પારડીમાં મહિલાની હત્યાનો આરોપી હરીદ્વારના રેલવે સ્ટેશનથી પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મૃતક મહિલાને આરોપી સાથે અફેયર હતું, સંબંધ તોડી નાંખતા છરીના ઘા ઝીંકી પતાવી દીધી
રાજકોટ: રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં રહેતી જુબેદા ગુડદી નામની મહિલાની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી ભાગી ગયેલા આરોપી પ્રવિણ ઉર્ફે લાખાળો ગલાભાઇ વાઘેલા (ઉ.વ.૪૦, રહે. હાલ મોરબી, મૂળ સુરેન્દ્રનગર)ને શાપર પોલીસે હરીદ્વારના રેલવે સ્ટેશન પરથી વેશપલટો કરી ઝડપી લીધો હતો. તેની સાથે હત્યામાં સંડોવાયેલો સગીર પણ મળી આવ્યો હતો.
હત્યાનો ભોગ બનનાર જુબેદાને પહેલા પતિ થકી બે સંતાનોની પ્રાપ્તી થઇ હતી. ત્યાર પછી તેણે ટ્રક ચલાવતા અયુબ સાથે લગ્ન કર્યા હતા. પારડી રહેતી હતી તે દરમિયાન પાડોશમાં રહેતા આરોપી પ્રવિણ સાથે અફેયર થયું હતું. દસેક મહિના સુધી બંને વચ્ચે અફેયર ચાલ્યું હતું. આ પછી ફરીથી જુબેદા પતિ અયુબ સાથે રહેવા જતી રહી હતી. જેનો ખાર રાખી આરોપી પ્રવિણે તેની હત્યા નીપજાવ્યાનું બહાર આવ્યું છે.
ગઇ તા.૧૨ના રોજ પારડી ગઇ હતી ત્યારે આરોપી પ્રવિણે તેને રિક્ષાની ઠોકર મારી પાડી દીધા બાદ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. શાપર પોલીસે તેની પુત્રી ખુશીને ફરિયાદી બનાવી ગુનો દાખલ કર્યો હતો.
છેલ્લા ઘણાં સમયથી પોલીસ આરોપી પ્રવિણની શોધખોળ કરતી હતી. આખરે હરીદ્વારનું લોકેશન મળતાં ઝડપી લીધો હતો. એક વખત હરીદ્વાર પોલીસ પહોંચી ત્યારે મુરાદાબાદ જતો રહ્યાની માહિતી મળતાં પોલીસ ત્યાં ગઇ હતી. પરંતુ હરીદ્વારમાં જ હોવાની ખાતરી થતાં ફરીથી ત્યાં તપાસ કરી તેને ઝડપી લીધો હતો.




