રાજકારણમાં લાંબુ ટકવા માટે કબડ્ડીની તાલિમ લેવી જોઇએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એશિયન ગેમ્સમાં ભારતનો ચમકારોઃ કબડ્ડીમાં બે ગોલ્ડ
- પ્રસંગપટ
- ક્રિકેટના પ્રભાવ આગળ પરંપરાગત ચાલી આવતી ગેમ કબડ્ડી, લંગડી, ગિલ્લીદંડા, ખો-ખો જેવી ગેમ લગભગ અદ્રશ્ય થઇ ગઇ છે
એશિયન ગેમ્સમાં ભારતના યુવાનો ડંકો વગાડી રહ્યા છે. ભારતમાં સ્પોર્ટ્સને મહત્વ આપવાનું શરૂ કર્યા બાદ દરેક ગેમમાં ખેલાડીઓ ચમકી રહ્યા છે. કબડ્ડીમાં બે ગોલ્ડ પ્રશંસનીય કહી શકાય. આપણે ત્યાં ક્રિકેટનો ક્રેઝ મોટાભાગની ગેમને ગળી ગયો છે. ચાર-પાંચ યુવાનો ભેગા થાય એટલે નજીકની ભીંત પર સ્ટ્મ્પ દોરીને રમવા લાગે છે. હવે ગેમ મહિલાઓમાં પણ પ્રિય બની ગઇ છે. ક્રિકેટ બોક્સ ગેમ તરીકે પણ લોકપ્રિય છે. લોકોને ભારતના ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓના નામ કંઠસ્થ હોય એમ બોલે છે. તેમના રેકોર્ડ વિશે પણ બોલે છે. પરંતુ એશિયન ગેમમાં બે ગોલ્ડ જીતનાર કબડ્ડીની ટીમના કેપ્ટનનું નામ પણ જાણવાની કોઇએ તસ્દી લીધી નથી.
અહીં ઉલ્લેખનીય છે કે ગોેલ્ડ મેડલ જીતનાર પુરૂષોની કબડ્ડી ટીમના કેપ્ટન સુનીલ કુમાર છે તો મહિલા કબડ્ડી ટીમના કેપ્ટન પુષ્પા રાણા છે.
ક્રિકેટના પ્રભાવ આગળ પરંપરાગત ચાલી આવતી ગેમ કબડ્ડી, લંગડી, ગિલ્લીદંડા અને ખો ખો કે આંધળી ખિસકોલી જેવી ગેમ લગભગ દ્રશ્ય થઇ ગઇ છે. ક્રિકેટના પ્રભાવ વચ્ચે જે પણ કબડ્ડી જેવી ગેમ હજુ લોકોમાં પ્રિય છે. અનેક ગામડાની શાળામાં આજે પણ કબડ્ડીની મેચો રમાય છે અને ટ્રોફિનું વિતરણ થાય છે. દક્ષિણના રાજ્યોમાં કબડ્ડીનું જોર વધારે જોવા મળે છે. એશિયન ગેમ્સમાં મેડલ જીતવાના ક્ષેત્રે ભારત ૧૨માં ક્રમે છે. ભારતનું કટ્ટર હરીફ ચીન પહેલા નંબરે છે તો જાપાન બીજા નંબરે છે.
અંગ્રેજોના શાસનથી ભારતમાં ઘૂસેલો ક્રિકેટનો ક્રેઝ આજે સટ્ટાખોરીની માંડીને મેગા ઇવેન્ટમાં પરિવર્તિત થઇ ગયો છે. જ્યારે અન્ય ગેમ માટે સ્પોન્સર શોધવાના ફાંફા પડી રહ્યા છે. ભારતની પ્રાચીન ગેમ્સને ફરી નવી પેઢી વચ્ચે જીવંત કરવાની જરૂર છે. લંગડી, ખોખો જેવી ઇન્ડોર ગેમને ફરી જીવંત બનાવવા ટાઉન લેવલની સ્કુલોને પ્લેટફોર્મ બનાવાય તો તે ભવિષ્યમાં મેટ્રોસિટી સુધી પહોંચી શકે છે.
નવી પેઢી કોમ્પ્યુટર ગેમમાં ડૂબેલી છે. તે પૈસા પણ ગુમાવે છે, સમય બરબાદ કરે છે અને મેદસ્વી બનતી જાય છે. કબડ્ડી જેવી ગેમ તેમનુ શરીર સૌષ્ઠવ વધારી શકે છે. જે એકવાર કબડ્ડીમાં વિરોધી ટીમના લોકોની ટાટીયા ખેંચ ટેકનીકનો ભોગ બને છે તે કાયમ માટે કબડ્ડીનો દિવાનો બની જાય છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખાઓમાં જેમ પ્રાચીન સંસ્કૃતિની જાળવણીની સલાહ અપાય છે એમ પ્રાચીન રમતોને પણ જીવંત રાખવામાં આવી છે. સંઘની શાખાઓ બે મુદ્દે જાણીતી છે. એક છે સૂર્ય નમસ્કાર અને બીજું છે કબડ્ડી.
આ રમત કબડ્ડી આજે પણ શાખામાં રમાડાય છે. વડાપ્રધાન મોદી સહીતના સંઘના કાર્યકરો કબડ્ડી રમીને મોટા થયા છે. કબડ્ડી માત્ર ટાંટીયા ખેંચની રમત નથી પણ તે શરીર સૌષ્ઠવ અને મનની એકાગ્રતા વધારતી રમત છે. પ્રતિસ્પર્ધીના હાથમાં આપણો પગ ના આવવા દેવો અને કદાચ આવી જાય તો તેને મુક્ત કેવી રીતે કરવાવો તે શીખવે છે. જ્યારે એક ખેલાડી શ્વાસ રોકીને કબડ્ડી..કબડી બોલતો સામાવાળાની છાવણીમાં જાય છે ત્યારે તેને ઘેરી લઇને પછાડવા ખેલાડી તૈયાર ઉભા હોય છે. જ્યારે તમને ખબર હોય કે સામે ઉભેલાઓ તમને ખેંચી લેશે અને ઘેરીને પાડી દેશે ત્યારે પણ હિંમતભેર તેમનો સામનો કરવાનું કબડી જેવી રમત શીખવાડતી હોય છે. જે લોકો રાજકારણમાં લાંબુ ખેંચવા માંગે છે તેમણે કબડી રમીને પરિસ્થિતિનો સામનો કરવાની તાલિમ લેવા જેવી છે. કબડ્ડી ત્રણ પ્રકારે રમાડાય છે જેમાં જેમિની, સુર્જીવીની અને અમરનો સમાવેશ થાય છે.
એશિયન ગેમ્સ ફેડરેશનનું ફાઉન્ડર ભારત છે. પહેલી એશિયન ગેમ્સ પણ ૧૯૫૧માં ભારત ખાતે રમાડાઇ હતી. એશિયન ગેમ્સ શરૂ થઇ ત્યારથી તમામ ગેમ્સમાં ભારતે ભાગ લીધો હતો. ૨૦૨૩માં ભારતના ખેલાડીઓનો દેખાવ બહુ ચિત્તાકર્ષક હતો. ત્યારે ભારતે ૧૦૬ મેડલ જીત્યા હતા. વર્તમાનમાં એશિયન ગેમ્સમાં ભારત ૩૭ મેડલ જીતીને ૧૨માં ક્રમે છે. કબડ્ડી ૪૦૦૦ વર્ષ જુની ગેમ છે. લશ્કરની ટ્રેનીંગમાં તેનો સમાવેશ કરાતો હતો.
ભારતમાં ક્રિકેટના ક્રેઝને નાથીને કબડ્ડીનો ક્રેઝ ઉભો થઇ શકે એમ નથી કેમકે ક્રિકેટ લોકોના જીવન સાથે વણાયેલી છે.




