યુપીના જંગમાં વિપક્ષી એકતાના ધાંધીયાઃ બંને પક્ષના જીતના દાવા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પ.બંગાળ જીત્યા પછી ભાજપને વધુ આત્મવિશ્વાસ
- પ્રસંગપટ
- જો કોંગ્રેસ તેમજ ઓવૈસીના ઉમેદવારો અલગ ઊભા રહેશે તો વિપક્ષના વોટ તૂટશે તે નક્કી છે
કોક્રોચ જનતા પાર્ટીના આંદોલન દરમ્યાન પહેલી ચંટણી ઉત્તરપ્રદેશમાં આવશે. ઉત્તરપ્રદેશનો જંગ મહાભારતના યુધ્ધની જેમ લડાશે કેમકે વિપક્ષ માટે યુપી જીતવું એ પડકાર સમાન બની ગયું છે. સરકાર વિરોધી આંદોલનના કારણે યુપીનો સૌથી મોટો વિપક્ષ સમાજવાદી પક્ષ યોગી સરકારને હરાવવા પ્રયાસ કરી રહ્યો છે. લોકસભાના જંગમાં યુપીમાં ભાજપને હંફાવનાર સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ માને છે કે તે વિધાનસભામાં પણ ભાજપને હરાવશે.
જોકે ઉત્તર પ્રદેશનો જંગ ભાજપ માટે સત્તા ટકાવી રાખવા અને સમાજવાદી પક્ષ માટે સત્તા આંચકી લેવાની ચાલ એ બંને પક્ષ માટે ચાણક્ય સમાન વ્યૂહરચના જરૂરી બની જવાની છે. પ.બંગાળ જીત્યા પછી ભાજપ વધુ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતર્યું છે. પરંતુ મોંઘવારી અને બેરોજગારી જેવી સળગતી સમસ્યા ભાજપ માટે મોટા પડકાર સમાન બની જવાની છે.
વિપક્ષમાં એકતા નથી જેનો લાભ ભાજપ ઉઠાવશે એમ મનાય છે. સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ અને કોંગ્રેસના રાહુલ ગાંધી દિલ્હીમાં ભલે ખભેખભા મિલાવીને સરકાર વિરૂધ્ધના દેખાવોમાં નજરે પડતા હોય પરંતુ ઉત્તર પ્રદેશમાં બેઠકોની ફાળવણીમાં બંને વચ્ચે મતભેદો જોવા મળે છે. કોંગ્રેસે યુપીના પ્રમુખ બદલીને પક્ષમાં ચાલતા મતભેદોને વધુ તીવ્ર બનાવ્યા છે.
વિપક્ષ સાથે સંકળાયેલો વધુ એક ઘટક પક્ષ અસઉદ્દીન ઓવૈસીનો છે. તે પણ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર ઊભા રાખવા માંગે છે. પરંતુ અખિલેશે તેમને પણ મચક આપતા નથી.
ઓવૈસીની મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોમાં વધેલી વગનો ઉપયોગ સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ બંને કરી શકે એમ છે પરંતુ આ પક્ષો પાસે પણ મુસ્લિમ મતદારોનું સમર્થન છે. અખિલેશ યાદવ કોઇ પણ વિપક્ષનો પ્રભાવ યુપીમાં વધે તેમ નથી ઇચ્છતા એમ લાગી રહ્યું છે. આ લખાય છે ત્યાં સુધી કોંગ્રેસને કેટલી બેઠક આપવી તે સમાજવાદી પક્ષ નક્કી કરી શક્યો નથી.
અખિલેશ યાદવે બ્રાહ્મણ મતદારોને આકર્ષવા લીઘેલા પગલાંની અસર જોવા મળી રહી છે. તેમનું યાદવ અને મુસ્લિમોનું સમીકરણ પણ કામ કરી રહ્યું છે. અખિલેશની આગળ રાહુલ ગાંધી લાચાર નજરે પડે છે. વિપક્ષી એકતા અખિલેશ ધારે તો જ આગળ વધી શકે એમ છે.
જો વિપક્ષી ગઠબંધન નહીં થાય અને કોંગ્રેસ તેમજ ઔવૈસીના ઉમેદવારો અલગ ઊભા રહેશે તો વિપક્ષના વોટ તૂટશે તે નક્કી છે. અખિલેશ પાસે શરૂઆતમાં અડધો અડધ બેઠકો માંગતી કોંગ્રેસ હવે ૨૫ ટકા જેટલી બેઠકો માંગી રહી છે. જોકે અખિલેશ કોંગ્રેસને ૧૦ ટકા બેઠકો આપવા પણ તૈયાર નથી. છેલ્લી વિધાનસભામાં કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી હોઇ અખિલેશ તેમને વધુ બેઠકો આપવા તૈયાર નથી. ભાજપ તેમના ચૂંટણી પ્રચારમાં મમતા બેનરજીને હરાવનાર પ.બંગાળના મુખ્યપ્રધાન સુવેન્દુ અધિકારીને પ્રચારમાં ઉતારવાની છે. સુવેન્દુ મતદારોને આકર્ષી શકે છે. પ. બંગાળના જંગમાં સુવેન્દુના પ્રચાર માટે યોગી આદિત્યનાથ ગયા હતા. હવે જ્યારે યોગીના રાજ્યમાં ચૂંટણી છે અને ખરાખરીના રાજકીય ખેલ છે ત્યારે સુવેન્દુ સહિતના ભાજપના નેતાઓ પ્રચાર માટે ઉમટી પડવાના છે.
ઉત્તર પ્રદેશનો જંગ વિપક્ષ માટે જીતવો જરૂરી છે. જોકે તે જીત ત્યારે શક્ય છે કે જ્યારે વિપક્ષના મતો વહેંચાઇ ના જાય. યોગી આદિત્યનાથને કેટલાક લોકો વડાપ્રધાન પદે ઇચ્છે છે એમ જો અખિલેશ જીતશે તો તે પણ વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર માટે દાવેદારી કરશે.




