મિત્રો સાથે ભાગેલા યુવકનો તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: ગોંડલ રોડ પર માલવીયા કોલેજ પાછળ પંચશીલ સોસાયટીમાં રહેતો જય પ્રભાતભાઇ ખાંભરા (ઉ.વ.૨૧) ગઇકાલે પરોઢીયે તળાવમાં પડી ગયા બાદ આજે તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જય તેના ચાર મિત્રો સાથે કારમાં ફરી રહ્યો હતો ત્યારે કોઇ શખ્સોએ હુમલો કરવા પીછો કર્યાની શંકાથી કાર ભગાડી મુકી હતી. પરાપીપળીયા નજીક કાર મૂકી પાંચેય મિત્રો ભાગતા હતા ત્યારે જય ખંઢેરી તળાવમાં પડી ગયાનું તેના મિત્રોએ જણાવતા શંકા ઉભી થઇ હતી.
મૃતકના મિત્ર એવા નામચીન બુટલેગર હર્ષદ મહાજનના નામચીન પુત્ર જેનીશ સહિત ચાર મિત્રોની પૂછપરછ
વળી તેના મિત્રોમાં નામચીન બુટલેગર હર્ષદ મહાજનનો પુત્ર જેનીશ, ભાવિન પટેલ, સદામ અને ઋત્વિક હતા. જેથી પરિવારે શંકા દર્શાવતા ક્રાઇમ બ્રાંચે આ ચારેય શખ્સોની પુછપરછ કરતાં એવી માહિતી આપી હતી કે, પાંચેય જણા થોડા દિવસ પહેલાં રાજસ્થાન ફરવા ગયા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ બે દિવસ પહેલાં મોડી સાંજે પુનિતનગરના ટાંકાથી કારમાં આંટો મારવા નીકળ્યા હતા. તે વખતે કોઇ શખ્સો હુમલો કરવા કે બીજા કોઇ કારણસર પીછો કરતા હોવાની શંકા ગઇ હતી.
પરિણામે કાર ભગાડી મૂકી હતી. પરાપીપળીયા પાસે પહોંચતા આગળ રસ્તો બંધ હોવાથી કારમાંથી ઉતરી પાંચેય ભાગ્યા ત્યારે જય ખંઢેરી તળાવમાં પડી ગયો હતો. આ માહિતીના આધારે ગઇકાલે જયની તળાવમાં શોધખોળ કરાઇ હતી. પરંતુ પત્તો મળ્યો ન હતો. આખરે આજે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી ફોરન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં ઇજાના નિશાન નહીં હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
આ સ્થિતિમાં મૃતક જયના મિત્રોએ જણાવેલી સ્ટોરીમાં કેટલું તથ્ય છે તે અંગે ક્રાઇમ બ્રાંચ અને ગ્રાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચને તપાસમાં પાંચેય મિત્રોની કારનો કોઇ પીછો કરતો હોવાના પુરાવા મળ્યા નથી. જેને કારણે જયના મોત બાબતે શંકા ઉપસ્થિત થતાં પોલીસે તપાસનો દોર જારી રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે જેનીશ અગાઉ ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર પથ્થરમારો કરવા સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તેનો ગુનાઇત ઇતિહાસ હોવાથી પોલીસ જયના મોત અંગે ઊંડાણથી તપાસ કરી રહી છે.




