Get The App

ચીનના સ્ટીલ ઉત્પાદકો માટે ભારત બન્યું ડમ્પિંગ ગ્રાઉન્ડ

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
ચીનના સ્ટીલ ઉત્પાદકો માટે ભારત બન્યું ડમ્પિંગ ગ્રાઉન્ડ 1 - image


- પ્રસંગપટ

- ચીનથી ભારતમાં નિકાસ બે મહિનામાં ૮૦ ટકા વધી 

- દેશમાં આવી આયાત બે મહિનામાં ૭૫થી ૮૦ ટકા વધી ગઈઃ વૈશ્વિક સ્ટીલ બજારમાં આપણે નેટ ઈમ્પોર્ટર બની ગયા

દેશમાં આયર્ન એન્ડ સ્ટીલ (લોખંડ તથા પોલાદ)ની બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. તાજેતરમાં ઘરઆંગણે ચીનથી વધેલી સ્ટીલની આયાત સ્ટીલ બજાર તથા  ઉદ્યોગ જગતમાં હાલ ચર્ચાનો વિષય ટોક-ઓફ-ધી-ટાઉન બની છે.  દેશમાંથી સ્ટીલની જેટલી નિકાસ થાય છે તેની સરખામણીએ દેશમાં થતી સ્ટીલની આયાત નોંધપાત્ર ઉંચી રહેતાં સ્ટીલના વૈશ્વિક બજારમાં ભારત સ્ટીલનું નેટ ઈમ્પોર્ટર દેશ તરીકે ઉભરી આવ્યું છે. દેશમાં તાજેતરમાં ખાસ કરીને એપ્રિલ તથા મે મહિનામાં સ્ટીલની આયાતમાં વિશેષ વૃદ્ધી જોવા મળી છે. દેશની સ્ટીલ ક્ષેત્રની આવી ટ્રેડ ડેફિસીટ (આયાત તથા નિકાસ વચ્ચેનો તફાવત) એપ્રિલ તથા મે દરમિયાન વધી રૂ.૪૨૮૪થી ૪૨૮૫ કરોડ આસપાસની સપાટીને આંબી ગયાના વાવડ તાજેતરમાં વહેતાં થતાં ઘરઆંગણે ધમધમતી સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના સૂત્રધારોમાં ખાસ્સી ચિંતા જોવા મળી છે. દેશમાં ૨૦૨૩-૨૪ના પાછલા નાણાં  વર્ષમાં આવી ટ્રેડ ડેફીસીટનો આખા વર્ષનો આંકડો ૯૦૩૫થી ૯૦૩૬ કરોડ નોંધાયો હતો અને  ૨૦૨૪-૨૫ના નાણાં વર્ષમાં પ્રથમ બે મહિનામાં જ એપ્રિલ તથા મેમાં આ આંકડો ૪૨૮૪થી ૪૨૮૫ કરોડ નોંધાતાં પાછલા આખા નાણાં વર્ષના આવા કુલ આંકડાની સરખામણીે વર્તમાન નાણાંવર્ષમાં પ્રથમ માત્ર બે મહિનાના ગાળામાં જ આ આંકડો ગયા આખા વર્ષની સરખામણીએ ૪૬થી ૪૭ ટકાના સ્તરે પહોંચી જતાં સ્ટીલ ઉત્પાદકોમાં ચિંતા વધી હોવાનું સ્ટીલ બજારના જાણકારોએ જણાવ્યું હતું. દિલ્હીથી સ્ટીલ મિનીસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં સ્ટીલની આયાત એપ્રિલ તથા મે મહિના દરમિયાન આશરે રૂ.૧૧૮૩૦થી ૧૧૮૩૫ કરોડની થઈ છે જ્યારે આ બે મહિનામાં દેશમાંથી સ્ટીલની નિકાસ રૂ.૭૫૪૫થી ૭૫૫૦ કરોડ જેટલી નોંધાઈ છે. ડોલરના સંદર્ભમાં આવી નિકાસનો આંકડો ૯૦૦થી ૯૦૫ મિલીયન ડોલર તથા આવી આયાતનો આંકડો ૧૪૧૫થી ૧૪૨૦ મિલીયન ડોલર નોંધાયો છે. ક્વોન્ટીટીના સંદર્ભમાં આ ગાળામાં સ્ટીલની આયાત ૩૭ ટકા વધી આશરે ૧૩ લાખ ટન થઈ છે જ્યારે સામે નિકાસ આ ગાળામાં ૪૦ ટકા ઘટી ૦.૯૪ મિલીયન ટન જેટલી નોંધાઈ છે. આ ગાળામાં ખાસ કરીને ફલેટ સ્ટીલ ઉત્પાદનોની આયાત ૪૧થી ૪૨ ટકા વધી કુલ આયાતના ૯૫ ટકાના સ્તરે પહોંચી છે. જ્યારે આની સામે નોન-ફલેટ સ્ટીલ ઉત્પાદનોની આયાત આ ગાળામાં ૮થી ૯ ટકા ઘટી હોવાના વાવડ મળ્યા હતા.

દરમિયાન, ફલેટ સ્ટીલ ઉત્પાદનોની નિકાસ ૪૨ ટકા ઘટી  છે તથા નોન-ફલેટ ઉત્પાદનોની નિકાસમાં ૧૧ ટકાની પીછેહટ દેખાઈ છે. દેશમાં ચીનથી આયાત વધી છે ઉપરાંત ચીનથી અન્ય દેશો તરફ સ્ટીલની જે નિકાસ કરવામાં આવે છે  તે દેશો દ્વારા ત્યારબાદ ચીનના આવા સ્ટીલની નિકાસ ભારત તરફ કરી દેવામાં આવે છે! આના પગલે ઘરઆંગણે આયાતમાં વિશેષ વૃદ્ધી થતી જોવા મળી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આવા દેશો તથા ભારત વચ્ચે ફ્રી-ટ્રેડ  કરાર (એફટીએ) થયા છે તે કરારની પુનઃસમીક્ષા કરવાના ચક્રો પણ ગતિમાન થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ઘરઆંગણે આયાતી માલોનો પ્રવાહ વધતાં દેશના સ્ટીલ બજારમાં તેના પગલે ભાવ દબાણ હેઠળ જોવા મળી રહ્યા છે. ચીનના સ્ટીલ નિકાસકારો આ પૂર્વે જાપાન તથા કોરિયા તરફ નિકાસ કરતા હતા પરંતુ તાજેતરના સમયમાં ચીનના નિકાસકારો વધુમાં વધુ નિકાસ ભારત તરફ મોકલતા થયાના નિર્દેશો મળ્યા હતા. ચીનથી ભારતમાં આવી નિકાસ બે મહિનામાં ૭૫થી ૮૦ ટકા વધી જતાં ઘરઆંગણે બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. ભારતમાં ચીનથી આવી આયાત બે મહિનામાં ૪૮થી ૪૯ અબજ ડોલરની થઈ છે! જે ૬૨ ટકાની વૃદ્ધી બતાવે છે. ચીનથી એલોય તથા સ્ટેનલેસ સ્ટીલ ઉપરાંત સ્ટીલ પ્લેટસ, સ્ટીલ બાર્સ, સ્ટીલ રોડસ, ગેલ્વેનાઈઝડ પાઈપ્સ તથા કોરુગેટેડ શીટસ વિ.ની આયાત વધી છે. ચીનમાં ઘરઆંગણે ઉત્પાદન વધી જતાં ચીન દ્વારા સરપ્લસ નિકાસ ભારત તરફ ધકેલવામાં આવી રહ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ રહી હતી. ભારત સરકારે આ પ્રશ્ને હવે ગંભીરતાપૂર્વક લક્ષ આપવું જરૂરી હોવાનું જાણકારોએ જણાવ્યું  હતું. ચીન દ્વારા ભારત ઉપરાંત વિયેતનામ, બ્રાઝીલ, યુનાઈટેડ આરબ અમીરાતના દેશો તરફ પણ સ્ટીલની નિકાસમાં વૃદ્ધી થઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. ભારતથી યુરોપ તરફ આવી નિકાસ ધીમી પડી છે. જો કે બ્રિટન તરફ આવી નિકાસ વધી છે.

Prasangpat

Google NewsGoogle News