Rajkot

સૌરાષ્ટ્રમાં દુષ્કાળના દારુણ દૃશ્યો, રાજકોટ બળદ આશ્રમે ભીની આંખે ખેડૂતો 6000 બળદો મૂકી ગયા

By GS Team
24 Oct 20263 mins read
TukuTouch Logo
સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજકોટના દેવગામ નજીક આવેલા સદ્ભાવના બળદ આશ્રમમાં છેલ્લા 20 દિવસમાં જ 6000થી વધુ બળદોને ખેડૂતો ભારે હૈયે છોડી ગયા છે. ઘાસચારા અને પાણીની તંગી તેમજ ભાવવધારાથી ખેડૂતો પોતાની આજીવિકા સમાન બળદોને છોડવા મજબૂર બન્યા છે. આશ્રમમાં દરરોજ રૂ. 12,00,000નો ખર્ચ થાય છે. ઉનાળા સુધીમાં 1,00,000 બળદો આવવાનો અંદાજ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌરાષ્ટ્રમાં દુષ્કાળના દારુણ દૃશ્યો, રાજકોટ બળદ આશ્રમે ભીની આંખે ખેડૂતો 6000 બળદો મૂકી ગયા

Rajkot bull ashram: સૌરાષ્ટ્રમાં હજુ સુધી સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ દુષ્કાળના દારુણ અને કરુણ દ્રશ્યો હવે સામે આવવા લાગ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર દેવગામ પાસે આવેલા સદ્ભાવના બળદ આશ્રમે ખેડૂતો ભારે હૈયે અને આંખોમાં આંસુ સાથે પોતાની આજીવિકાનું સાધન એવા 6000 જેટલા બળદોને છોડી ગયા છે. જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છ જેવા જિલ્લાઓમાં ખેતીવાડી નિષ્ફળ ગઈ છે, રવિ સીઝન લેવાની કોઈ આશા નથી અને ઘાસચારા તેમજ પાણીનું ગંભીર સંકટ ઊભું થયું છે.

20 દિવસમાં જ 6000 બળદો આશ્રમે પહોંચ્યા, ખેડૂતો ધ્રુસકે ધ્રુસકે રડ્યા

સદ્ભાવના બળદ આશ્રમની શરૂઆત 5 વર્ષ પહેલાં 100 બળદો સાથે કરવામાં આવી હતી, જેથી નિરાધાર બળદોને રસ્તા પર રખડતા ન છોડવા પડે કે કતલખાને ન ધકેલાય. સામાન્ય રીતે અહીં કોઈ પણ સમયે મહત્તમ 1500થી 2000 બળદો જ રહેતા હતા. પરંતુ આ વખતે સ્થિતિ અતિ ગંભીર બની છે અને છેલ્લા 20 દિવસમાં જ 6000 બળદોને ખેડૂતો આશ્રમમાં મૂકી ગયા છે. દરરોજ બળદો લઈને આવતા આશરે 200 વાહનોની લાંબી લાઈનો લાગે છે અને અનેક ખેડૂતો પોતાના આશરે રૂ. 1,00,000ની કિંમતની બળદની જોડી છોડતી વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

ઘાસનો ભાવ બમણો થતાં અને પાણીના તંગીથી વધતો ખર્ચ

બળદને રોજ સરેરાશ 25 કિલો લીલા ઘાસની જરૂર પડે છે. લીલા ઘાસનો ભાવ પ્રતિ 20 કિલો (મણ)નો રૂ. 60થી વધીને હવે બમણો એટલે કે રૂ. 120થી 130 સુધી પહોંચી ગયો છે. આશ્રમમાં 125 જેટલા કર્મચારીઓ સેવા આપી રહ્યા છે અને અહીં દરરોજ ઘાસચારા પાછળ આશરે રૂ. 12,00,000નો ખર્ચ થાય છે. સંસ્થા દાતાઓ પાસે રોકડ ડોનેશનને બદલે સીધો ઘાસચારો આપવાની અપીલ કરે છે. આ ઉપરાંત, 8000 જેટલા બળદો માટે જમીનના તળમાં પાણી પૂરતું ન હોવાથી રોજ 8થી 10 ટેન્કરો દ્વારા અવેડાં ભરવા પડી રહ્યા છે.

120 વીઘામાં નવો આશ્રમ શરૂ કરાશે: ઉનાળા સુધીમાં 1,00,000 બળદો આવવાનો અંદાજ

સદ્ભાવના બળદ આશ્રમના વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું કે હાલ કાલાવડ રોડ પર આવેલી 30 એકર જમીન બળદોથી ફૂલ થઈ જતાં નવા બળદો સ્વીકારવાનું થોડા દિવસ મોકૂફ રખાયું છે. પરંતુ ટૂંક સમયમાં જ બીજી 120 વીઘા જમીનની વ્યવસ્થા કરીને નવો બળદ આશ્રમ શરૂ કરવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિ જોતાં ઉનાળા સુધીમાં 75000થી 1,00,000 બળદો આશ્રમે છોડવામાં આવે તેવો અંદાજ છે. સંચાલકોએ સંકલ્પ વ્યક્ત કર્યો છે કે તેઓ એકપણ બળદને રસ્તા પર રખડવા કે કતલખાને ધકેલાવા નહીં દે.

બળદથી ખેતી: ઈકો-ફ્રેન્ડલી અને ઓર્ગેનિક ખેતીનો આધાર

સૌરાષ્ટ્રમાં આજે પણ હજારો બળદો ખેડૂતો સાથે ખભેખભા મિલાવીને અનાજ પકવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બળદ દ્વારા થતી ખેતી 100% ઈકો-ફ્રેન્ડલી છે કારણ કે તેમાં કોઈ પણ પ્રકારના ઈંધણનો વપરાશ થતો નથી. આ ઉપરાંત, બળદના છાણમાંથી બનતા ઓર્ગેનિક ખાતરના ઉપયોગથી રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સનો ખર્ચ પણ ઘણો ઓછો થઈ જાય છે.