અલ્પેશ દોંગાની ઓફિસમાંથી વધુ 100 દસ્તાવેજો મળી આવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : ખેડૂતોને લોન આપી છેતરપિંડીથી કે ધાકધમકી આપી તેમની જમીનો હડપ કરી લેનાર મહાકૌભાંડકાર અલ્પેશ દોંગાને ત્યાંથી વધૂ ૧૦૦ દસ્તાવેજો મળી આવતાં તપાસ કરતી સીટ પણ ચોંકી ઉઠી છે. તે સાથે જ તેણે ખરેખર કેટલા ખેડૂતોને શિકાર બનાવ્યા હતા તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
અલ્પેશ દોંગાએ આચરેલા તોેસ્તાન કૌભાંડની તપાસ માટે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા સીટની રચના કરવામાં આવી છે. સીટ દ્વારા અગાઉ તેની ઓફિસમાંથી ૧પ૦થી વધૂ દસ્તાવેજો કબજે કરાયા હતા. ત્યારબાદ તેની પૂછપરછ બાદ વધૂ ૧૦૦ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પૂછપરછમાં અલ્પેશે ૧પ૦ ફૂટ રિંગ રોડ પર આવેલી એક ઓફિસનું પણ સરનામું આપ્યું હતું. જે ઓફિસ વિશે અગાઉ કોઈ માહિતી આપી ન હતી. આ ઓફિસમાં સર્ચ કરાતા ૧૦૦થી વધુ દસ્તાવેજો મળી આવ્યા છે. આ દસ્તાવેજોમાંથી કેટલામાં છેતરપિંડી થઈ છે તે અંગે હવે સીટની ટીમ તપાસ કરી રહી છે.
આ રીતે અલ્પેશને ત્યાંથી અત્યાર સુધી રપ૦થી વધૂ દસ્તાવેજો કબજે થઈ ચૂકયા છે. જેને ધ્યાને લેતાં ખરેખર કૌંભાડનો વ્યાપ કેટલો હશે તેનો પોલીસ પણ કોઈ અંદાજ કાઢી શકતી નથી.
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે અલ્પેશ આણી ટોળકી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાં બે આરોપીઓની ધરપકડ કરાયા બાદ ક્રાઈમ બ્રાંચે હવે અલ્પેશનો કબજો મેળવવા તજવીજ શરૂ કરી છે. તેની ધરપકડ બાદ બીજા અનેક નવા અને ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
અત્યાર સુધીમાં અલ્પેશ વિરૂધ્ધ ઘણાં ગુના દાખલ થઈ ચૂકયા છે. આગામી દિવસોમાં વધૂ ગુના દાખલ થવાની પૂરેપૂરી સંભાવના છે.




