AI અને ડ્રોનથી રેલવેની સુરક્ષા વધશે: અમદાવાદ બાદ રાજકોટમાં પણ ડ્રોનથી OHEની દેખરેખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Railway Safety: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ બાદ હવે રાજકોટ મંડળે પણ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)ની દેખરેખ માટે ડ્રોન ટેકનોલોજી અપનાવી છે. અમદાવાદ મંડળે અગાઉ ડ્રોન આધારિત OHE હવાઈ નિરીક્ષણનું સફળ પરીક્ષણ કર્યા બાદ હવે રાજકોટ મંડળે પણ 31 કિમી લાંબા હાપા–કાનાલુસ સેક્શનમાં લાઈવ-લાઈન OHE નિરીક્ષણ અને સર્વેલન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. આ ટેકનોલોજીની મદદથી પાવર કે ટ્રાફિક બ્લોક લીધા વિના OHEની સ્થિતિનું નિરીક્ષણ કરી શકાશે.
અમદાવાદમાં ગંભીર ખામીઓ મળી, GPSથી લોકેશન નોંધાયું
અમદાવાદ મંડળના પરીક્ષણ દરમિયાન હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને જિયો-ટેગિંગ સુવિધા ધરાવતા ડ્રોનથી માસ્ટ નંબર 493-494 વચ્ચેની OHE સંરચનાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મળેલી ખામીઓના જિયો-ટેગ્ડ ફોટોગ્રાફ લઈ તેનું ચોક્કસ લોકેશન અને ગંભીરતા નોંધવામાં આવી હતી.
નિરીક્ષણ દરમિયાન ઇન્સ્યુલેટર પર ફ્લેશ માર્ક, કેન્ટીલીવર પર લટકતી બાહ્ય સામગ્રી, પોર્ટલ અને કેન્ટીલીવર પર પક્ષીઓના માળા તેમજ કેટનરી સ્ટ્રેન્ડમાં નુકસાન જેવી ખામીઓ મળી હતી. આવી ખામીઓની સમયસર ઓળખ થવાથી જાળવણી કામગીરીને પ્રાથમિકતા આપી શકાય છે.
RDSOની ગાઈડલાઈન બાદ ટેકનોલોજીનો ઉપયોગ
આ નિરીક્ષણ RDSOના નિર્દેશ મુજબ કરવામાં આવ્યું હતું. રેલવે બોર્ડ દ્વારા એપ્રિલ 2026માં આ નિર્દેશને મંજૂરી મળ્યા બાદ ડ્રોન આધારિત OHE નિરીક્ષણને આગળ વધારવામાં આવ્યું છે. સિસ્ટમમાં DGCA માન્ય ડ્રોન, GPS/GNSS, જિયો-ટેગ્ડ તસવીરો અને થર્મલ સ્કેનિંગ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવાની જોગવાઈ છે.
પરંપરાગત OHE નિરીક્ષણમાં કર્મચારીઓને હાઈ-વોલ્ટેજ ઉપકરણોની નજીક કામ કરવું પડે છે અને ઘણી વખત ટ્રેક બ્લોકની જરૂર પડે છે. ડ્રોનથી અનેક સ્થળોનું ઝડપી નિરીક્ષણ કરી વિવિધ ખૂણાઓથી તસવીરો મેળવી શકાય છે.
રાજકોટમાં 31 કિ.મી.નું લાઈવ-લાઈન નિરીક્ષણ
રાજકોટ મંડળે હાપા–કાનાલુસના 31 કિમી લાંબા સેક્શનમાં લાઈવ-લાઈન OHEનું ડ્રોનથી નિરીક્ષણ કર્યું છે. ડ્રોનમાં હાઈ-રિઝોલ્યુશન ઓપ્ટિકલ કેમેરા લગાવવામાં આવ્યો છે. તેના દ્વારા 25 kV AC ટ્રેક્શન સિસ્ટમમાં લૂઝ કનેક્શન, એલાઈમેન્ટ ડેવિયેશન, સ્પ્લિટ પિન ગાયબ હોવી સહિતની સંભવિત ખામીઓ ઓળખી શકાય છે.
અધિકારીના જણાવ્યા મુજબ, ઉપયોગમાં લેવાયેલા ડ્રોનની ઓપરેશનલ ફ્લાઈંગ રેન્જ આશરે 10 કિમી અને ફ્લાઈટ એન્ડ્યોરન્સ આશરે 50 મિનિટ છે. આથી નિયમિત મેન્યુઅલ નિરીક્ષણ દરમિયાન મુશ્કેલ લાગતી નાની ખામીઓ પણ શરૂઆતના તબક્કે શોધી શકાશે.
OHE ફેલ્યોર અને ટ્રેન વિલંબ અટકાવવામાં મદદ
OHEમાં ઇન્સ્યુલેટર, કન્ડક્ટર, ક્લેમ્પ અથવા અન્ય સાધનોમાં ખામી સર્જાય તો ટ્રેન સંચાલન પ્રભાવિત થઈ શકે છે. ડ્રોનથી મળેલી સ્પષ્ટ અને જિયો-ટેગ્ડ તસવીરોના આધારે ખામીનું ચોક્કસ સ્થાન જાણી સમયસર રીપેરીંગ કરી શકાશે. પરિણામે OHE ટ્રિપિંગ, વીજ પુરવઠામાં વિક્ષેપ અને તેના કારણે થતી ટ્રેન કામગીરીની સમસ્યાઓ ઘટાડવામાં મદદ મળશે.
ભવિષ્યમાં AIથી ખામીનું પૂર્વાનુમાન
પશ્ચિમ રેલવે આ ટેકનોલોજીમાંથી મળતા ડેટાનો ભવિષ્યમાં AI આધારિત વિશ્લેષણ માટે ઉપયોગ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સતત એકત્રિત થતા OHEના ફોટોગ્રાફ અને અન્ય ડેટાના વિશ્લેષણથી સંભવિત ખામીઓનું અગાઉથી અનુમાન કરવાની વ્યવસ્થા વિકસાવી શકાય છે. આથી OHE જાળવણી વધુ પ્રિવેન્ટિવ અને પ્રેડિક્ટિવ બની શકશે.
પશ્ચિમ રેલવે દ્વારા આ ટેકનોલોજીનો તબક્કાવાર વિસ્તાર સમગ્ર ઝોનમાં કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. ડ્રોન આધારિત નિરીક્ષણથી OHEની સલામતી, જાળવણીની કાર્યક્ષમતા અને ટ્રેન સંચાલનની વિશ્વસનીયતા વધારવામાં મદદ મળશે.




