કોર્ટમાં કેસોના ભરાવાના કારણે ભારતની જેલોમાં 77 ટકા અંડર ટ્રાયલ કેદીઓ

Updated: Jan 13th, 2023


- કોચર દંપત્તીની ધરપકડનો ફિયાસ્કો 

- પ્રસંગપટ

- બોમ્બે કોર્ટે આપેલા ખોટી ધરપકડના ચુકાદાએ સીબીઆઇની ઊંઘ હરામ કરી નાખી છે

આઇસીઆઇસીઆઇ બેંકના ભૂતપૂર્વ મેનેજીંગ ડિરેક્ટર ચંદા કોચરની ધરપકડ અને છૂટકારો બંને ફ્રન્ટ પેજ ન્યૂઝ બની ગયા હતા, પરંતુ બોમ્બે હાઇકોર્ટે સીબીઆઇની ઝાટકણી કરી તે મહત્ત્વના સમાચાર છે. ચંદા કોચર અને દીપક કોચર પાસે વકીલોની મોટી ફોજ હતી માટે તેમના વતી ઘારદાર રજૂઆતો થઇ હતી, પરંતુ કોમનમેનનું શું કે જેમની પાસે કોઇ જામીન નથી અનેે તેમના કુટુંબીઓપાસે જામીન માટે ભરવાના પૈસા પણ નથી. 

ભારતની જેલો અંડર ટ્રાયલોથી ભરેલી છે. કહે છે કે ભારતની જેલોમાં ૫,૫૪,૦૦૦ કેદીઓ છે તે પૈકી ૭૭ ટકા અંડર ટ્રાયલ છે. બાકીના ૨૩ ટકા જેટલાને કોર્ટે સજા કરેલી છે. કોર્ટોમાં કેસોનો ભરાવો એટલો મોટા પાયે થાય છે કે ન્યાય મેળવવામાં વિલંબ થઇ રહ્યા છે.

માત્ર ટોચ પર બઠેલા રાજકારણીઓ વ્હાલા-દવલાંની સિસ્ટમનો ભોગ બને છે એવું નથી, કોર્પોરેટ બેંંકોમાં પણ લોન આપતી વખતે વહાલા-દવલાની નીતિ ચલાવાતી હોય છે. બેંકોની જંગી એનપીએ પાછળ વહાલાઓને આપેલી લોન પણ જવાબદાર ગણાઇ છે. બોમ્બે કોર્ટે નોંધ્યું છે કે જ્યારે કોઇ તમને કહો એમ કરવા તૈયાર ના થાય તો તેને ગુનેગાર ના કહી શકાય. ચંંદા કોચરના કેસમાં તે ગુનો કબુલ કરવા તૈયાર નહોતાં અને તપાસ એજંસીઓ તેમને ગુનો સ્વીકારવા કહેતા હતા. કોર્ટે કહ્યું છે કે ચંદા કોચરેે તપાસ એજન્સીઓનું માન્યું નહીં એટલે તેમની ધરપકડ કરાઇ છે. 

સેલિબ્રિટી જમાત સાથે સંકળાયેલા વકીલો યેન કેન પ્રકારે પોતાના અસીલને છોડાવી લે છે. બોેમ્બે કોર્ટે આપેલા ચુકાદાએ સીબીઆઇની ઊંઘ હરામ કરી નાખી છે. પોતાને સર્વોચ્ચ તપાસ એજન્સી છે એમ કહીને ફરતી તપાસ એજન્સીઓ  ઉતાવળે પગલાં લે છે અને પછી કોર્ટ તેમને તતડાવે છે. સીબીઆઇ ભૂલ કબૂલ કરવા તૈયાર નથી, પરંતુ ચંદા કોચરની ધરપકડના કેસમાં તેને બદનામી મળી છે. કોઇને જેલને હવાલે કરાય છે ત્યારે તેના કુટુબના પ્રસંગો વેરવિખેર થઇ જાય છે. જેમ કે ચંદા કોચરના પુત્રનાં લગ્ન જેસલમેર કરવાનાં હતાં. તમામ તૈયારીઓ થઇ ગઇ હતી. કોચર કુટુંબે પુત્રનાં લગ્ન માટે જામીન માગ્યા હતા. હવે જેસલમેરનું લોકેશન કેન્સલ કરાયું છે અને મુંબઇમાં પોતાના કુટુંબીઓની હાજરીમાં જાન્યુઆરીની ૧૮મી તારીખે લગ્ન યોજાશે. 

૧૯૮૪માં આઇસીઆઇસીઆઇ બેંકમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે જોડાયેલાં ચંદા કોચર તે જ બેંકના સીઇઓ બન્યાં હતાં. દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંકના તેઓ પ્રથમ મહિલા સીઈઓ હતાં. કારકિર્દીની શરૂઆતમાં એક ખૂણામાં બેસી રહેનાર મહિલા ૨૦૦૯માં બેંકની સર્વોચ્ચ ખુરશી પર પહોંચી ગયાં હતાં. ત્યાર બાદ તેમણે બેંકમાં અનેક ફેરફારો કર્યા હતા. જેમ કે લોન લેવા માટે ઉત્સુક કંપનીઓનો સામેથી સંપર્ક કરવો વગેરે. તેઓ વારંવાર યુવતીઓને બિઝનેસ મેનેજમેન્ટમાં મોકલવાનો આગ્રહ કરતા હતાં.  સમાચાર માધ્યમોમાં તેઓ ખાસ્સાં છવાયેલાં રહેતાં હતાં. ૨૦૧૫માં જ્યારે બેંકનું એનપીએ વધવા લાગ્યું ત્યારે તેમણે નામાંકિત કંપનીઓને લોન આપવાનો નિર્ણય લીધો હતો. 

સામાન્ય માણસને લોન મેળવવા ધક્કા ખાવા પડે છે, જ્યારે ઓળખાણવાળાને ઘેર બેઠા બેંક લોન મળતી હોય છે. ચંદા કોચરે તેમના પતિ અને મળતીયાઓને પાંચ પંદર કરોડની નહીં, પણ ૧૮,૯૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. તેમને ખબર હતીકે લોન પાછી નથી આવાની છતાં લોન ફાળવી હતી અને બેંકને ચૂનો લગાવ્યો હતો. કૌભાંડ બહાર આવ્યું ત્યારે  શરૂઆતમાં બેંકના બોર્ડનો તેમને સંપૂર્ણ ટેકો હતા,ે પરંતુ તેમની સામેના આક્ષેપો વધતા ગયા પછી તેમના દરેક નિર્ણયોની સમીક્ષા થવા લાગી હતી. ચોક્કસ બિઝનેસ ગુ્રપ સાથેના ચંદા કોચરના સંબંધો વિવાદાસ્પદ બન્યા હતા. એક વ્હીસલબ્લોઅરે બેંકનું ધ્યાન દોર્યા બાદ લોકોની નજરમાં ચંદા કોચરનું કૌભાંડ આવ્યું હતું.  વિડીયોકોનના વેનુ ગોપાલ ધૂત અને ચંદા કોચરના પતિ  દીપક કોચર વચ્ચેની ફ્રેન્ડશીપે ચંદા કોચરની કારકિર્દીનો ભોગ લીધો હતો. પોતાને કોઇ બોલશે નહીં અને કોઇને ખબર પડશે નહીં એમ માનનારાં ચંદા કોચરને પસ્તાવાનો વારો આવ્યો છે. 

ચંદા કોચરના કેસથી સીબીઆઇની કામ કરવાની સ્ટાઇલ ખોટી સાબિત થઇ છે. ચંદા અને દીપક કોચરને ખોટી રીતે જેલ હવાલે કરાયાં છે એવા ચૂકાદાઓનો એ અર્થ નથી કે વિડીયોકોનને અપાયેલી લોન સાચી હતી. સુપ્રીમ કોર્ટે અંડર ટ્રાયલ કેદીઓ સામે કેસ યુદ્ધના ધોરણે ચલાવવા જોઇએ જેથી કેદીઓને સમયસર ન્યાય મળે.

    Sports

    RECENT NEWS