ગોંડલના ભૂણાવા ગામ નજીક નકલી જંતુનાશક દવાનું કારખાનું ઝડપાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોંડલ : ગોંડલ તાલુકાના ભૂણાવા ગામ નજીક આવેલા જય ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી નકલી જંતુનાશક દવા બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. જ્યાં રાજકોટની જંતુનાશક દવા બનાવતી કંપનીના નામે પૂર્વ કર્મચારી અને તેનો મિત્ર જ ડુપ્લિકેટ માલ તૈયાર કરી તેનું વેચાણ કરતા હોવાનું ખુલતા બન્ને સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાજકોટમાં બાલાજી હોલ પાસે રહેતા અને શાપર ખાતે એફીલ્ડ ક્રોપ કેર ફેક્ટરી ધરાવતા કૌશિકભાઈ ઠુંમરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની કંપનીમાં અગાઉ કામ કરી ચૂકેલો સનીત ભરતભાઈ વરસાણીયા (રહે.જસાપર) અને તેનો મિત્ર સ્મીત ગીરધરભાઈ લીલા (રહે.ચરખડી)એ ભાગીદારીમાં ભૂણાવા ગામે મેટલ એગ્રી ઈન્ડસ્ટ્રીજ નામે શેડ ભાડે રાખી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ કરી હતી. તેઓ મૂળ કંપનીની અત્યંત લોકપ્રિય પેદાશની નકલ કરીને હલકી ગુણવત્તાવાળા કેમિકલનું મિશ્રણ કરી બજારમાં વેચતા હતા. તેઓ અસલી કંપનીના નામ અને લોગોવાળા સ્ટીકર છાપીને બોટલોમાં પેકિંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા.
જેની બાતમીના આધારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટાફે સ્થળ પર તપાસ હાથ ધરીને રૂા.૨૫,૬૮૦ની કિંમતનો શંકાસ્પદ નકલી દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ શખ્સો પાસે આ પ્રકારની જોખમી દવાઓ બનાવવા કે તેનું વેચાણ કરવા અંગેનું કોઈપણ પ્રકારનું અધિકૃત લાયસન્સ નહોતું. તેઓ ખેડૂતો સાથે પણ છેતરપિંડી કરી રહ્યા હતા. જેથી પોલીસે સનીત વરસાણીયા અને સ્મીત લીલા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.









