યા હતા ત્યારે સલાયા હાઈવે નજીક સર્વિસ રોડ પાસેના ઓવરબ્રિજ નીચેથી પસાર થતી વખતે ટીવીએસ કંપનીના એક મોટરસાયકલ પર સાદા કપડામાં ઉભેલા એક શખ્સે તેમને અટકાવીને પોતે ટ્રાફિક પોલીસ હોવાની ઓળખ આપી હતી.
એ અજાણ્યા શખ્સે ફરિયાદી આમદ સંઘારને કેટલીક પૂછપરછ કરી ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ વાહનના કાગળ માંગ્યા હતા, જે તેમણે બતાવતા આરોપી શખ્સે 'તમે હેલ્મેટ પહેરેલ નથી તેમજ ડ્રાઇવિંગ કરતી વખતે બુટ પહેરવા ફરજિયાત છે..' તેમ કહી તેમના પર કેસ કરવાનું જણાવ્યું હતું. આટલું જ નહીં, 'રૂા. ૫,૦૦૦ નો દંડ ભરવો પડશે અને જો દંડ ન ભરવો હોય તો કેસ થશે, ચાલો ચોકીએ.' એમ કહ્યા બાદ હાલ રૂા. ૫૦૦ નો દંડ ભરો કહીને રૂા. ૫૦૦ની રકમ બળજબરીપૂર્વક પડાવી લીધી હતી. આ પછી દંડની પાવતી માંગતા 'પાવતી ન હોય, તું અહીંથી નીકળી જા, નહિતર ચોકીએ લઈ જઈશ' તેમ કહી આ શખ્સ પોતાના મોટરસાયકલ પર અહીંથી નીકળી ગયો હતો.
બનાવ અંગે ફરિયાદી આમદ સંઘારે તપાસ કરતા આ પ્રકારે કોઈ જ વ્યક્તિ પોલીસમાં ન હોવાનું તેના ધ્યાને આવ્યું હતું. આ સંદર્ભે આમદ કરીમ સંઘારની ફરિયાદ પરથી ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ જે.ટી. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ સહિતની તપાસમાં ખુલ્યું કે, એ નકલી પોલીસમેન વડત્રા ગામનો શક્તિસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.૨૮) હતો, જે અગાઉ જીઆરડી જવાન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છે. તેને સકંજામાં લઈને પોલીસે વધુ પૂછતાછ હાથ ધરી હતી.
ડ્રાઈવિંગ સમયે 'બૂટ ફરજિયાત' હોવાની લોકોમાં મોટી ગેરસમજ!
'બાઈક-સ્કૂટર ચલાવતી વખતે બૂટ પહેરવા ફરજિયાત છે અને બૂટ વિના ચલણ થાય છે તેવી લોકોમાં ચાલતી માન્યતા માત્ર ગેરસમજ છે.. તેમ જણાવીને પીઆઈ સી.આર. રાણાએ ઉમેર્યું કે, મોટર વ્હીકલ્સ એક્ટમાં સામાન્ય દ્વિચક્રી વાહનચાલક માટે બૂટ કે ચોક્કસ પ્રકારના શૂઝ ફરજિયાત હોવાની કોઈ જોગવાઈ નથી. હેલ્મેટ ફરજિયાત છે, પરંતુ બૂટ અંગે કોઈ દંડની જોગવાઈ નથી. જો કે, સુરક્ષા માટે વાહન ચલાવતી વખતે હેલ્મેટની જેમ શૂઝ-બૂટ પહેરવા સલાહભર્યું છે.'




