હાઈકોર્ટ બેન્ચ મુદ્દે આજે સૌરાષ્ટ્રભરમાં વકીલોની હડતાળ, આવેદનપત્ર અપાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે ૧૯૮૩થી લડત આપવામાં આવી રહી છે. જેને ૪૩ વર્ષ થઈ જવા છતાં રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળી નથી. આ મુદ્દે આવતીકાલે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર અને મોરબીના વકીલો અરજન્ટ કાર્યવાહી સિવાય કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે.
રાજ્યમાં કેશુભાઈ પટેલની સરકાર વખતથી રાજકોટને હાઈકોર્ટ બેન્ચ માટે આપેલો વાયદો ભાજપ સરકાર પાળતી નથી
રાજકોટના વકીલો આવતીકાલે સવારે ૧૧ વાગ્યે કલેકટરને આવેદનપત્ર આપશે. રાજકોટના વકીલ સૂત્રોએ જણાવ્યું કે રાજયમાં કેશુભાઈ પટેલની સરકાર આવી તે વખતથી રાજકોટને હાઈકોર્ટની બેન્ચ આપવાના વાયદા થઈ રહ્યા છે. ર૦રરમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં પણ ભાજપે રાજકોટને હાઈકોર્ટ બેન્ચનું વચન આપ્યું હતું. આમ છતાં આજ સુધી હાઈકોર્ટની બેન્ચ મળી નથી.
ગયા વર્ષે જ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ, ગુજરાત અને કેન્દ્ર સરકારને સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ કેમ જરૂરી છે તે અંગેની વીધિવત દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની વસતી, ભૌગોલિક પરિસ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં હાલ સૌરાષ્ટ્ર-કચ્છના ૪૦ ટકા કેસો હોય છે. આ સ્થિતિમાં જો રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તો સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને ઘરઆંગણે સસ્તો અને ઝડપી ન્યાય મળી શકે તેમ છે. એટલું જ નહીં મુસાફરીનો સમય પણ બચી શકે તેમ છે. આ મુદ્દે આવતીકાલે સૌરાષ્ટ્રના વકીલો હડતાળ પાડી જિલ્લા અને તાલુકા કક્ષાએ કલેકટર, ડે.કલેકટર અને મામલતદાર વગેરેને આવેદનપત્ર આપશે.
અન્ય રાજ્યોમાં એકથી વધુ બેન્ચ, ગુજરાતને કેમ નહીં?
અન્ય રાજયોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં હાલ ચાર, પશ્ચિમ બંગાળમાં ત્રણ, માત્ર ૧.૪૦ કરોડની વસતી ધરાવતા આસામમાં ચાર, કર્ણાટકમાં બે, મધ્યપ્રદેશમાં ત્રણ અને રાજસ્થાનમાં બે હાઈકોર્ટ બેન્ચ છે. આમ છતાં ગુજરાતને બીજી હાઈકોર્ટ બેન્ચ કેમ આપવામાં આવી રહી નથી તેવો સવાલ હવે વકીલો ઉઠાવી રહ્યા છે.




