પ્રદુષણ બોર્ડના અધિકારીઓ સાથે ઓળખાણ હોવાના નામે પૈસા પડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું જણાવી શાપરની કંપનીના માલીકને ધાક-ધમકી આપી રૂા.૩૦ લાખની માગણી કર્યા બાદ રૂા.૧ લાખ પડાવવાના કેસમાં એલસીબીએ બે આરોપીમાં પ્રતાપ મગનભાઈ સોલંકી (રહે. લક્ષ્મણ ટાઉનશિપ, જીવરાજ પાર્ક) અને ધીરૂ રામજીભાઈ ચાવડા (રહે. પારડી)ને ઝડપી લીધા હતા.
શાપરમાં પંચનાથ ઓટો પ્રા. લીમીટેડ નામની કંપની આવેલી છે. કંપની વિરૂધ્ધ આરોપીઓએ ખોટી અરજી કરી હતી. એટલું જ નહીં પ્રદુષણ બોર્ડના મોટા-મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું જણાવી પ્રદુષણ બોર્ડ દ્વારા કંપનીને હેરાનગતી નહીં કરવાના નામે રૂા.૩૦ લાખની માગણી કરવામાં આવી હતી. જો રકમ ન મળે તો કંપનીમાં આવી કોઈકના ટાંટિયા ભાંગી નાખવાની, એકાદને મારી નાખવાની, જીએસટી, ઈન્કમટેક્ષ સહિતના ખાતાઓમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત એટ્રોસીટીની ફરિયાદ કરવાની અને સોશિયલ મીડિયા ઉપર બદનામી કરવાની ધમકી આપી તેના માલીક પાસેથી રૂા.૩૦ લાખની માગણી કરી હતી. જેમાંથી રૂા.૧ લાખ બળજબરીથી પડાવી પણ લીધા હતા. જે અંગે શાપર પોલીસમાં ગુનો નોંધાતાં બંને આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા હતા.
પીઆઈ જે.પી. રાવે જણાવ્યું હતું કે આરોપી ધીરૂ કંપનીમાં જ કામ કરે છે. સૌથી પહેલા આરોપી પ્રતાપની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં પડદા પાછળ આરોપી ધીરૂની ભૂમિકા હોવાનું પણ સ્પષ્ટ થયું હતું.




