ચીનની દોરી આતંક સર્જી રહી છે વેપારીઓ કમાવવાની લાલચ છોડે

Updated: Jan 10th, 2023


- ચીન પોતે અહીં દોરી વેચવા નથી આવતું, તે મગાવાય છે

- પ્રસંગપટ

- ચીનના દોરા આસાનીથી તૂટે એવા નથી હોતા, કેમ કે તે સુતર નહીં, પણ ફાયબરના સિન્થેટીક દોરામંાથી બને છે

દર ઉત્તરાણે ચીનનો દોરો રાહદારીઓના ગળા કાપી રહ્યો છે છતાં સરકાર કડક કાયદા બનાવી શકતી નથી. આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિને સરકાર વળગી રહી હોય એમ લાગે છે. ઉત્તરાણ દર વર્ષે સમયસર આવે છે. લોકોના ગળા પણ ચાઇનીઝ દોરીથી કપાતા આવ્યા છે. વેપારીઓ વધુ આવક રળવાની લ્હાયમાં ચીનની દોરી વેચે છે.

ચીન પોતે અહીં દોરી વેચવા નથી આવતું. તેને વેચનારા અને ઇમ્પોર્ટ કરનારા ખંધા વેપારીઓ અન્ય આર્ટિકલ હેઠળ ચોરીછૂપીથી મગાવે છે, પરંતુ હકીકતે તો આ લોકો મોતનો સામાન મગાવતા હોય છે.

સામાન્ય રીતે પતંગ દોરો સુતરનો આવતો હોય છે, પરંતુ ચીનના દોરા આસાનીથી તૂટે એવા નથી હોતા, કેમ કે તે સુતરમાથી નહીં, પણ ફાયબરના સિન્થેટીક દોરામંાથી બને છે. એટલે જ ઉતરાણમાં અન્ય દોરાને તે આસાનીથી અને એક ઝાટકે કાપી શકે છે. કેટલીક ચાઇનીઝ દોરી કાચના કોટીંગવાળી હોય છે. એટલે જ વિવિધ રાજ્યોની સરકારે પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં પણ તેના પર પ્રતિબંધ છે. હાઇ કોર્ટે ચીનની દોરી બાબતે સરકારની સખત ટીકા કરી છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) કહ્યું છે  કે ચીનની દોરી ઘાતક એટલા માટે છે કે તે સિન્થેટીક મટીરીયલના યાર્નમાંથી બની હોય છે અને તેના પરનું કોટીંગ માણસ તેમજ પ્રાણીની ચામડી ચીપી શકે છે. તેમાં ક્યાંય સુતર નથી હોતું. કેન્દ્ર સરકાર તેની આયાત બંધ કરે તો જ લોકોના ગળા કપાતા અટકે એમ છે.

કમનસીબી તો એ છે કે ઉત્તરાણના દિવસો દરમ્યાન ઘાયલ પક્ષીઓને બચાવવા અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ મેદાનમાં ખડેપગે સેવા આપે છે, જ્યારે સિક્કાની બીજી બાજુ એ છે કે કેટલાક લોકો ચીનથી ઘાતક દેારીનો વેપલો કરનારા લોકોના જાનની પરવા કર્યા વગર તેની આયાત કરે છે. જાણકાર સૂત્રો કહે છે કે ચીનની દોરીમાં તેને ખાસ આવક નથી થતી, પરંતુ પોતાના ગ્રાહકો સાચવવા તેમજ પોતે બહુ બિન્દાસ્ત છે એવું બતાવવા તેઓ ચીનથી માલ એક્સપોર્ટ કરે છે.

ભારત અને ચીન વચ્ચેના સંબંધો વણસેલા છે. અહીં ઉલ્લેખનીય છેે કે કોવિડ દરમ્યાન સરકારે એવો નિર્ણય કર્યો હતો કે ચીનથી આવતાં રમકડાં પર આઇએસઆઇનો માર્કો ફરજિયાત છે. સરકારે જાહેરાત તો કરી દીધી,  પણ હજુ ચીનથી માર્કા વગરનાં રમકડાં વેચાય છે, કેમ કે નથી તો ચીનની કોઇ કંપનીએ ભારતના અધિકારીઓને ચેકિંગ માટે બોલાવ્યા કે નથી તે કોઇ અધિકારી ફેક્ટરી ચેકિંગ માટે ચીન ગયા.

ચીનથી આયાત થતા રમકડાંની સાથે ચીનના ઘાતક દોરાની ખેપ આવતી હોય છે. ટૂંકમાં તે આધુનિક રમકડાં તરીકે દેશમાં આવે છે અને રાહદારીઓનો જીવ લેતી જાય છે. અનેક સમસ્યાઓથી ઘેરાયેલા માણસના ગળાની ફરતે જ્યારે ચાઇનીઝ દોરી વીંટળાય છે ત્યારે તે ગળાની નસ કાપી નાખે છે. આવા કિસ્સાઓના ફોટા મઢાવીને પતંગ-દોરી વહેંચતા વેપારીઓના ઘરમાં ટાંગી દેવા જોઈએ. 

માણસનું ગળું ચીરાઈ જતું હોય ત્યારે  મૂંગા પક્ષીઓની કેવી હાલત થતી હશે? આ વિચાર જ કમકમાટી ઉપજાવે છે. ચીનની દોરી પક્ષીઓના ડોકાં અને પાંખો કાપી નાખે છે. આવા ઇજાગ્રસ્તો પક્ષીઓને સારવાર અપાય છે, પરંતુ તેઓ ચિત્કારીને પૂછે છે કે મારો શું વાંક?

ટુ-વ્હીલરના ચાલકો ઉત્તરાણના ૨૦-૨૫ દિવસ પહેલાંજ આગળના ભાગે મોટા  ઊંધા ચીપિયા આકારનું એલ્યુમિનીયમનું ગાર્ડ ફીટ કરાવી દે છે. માનો કે દોરી ટુ- વ્હીલર ચલાવનાર તરફ ધસી આવે તો પણ તે આગળ લગાવેલા ઊંધા 'યુ' આકારના પ્રોટેક્ટર સાથે ઘસાય છે અને વાહન ચાલક બચી જાય છે. તેની કિંમત મામૂલી હોય છે, મહત્ત્વ એ છે કે તે ચાલકનો જીવ બચાવી શકે છે.

અમદાવાદમાં એસજી હાઇવે પરની કેટલીક કોર્પોરેટ કંપનીઓ પોતાના ખર્ચે ટુ-વ્હીલર ધરાવતા સ્ટાફને અગમચેતીના ભાગરૂપે આવો એલ્યુમિનીયમનો સળિયાંે નાખી આપે છે તે પ્રશંસનીય કહી શકાય.

સો વાતની એક વાત. વેપારીઓએ માનવતાના ધેારણે ચીનની ઘાતક દોરી નહીં મગાવવા અને વેચવાનો સ્વયંભૂ નિર્ણય લે.  આ અત્યંત આવશ્યક છે.


    Sports

    RECENT NEWS