Rajkot

સતત ત્રીજાં વર્ષે મબલખ ઉત્પાદન છતાં સિંગતેલનો ડબ્બો રૂ.3000ને પાર થયો

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં સિંગતેલનો ડબ્બો ₹3000ને પાર થતાં ગૃહિણીઓ પરેશાન છે. સતત ત્રીજા વર્ષે ગુજરાતમાં 50 લાખ ટનથી વધુ મગફળી ઉત્પાદન છતાં, સિંગતેલના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. સરકારની નિષ્ફળતા અને તેલલોબી દ્વારા 4 દિવસમાં ₹85નો વધારો ઝીંકવામાં આવ્યો. માંગ-પુરવઠાની અસમતુલા ન હોવા છતાં, તહેવારો અને ચીનની ખરીદી જેવાં કારણોસર ભાવ વધ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સતત ત્રીજાં વર્ષે મબલખ ઉત્પાદન છતાં સિંગતેલનો ડબ્બો રૂ.3000ને પાર થયો

રાજકોટ : મોંઘવારીની ચક્કી હવે ડબલ મોટર જોડી હોય તેવી તીવ્રગતિએ ફરવા લાગી છે જેની બે પાટો વચ્ચે આમ નાગરિક ચૂપચાપ ભીંસાઈ રહ્યો છે. ગુજરાતમાં ચાલુ ખરીફ સીઝન સહિત સતત ત્રીજા વર્ષે મગફળી ઉત્પાદન ૫૦ લાખ ટનને પાર થયું છે છતાં ગુજરાતીઓનું સ્થાનિક ખાદ્યતેલ સિંગતેલનો ડબ્બો આજે ઐતહાસિક ઉંચાઈ પર પહોંચીને રૂ।.૩૦૦૦ને પાર થયો હતો.
નવરાત્રિ-દિવાળી પર્વો ટાણે ખેડૂતોને ખેતપેદાશના પોષણક્ષમ ભાવ મળે અને લોકોને વાજબી ભાવે ખાદ્યતેલ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં રાજ્ય સરકારની નિષ્ફળતાના કારણે સૌરાષ્ટ્ર સિંગતેલમાં તેલલોબીએ ચાર દિવસમાં જ રૂ।.૮૫નો વધારો ઝીંકી દેતા આજે પ્રતિ ૧૫ કિલો ટીનના ભાવ રૂ।.૨૯૫૫-૩૦૦૫ની સપાટીએ પહોંચ્યા હતા.
ગત વર્ષે ગુજરાતમાં ૬૨ લાખ ટન અને ચાલુ વર્ષે અંશતઃ વિસ્તારોમાં અપુરતા વરસાદ વચ્ચે ૫૦.૩૩ લાખ ટન મગફળી ઉત્પાદનનો અંદાજ છે જે ચાલુ વર્ષે ઈ.સ.૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ના વર્ષ કરતા પાંચ લાખ ટન વધારે છે અને એ વર્ષોમાં પણ આટલા ભાવ ન્હોતા. આમ માંગ-પૂરવઠાની અસમતુલા નથી છતાં આજે સિંગતેલ ૩ વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યું છે.
સમગ્ર દેશમાં મગફળીનું ઉત્પાદન ગત પાંચ વર્ષમાં ૨૯ ટકા વધીને ૧૩૦ લાખ ટને પહોંચી ગયું છે તો ગુજરાતમાં ગત વર્ષે મગફળીના પાકમાં ૪૦ ટકાનો અને ચાલુ વર્ષે ૧૦ ટકાનો વધારો થવાનો અંદાજ છે. આમ છતાં સિંગતેલના ભાવ વધારા માટે દરેક ચીજમાં મોંઘવારીની સાથે સિંગતેલને પણ મોંઘુ જ વેચવાની નીતિ કારણભૂત હોવાની શંકા છે અને સંવેદનશીલ બનીને સરકાર ભાવ ઘટાડવા નક્કર પ્રયાસો કરતી નહીં હોવાથી તેલલોબીને મોકળુ મેદાન મળી ગયું છે.

  • સિંગતેલના ભાવ વધવાના વેપારી સૂત્રોના મતે કારણો
    રાજકોટ : રાજકોટના વેપારી સૂત્રોએ સિંગતેલમાં અસહ્ય ભાવ વધારાના આપેલા કારણો મૂજબ
    (૧)જામનગર સહિત સૌરાષ્ટ્રમાં માંગ્યા મેહ નહીં વરસતા ગત વર્ષ જેવું વિક્રમસર્જક ઉત્પાદન નથી.
    (૨)હાલ રોજ ૫૦-૭૦ હજાર ગુણીને બદલે ૨૦ હજાર ગુણીની આવક.હજુ પર્યાપ્ત મગફળી બજારમાં આવતી નથી.
    (૩)નવરાત્રિ અને દિવાળી તહેવારોના કારણે સિંગતેલની માંગ.
    (૪) ચીનની ખરીદી શરુ થઈ છે અને નિકાસ પર નિયંત્રણો નથી.
    (૫) અન્ય ચીજના ભાવવધારા સાથે સિંગતેલના ભાવ વધારાતા હોય છે.