Get The App

માનવસર્જિત દુર્ઘટનાઓ દેશભરના શ્રધ્ધાળુઓ માટે પનોતી ખેંચી લાવી છે

Updated: Jul 11th, 2024

GS TEAM


Google News
Google News
માનવસર્જિત દુર્ઘટનાઓ દેશભરના શ્રધ્ધાળુઓ માટે પનોતી ખેંચી લાવી છે 1 - image


- જેને આપણે કાળ કહીે છીએ એ તો નિમિત્ત માત્ર છે

- પ્રસંગપટ

- સોમનાથ અને તિરૂપતિ બાલાજી ખાતે લાખો દર્શનાર્થીઓ આવે છે, પરંતુ અહીં સૌ ફરજિયાત કતારબદ્ધ રહે છે

છેલ્લા બે મહિના શ્રધ્ધાળુઓ માટે જાણે કાળ બનીને આવ્યા છે. જ્યાં જ્યાં ધાર્મિક યાત્રાઓ થાય છે ત્યાં ત્યાં કાળ ત્રાટકે છે. ક્યાંક વહિવટી બેદરકારી સામે આવે છે તો ક્યાંક લોકોનીઅધીરાઈને કારણે ધક્કામુક્કી સર્જાતી જોવા મળે છે. લોકો જાણે છે કે ભીડભાડ મુશ્કેલી સર્જશે છતાં તેઓ જાન જોખમમાં મુકીને પણ હોંશે હોંશે ધાર્મિક યાત્રામાં કે પ્રસંગોમાં ભાગ લે છે. 

શ્રધ્ધાળુઓનો પનોતીકાળ ચાલી રહ્યો છે કે શું? નીચેની ઘટનાઓ પર એક ત્વરિત નજર ફેરવોઃ

...ઉત્તર પ્રદેશના હાથરસમાં ગુરૂની ચરણરજ લેવાની લ્હાયમાં ૧૨૧ લોકોના કરૂણ મોત થયાં હતાં. અહીં પણ મંજૂરી કરતાં વધુ લોકો આવ્યા હતા અને પછી સ્થિતિ કાબુ બહાર જતી રહી હતી.

...ચારધામ યાત્રા ભારે વરસાદના કારણે અટકાવી દેવાઇ છે. છેલ્લા દશ દિવસમાં છ લોકોનાં મૃત્યુ થયા છે. વિશાળ ભેખડો તૂટી પડવાથી માર્ગ બંધ થઇ ગયા છે.

...પુરીની રથયાત્રામાં નાસભાગ દરમ્યાન  એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ડઝનેક માણસોને ઇજા થઇ હતી. પુરીની રથયાત્રામાં ગઇ કાલે ભગવાન બળદેવની પ્રતિમાને ઉંચકતી વખતે તે એકાએક ઢળી પડી હતી અને તેની નીચે એક શ્રધ્ધાળુ દબાઈ જતાં એનું મૃત્યુ થયું હતું. અન્ય છને ઇજા થઇ હતી. 

...અન્ય ધમોની વાત કરીએ તો હજયાત્રા દરમ્યાન આ વખતે સખત ગરમીને લીધે એક હજારથી વધુ શ્રધ્ધાળુઓનાં મૃત્યુ થયાં હતાં.  સખત ગરમી હોવા છતાં અહીં પાણીની પૂરતી સવલત નહોતી. વહિવટી પગલાંનો અભાવ જોવા મળ્યો હતો.

આ ચારેય ઘટનાઓમાં  માનવ સર્જિત ભૂલો વધુ જોવા મળી છે. લાખો લોકો  માટેની વ્યવસ્થા અને નિયમન ફક્ત કાગળ પર રહી જાય છે અને વહિવટકર્તાઓ એસી કેબિનમાં બેસી રહે છે. જેને આપણે કાળ કહીએ છીએ એ તો નિમિત્ત માત્ર બની જાય છે. ગેરવહિવટ અને શ્રધ્ધાળુઓની ધીરજનો અભાવ વારંવાર મુશ્કેલીનાં કારણ બન્યાં છે.

આ તો ફક્ત જાણીતાં સ્થળોની વાત થઈ. તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં શ્રધ્ધાળુઓ બહુ ઉત્સાહથી ભાગ લેતા હોય છે. તેઓ માનતા હોય છે કે ભગવાન તેમની સાથે છે, પરંતુ મોત તેમને ગમે ત્યારે ખેંચી જાય છે. હવે તો સ્થિતિ એવી આવી ગઈ છે કે ૫૫ વર્ષ કરતાં વધારે વય ધરાવનારાઓએ ભીડભાડવાળી જગ્યાએ દર્શન કરવાનું ટાળવું જોઇએ. 

સોમનાથના મંદિરમાં લાખો દર્શનાર્થીઓ આવે છે. સૌને ફરજીયાત લાઇનમાં ઊભા રહેવું પડે છે. તિરૂપતિ બાલાજીનું મંદિર  દેશનું સૌથી પૈસાદાર મંદિર છે. અહીં દેશના દરેક ખૂણેથી તેમજ વિદેશથી લાખો લોકો દર્શનાર્થે આવે છે, પરંતુ અહીંં વ્યવસ્થા એવી હોય છે કે  ક્યારેય ધક્કામુક્કી થતી નથી. લોકો શાંતિપૂર્વકથી કલાકો સુધી કતારમાં ઊભા રહે છે.

કેટલાક લોકો ભીડમાં ધક્કામુક્કી કરવા ટેવાયેલા હોય છે. મોટા પ્રમાણમાં  શ્રધ્ધાળુઓ ભેગા થાય ત્યારે ત્યાંથી દૂર રહેવું એવી સભાનતા હોવા છતાં કેટલાક લોકો પડશે એવા દેવાશે એવો અભિગમ ધારણ કરીને ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને  મુસીબત સામે આવીને ઊભી રહે ત્યારે  તરત વહીવટીતંત્ર અને નસીબનો વાંક કાઢીને ઊભા રહી જાય છે. 

કોરોના કાળ પછી લોકો વધુ ધાર્મિક બન્યા છે. જાણે કે સૌ કોઈ પોતાના ઇષ્ટદેવને પૂજવા અને એમનો આભાર વ્યક્ત કરવા માગે છે. શ્રધ્ધાળુઓ  ઉત્સાહિત હોય છે તે સમજી શકાય છે, પણ સામે છેડે વહિવટીતંત્ર ચીલાચાલુ વ્યવસ્થામાં કોઇ સુધારો લાવવા ઇચ્છતું હોય એમ લાગતું નથી. વહિવટીતંત્ર ભીડને નાથવાની કોઇ  આધુનિક પધ્ધતિ અપનાવવાના મૂડમાં નથી. 

 ઉત્સાહી શ્રધ્ધાળુઓને મોત તરફ ખેંચી જતી ઘટનાઓ ચિંતાજનક છે.  ઘાર્મિક ઉજવણીઓને અને યાત્રાઓને માત્ર  પરંપરા ગણીને બાહ્યાચાર પૂરતી સીમિત રાખવાને બદલે તેમાં રહેલી ધાર્મિક સંવેદનાને, ગૂઢ આધ્યાત્મિક અર્થોને સમજવાની જરૂર છે. ધક્કામુક્કીને કારણે થતાં મોતની ઘટનાઓ અટકશે નહીં તો ધાર્મિક ઉજવણી તેમજ યાત્રાઓ જોખમી છે તેવી છાપ ઉત્તરોત્તર દઢ થતી જશે. લોકો સુખરૂપ ઘેર પાછા ફરે તેવું આયોજન થાય તો જ લોકો વહિવટી તંત્ર પર ભરોસો રાખતા થશે. 

Tags :