Rajkot

ઓમાનના દરિયામાં સલાયાનાં જહાજ પર હુમલો : 1 ખલાસીનું મોત, 13નો બચાવ

By GS Team
3 Nov 20263 mins read
TukuTouch Logo
ઓમાનના દરિયાકાંઠે સલાયાના ભારતીય જહાજ પર શંકાસ્પદ હવાઈ હુમલો થતા એક ભારતીય ખલાસીનું મોત થયું છે. અલ જુસુફી નામનું જહાજ પોરબંદર આવી રહ્યું હતું ત્યારે અજ્ઞાત હવાઈ પદાર્થ અથડાતા આગ લાગી હતી. ઓમાન કોસ્ટ ગાર્ડે 13 ખલાસીઓને બચાવ્યા છે. દેવભૂમિ દ્વારકાના સલાયાના ગંધાર નહિમ અજીજનું મોત નિપજ્યું છે. શિપિંગ મંત્રીએ દુઃખ વ્યક્ત કરી, સહાયની ખાતરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓમાનના દરિયામાં સલાયાનાં જહાજ પર હુમલો : 1 ખલાસીનું મોત, 13નો બચાવ

સલાયા : આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા-ઈરાન વચ્ચેના સંઘર્ષને પગલે ખાડી દેશોના દરિયામાં સર્જાયેલા તણાવ વચ્ચે વધુ એક ભારતીય જહાજ નિશાન બન્યું છે. જેમાં ગઈકાલે ઓમાનના દરિયાકાંઠે ગુજરાતના સલાયાના જહાજ પર થયેલા શંકાસ્પદ હવાઈ હુમલામાં એક ભારતીય ખલાસીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ૧૩ ખલાસીઓને ઓમાન કોસ્ટ ગાર્ડે સુરક્ષિત બચાવ્યા છે. ડ્રોન કે મિસાઈલ જેવા અજાણ્યા હવાઈ હુમલાથી જહાજને નિશાન બનાવાયા બાદ તેમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી.
પ્રાથમિક વિગતો અનુસાર, ભારતીય ખલાસીઓ સાથેનું એમ.એસ.વી. અલ જુસુફી નામનું જહાજ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સંયુક્ત આરબ અમીરાતના હમરિયા બંદરેથી ગુજરાતના પોરબંદર બંદર તરફ રવાના થયું હતું. જહાજમાં ૧૪ ભારતીય ખલાસીઓ સવાર હતા અને ભીના ખજૂરનો માલસામાન લઈ જવામાં આવી રહ્યો હતો. ગઈકાલે ૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સ્થાનિક સમય મુજબ સાંજે આશરે ચાર વાગ્યે જહાજ ઓમાનના લીમા બંદર નજીક દરિયામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક અજ્ઞાત હવાઈ પદાર્થ સાથે અથડામણ અથવા હુમલાની ઘટના બની હતી. આ પદાર્થ ડ્રોન કે મિસાઈલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હુમલાની ચોક્કસ પ્રકૃતિ અને જવાબદાર પક્ષ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઘટના બાદ જહાજમાં આગ અને ગંભીર કટોકટી સર્જાતાં તમામ ૧૪ ખલાસીઓએ જીવ બચાવવા જહાજ છોડવું પડયું હતું. ખલાસીઓએ રેસ્ક્યૂ બોટનો આશરો લીધો હતો. ઓમાન કોસ્ટ ગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામને બચાવ્યા હતા. જો કે, હોસ્પિટલ લઈ જતી વખતે ગંભીર ઈજાઓને કારણે ખલાસી ગંધાર નહિમ અજીજનું મોત નીપજ્યું હતું. મૃતક ખલાસી મૂળ ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ખાડી દેશોના દરિયામાં વધતા તણાવ વચ્ચે બનેલી આ ઘટનાએ ગુજરાતના દરિયાઈ વેપાર સાથે સંકળાયેલા પરિવારોમાં ચિંતાની લાગણી ફેલાવી છે.

  • ભારતીય ખલાસીઓને સહાય કરો, સુરક્ષિત ભારત લાવો
    ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ ભારત સરકાર, વિદેશ મંત્રાલય, ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ તથા ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. તેમણે ૧૩ ભારતીય ખલાસીઓને તાત્કાલિક માનવીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડવા, જરૂરી કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરાવવા તથા વહેલીતકે સુરક્ષિત ભારત લાવવા વિનંતી કરી છે. સાથે જ, મૃત્યુ પામેલા ખલાસીના શોકગ્રસ્ત પરિવારને યોગ્ય સહાય પૂરી પાડવા પણ અપીલ કરી છે.
  • અત્યાર સુધીમાં ૨૨ ભારતીય નાવિકો જીવ ગુમાવી ચુક્યા છે
    પશ્ચિમ એશિયામાં યુએસ-ઈરાન સંઘર્ષ અને દરિયાઈ માર્ગો પર વધી રહેલા તણાવના કારણે વેપારી જહાજો પરના હુમલામાં ચિંતાજનક વધારો થયો છે. આ સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ૨૨ ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી ૧૪ નાવિકો દરિયાઈ જહાજો પર હતા. વધતા જતા જોખમોને ધ્યાનમાં રાખીને ભારતે પોતાના નાગરિકોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કામ કરવા પર પ્રતિબંધ પણ મુક્યો છે. સરકારે આંતરરાષ્ટ્રીય જળસીમામાં મુક્ત અને સુરક્ષિત જળપરિવહનને અટકાવતા હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે.
  • ઓમાન સત્તાવાળાઓના સંપર્કમાં છીએ : શિપિંગ મંત્રી
    કેન્દ્રીય બંદરો, જહાજ વ્યવહાર અને જળમાર્ગ મંત્રી સરબાનંદ સોનોવાલે આ ઘટનાની સોશિયલ મીડિયા મારફતે પુષ્ટિ કરતાં ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઓમાનમાં ભારતીય દૂતાવાસ અને મંત્રાલય સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે. બચી ગયેલા ૧૩ ખલાસીઓને જરૂરી મદદ અને તેમના ભારત પરત આવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મૃતક ખલાસીનો પાર્થિવ દેહ પણ વહેલી તકે ભારત લાવવા પ્રયાસો હાથ ધરાયા છે.