સોની વેપારીના આપઘાતમાં કુલ આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દુકાનમાં નાઇટ્રીક એસિડ પી આત્મહત્યા કરી લીધી હતી
ધંધામાં નુક્સાની જતાં આરોપીઓ પૈસાની ઉઘરાણી કરી ગર્ભિત ધમકી આપતા આપઘાત કર્યાનો આરોપ
રાજકોટ: દેવપરામાં બીએમ જ્વેલર્સ નામની દુકાનમાં તેજસ શીરીષભાઇ રાણપરા નામના વેપારીએ ગઇ તા.૧૯ના રોજ નાઇટ્રીક એસિડ પી આત્મહત્યા કરી લીધી હતી. હવે તેની માતાએ તેના પુત્રએ ધંધામાં નુક્શાની જતાં લેણદારોને રકમ ચુકવી નહી શકતા તેમના દ્વારા અપાતી ગર્ભીત ધાકધમકીઓને કારણે આ પગલું ભરી લીધાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જેના આધારે પોલીસે મોરબીના હાર્દિક, તેના પિતા ભરતભાઇ ગોસ્વામી, મુંબઇના વિનોદ, સુરતના અરવિંદ ગઢવી, વિપુલ, રવિ, યશ અને ભાઇજી સહિત આઠ આરોપીઓ વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતક તેજસની માતા ગીતાબેન (ઉ.વ.૫૮, રહે.કેવડાવાડી શેરી નં.૧૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પાંચ વર્ષ પહેલાં તેના બંને પુત્રો તેજસ અને રૂપેશે બીએમ જ્વેલર્સ નામની પેઢી શરૂ કરી હતી. ૨૦૨૫ની સાલમાં તેજસે તેને કહ્યું કે, મોરબીના હાર્દિક અને તેના પિતા પાસે સોનાના દાગીનાની ખરીદી કરી હતી. પરંતુ ધંધામાં નુક્શાની જતાં રૂા.૨૦ લાખ ચુકવી શક્યો નથી. જે માટે બંને તેની દુકાને આવી ધમકી આપે છે.
આગળ તેજસે કહ્યું કે, હાર્દિકે મુંબઇના વેપારી વિનોદ સાથે ઓળખાણ કરાવતા તેની પાસેથી રૂા.૭૦ લાખના દાગીના મંગાવ્યા હતા. આ રકમ ચુકવવા માટે સુરતના અરવિંદ ગઢવી પાસેથી ઉછીના પૈસા લીધા હતા. પરંતુ વિનોદે પુરા દાગીના મોકલ્યા ન હતા. જેને કારણે ધંધામાં પૈસા બ્લોક થઇ ગયા હતા. અવારનવાર કહેવા છતાં વિનોદ પુરા દાગીના મોકલતો ન હતો. સાથોસાથ એમ પણ કહેતો હતો કે હાર્દિકને પૈસા ચુકવો પછી જ દાગીના મોકલીશ.
પરિણામે તે અરવિંદને પૈસા ચુકવી નહીં શકતા તે પણ ઉઘરાણી કરી હેરાન કરે છે. તેજસે વધુમાં ભાઇજી, વિપુલ ઉધાડ, રવિ અને યશને કટકે-કટકે પૈસા ચુકવી દીધા છતાં મૂડી તો ચુકવવી પડશે તેમ કહીં ધમકીઓ આપતા હોવાનું કહ્યું હતું. ત્રણેક માસ પહેલા તે દુકાને ગયા ત્યારે ત્યાં ભરત અને તેનો કોઇ સંબંધી કાંતીભાઇ આવ્યા હતા. તે વખતે ભરત આજે પૈસા આપવા જ પડશે નહીંતર હું તને જીવવા નહીં દઉ તેવી ધમકીઓ આપતો હતો.
આ રીતે તમામ આરોપીઓની ગર્ભીત ધમકીઓને કારણે ગઇ તા.૧૯મીએ તેના પુત્ર તેજસે દુકાનમાં નાઇટ્રીક એસિડ પી લેતાં તા.૨૨મીએ તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.




