સંસાર છોડીને સંતના વાઘા પહેરનારા પણ ઇર્ષા ભાવનો ભોગ બનતા હોય છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પ્રેમાનંદ મહારાજનો સત્સંગ દેશ-વિદેશમાં સૌથી વધુ લોકપ્રિય
- પ્રસંગપટ
- પ્રેમાનંદ મહારાજ કોઇ આર્થિક ઉપહાર લેતા નથી. તે માત્ર રાધે.. રાધેના સમરણ સાથે જીવનમાં આધ્યાત્મિક શક્તિ ઉભી કરવાનો ઉપદેશ આપે છે
પ્રેમાનંદ મહારાજનો સત્સંગ દેશ-વિદેશમાં સૌથી વધુ લોકપ્રિય છે. તેમના આશ્રમની બહારના માર્ગો પર લોકો આખી રાત ઉભા રહે છે કેમકે વહેલી સવારે ૩ વાગ્યાથી તેમની પ્રભાત ફેરી શરૂ થાય ત્યારે લોકો તેમના દર્શન માટે રસ્તાની બંને બાજુ ઉભા રહે છે. તેમનો શાંત અને આધ્યાત્મિક તેજ વાળો ચહેરો જોઇને દરેક આશિર્વાદનો અનુભવ કરતા હોય છે.
રોજ તેમના આશ્રમમાં થતો સંત્સંગ વિશ્વભરમાં લાખો લોકો જુવે છે અને તેમને સરળતાથી જીવન જીવવાની રીત સમજવા મળે છે. તેમની વધતી લોકપ્રિયતા અને વિરાટ કોહલી અને અનુષ્કા જેવા સેલિબ્રિટી તેમના દર્શનાર્થે અવાર નવાર આવતા જોઇને અનેકની આંખોમાં તે ખૂંચતા હતા. સોશ્યલ નેટવર્ક પર પ્રેમાનંદ મહારાજને સૌથી વધુ હીટ્સ મળતી આવી છે.
ભારતમાં દરેક ક્ષેત્રે પોલીટીક્સ જોવા મળે છે તેમાં સંત મહાત્માઓ પણ આવી જાય છે. પોતાના આશ્રમોમાં વધુ અનુયાયીઓ આવે છે એવું સાબિત કરવા સંતો પણ પોલીટીકલ ગેમ રમતા હોય છે.
નામાંકીત સંતોના સંત સમાગમમાં પૂછાતા પ્રશ્નો અને ભક્તોની આંખોમાંથી નીકળતા આંસુ વગેરે અગાઉથી લખાયેલી સ્ક્રીપ્ટ હોય છે. આવી વાતો સોશ્યલ નેટવર્ક અને સમાચાર માધ્યમો સાથે જોડાયેલા લોકોને ખબર હોય છે પરંતુ સમાજના ૯૫ ટકા લોકો સંત સમાગમમાં કહેવાતી વાતો અને ભક્તો દ્વારા અનુભવાતા ચમત્કારની વાતોને સાચી સમજીને સંતના આશિર્વાદ લેવા તડપે છે. પ્રેમાનંદ મહારાજ પાસે કોઇ ટીમ નથી. તેમને મળી રહેલા અવિરત પ્રેમ અન્ય સંતો માટે ઇર્ષાનું કારણ બની ગયો છે. તેમના વૃંદાવન આશ્રમમાં બનતી કોઇ પણ ધટનાને મારી-મચડીને નેગેટીવરૂપ આપવામાં કેટલાક લોકો ટાંપીને બેઠા હોય છે. પ્રેમાનંદ મહારાજનું નિધન થયું છે અને આવતી કાલથી રોજીંદો સંત સમાગમ બંધ થશે તેવા અહેવાલો સોશ્યલ નેટવર્ક પર મહિનામાં ચાર વાર ફરતા જોવા મળે છે.
ભારતમાં સંતો, બાબાઓ અને ગુરૂઓએ પોતાની ઓળખનો પ્રચાર કરવા રાજકારણીઓ અને કોર્પોરેટ સર્કલનો સહારો લેવો પડયો છે. મોટા ભાગના સંતો પર રાજકીય પક્ષોના લેબલ વાગેલા છે . જેમકે બાબા રામદેવ પર ભાજપનું લેબલ વાગેલું છે તો સ્વામી ધીરેન્દ્ર બ્રહ્મચારી પર કોંગ્રેસનું લેબલ વાગેલું હતું.પરંતુ પ્રેમાનંદ મહારાજ સમાજના અનેક પ્રલોભનોથી દુર રહેતા હતા. તેમની વધતી લોકપ્રિયતાએ તેમના દુશ્મનોમાં વધારો કર્યો હતો. વૃંદાવનના અન્ય આશ્રમોના સંતોની ઇર્ષા એટલા મોટા પ્રમાણમાં હતી કે તેમણે ભારતના સ્ટાર ક્રિકેટ પ્લેયર વિરાટ કોહલીને પણ વિવાદમાં ઢસડવાનો પ્રયાસ કર્યો હતો.
ફલાહારી મહારાજ તરીકે ઓળખાતા દિનેશ ફરાળીએ કહ્યું હતું કે વિરાટ કોહલીએ પ્રેમાનંદ આશ્રમમાં દર્શને આવવાના ૫ કરોડ રૂપિયા લીધા હતા. આ આક્ષેપ વધુ વિવાદ સર્જે તે પહેલાં જ વિરાટે સ્પષ્ટતા કરી હતી કે વાત સાવ જ ખોટી છે.
ગઇ ૨૫મી તારીખે આશ્રમના એક સાધક રસીક દુલારીના અકાળે મોતના પગલે વિવાદ થયો હતો. તેનો દુરૂપયોગ કરવાના તમામ પેંતરા સોશ્યલ નેટવર્ક પર જોવા મળે છે. આવતી કાલથી સત્સંગ સભા બંધ થઇ રહી હોવાના મેસેજ પણ ફેરવવામાં આવ્યા હતા.
અન્ય સંત સમાજ ચૂપ છે. સંસાર છોડીને સંત બનનારાઓમાં પણ ઇર્ષા ભાવ ઠાંસી-ઠાંસીને ભર્યો હોય છે. સોશ્યલ નેટવર્ક પર આમ પણ, મહાભારત કે રામાયણ જેવા પ્રાચીન ગ્રંંથોની ઘટનાઓમાંથી ઉપદેશ આપનારાઓનો રાફડો પાટયો છે. અનેક સંતો મહાભારતના શ્લોકોનો અર્થ સમજાવવાના ૨૦૦ રૂપિયા ચાર્જ કરે છે. તમારી પાસે ઉદાહરણો સાથે સમજાવવાની શક્તિ હોય અને ચમત્કારની વાતો કહેવાની આવડત હોય તો તમે પણ સોશ્યલ મિડિયા પર સંત બની શકો છો અને કમાણી કરી શકો છો.
પ્રેમાનંદ મહારાજ કોઇ આર્થિક ઉપહાર લેતા નથી. તે માત્ર રાધે..રાધેના સ્મરણ સાથે જીવનમાં આધ્યાત્મિક શક્તિ ઉભી કરવાનો ઉપદેશ આપે છે. નવા જમાનાના પૈસા ખાઉ મહારાજોની યાદીમાં તે નથી આવતા માટે તેમને બદનામ કરવાના આક્ષેપોનો શિકાર બનાવાય છે.




